ગાંધીધામમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમાડતો એક બુકી ઝડપાયો

ચેન્નઈ-દિલ્હીની મેચ પર ઓનલાઈન સાઈટ પર સટ્ટો રમાડનાર શખ્સની ૧૧,પ૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ

ગાંધીધામ : ઈન્ડિયન પ્રિમિયર લીગ શરૂ થઈ જતા સટ્ટોડિયાઓ માટે જાણે ઉત્સવો શરૂ થયા હોય તેમ સટ્ટા બજાર ગરમાઈ છે. આઈપીએલની મેચોમાં દર વર્ષે કરોડોની ઉથલપાથલ થતી હોય છે. તેવામાં ગાંધીધામમાં આઈપીએલની મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશ થયો હતો.ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીને આધારે જૂની કોર્ટ રોડ પર હરિકૃપા કોમ્પ્લેકસમાં દરોડો પડાયો હતો. આરોપી પ્રકાશભાઈ અરવિંદભાઈ મહેતા આઈપીએલની ચેન્નઈ સુપર કિંગ અને દિલ્હી કેપીટલની મેચ પર ઓનલાઈન સાઈટ ઉપર હારજીતનો સટ્ટો રમાડતો હતો. પોલીસે પાડેલા દરોડામાં આરોપીના કબજામાંથી રોકડા રૂા.૧પ૦૦ તેમજ રૂા.૧૦ હજારનો અક મોબાઈલ ફોન મળીને કુલ ૧૧,પ૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી વિરૂદ્ધ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધાતા હેડ કોન્સ્ટેબલ હિરેન ચાવડાએ આગળની તપાસ હાથ ધરી છે.