ગાંધીધામના ટ્રાન્સપોર્ટ નગરમાં ચાર ગાડીઓમાં આગ લાગતા ચકચાર

ગેરેજના પ્લોટમાં બનેલા બનાવમાં બે ટ્રક અને એક ટેન્કર બળીને ખાખ : અન્ય એક ટ્રકમાં આગથી નુકશાન

(ક્રાઈમ પ્રતિનિધિ)ગાંધીધામ : શહેરના સેકટર ૯-સી વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટ નગરમાં એક સામટી ચાર ગાડીઓમાં આગનો બનાવ બન્યો હતો. મધ રાત્રે અગમ્ય કારણોસર આગની ઘટનામાં ત્રણ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે અન્ય એક વાહનમાં ટાયર સહિતના પાર્ટસ બળી જતા નુકશાની પહોંચી હતી. બનાવને પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે જાણવા જોગ દાખલ થઈ હતી. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ સેકટર ૯-સી, ટ્રાન્સપોર્ટ નગરમાં આવેલી એક ગેરેજના પ્લોટમાં પાર્ક કરાયેલી ગાડીઓમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી હતી. રાત્રીના એક થી દોઢ વાગ્યાના અરસામાં અગમ્ય કારણોસર ચાર – ચાર વાહનોમાં આગ ફાટી નિકળતા અફરા તફરી મચી હતી. બનાવને પગલે ગાંધીધામ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો ત્યાં સુધીમાં બે ટ્રક અને એક ટેન્કર બળીને ખાખ થઈ ગયા હતા. જ્યારે અન્ય એક ટ્રકમાં આગને કારણે વ્યાપક નુકશાની થઈ હતી. ટ્રાન્સપોર્ટ નગરમાં અગમ્ય કારણોસર ચાર ચાર વાહનોમાં એક સાથે ફાટી નિકળેલી આગને કારણે અનેક પ્રકારના તર્ક વિતર્કો વહેતા થયા છે. આગ અકસ્માતે લાગી કે પછી કોઈએ ઈરાદાપૂર્વક એક સાથે ચાર ચાર વાહનોમાં લગાડી તે પ્રશ્ન છે. જો કે હાલ તો બનાવને પગલે બલવીરસિંગ રામસિંગ દ્વારા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેને આધારે પોલીસે આગ લાગ્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.