ગાંધીધામના જુની સુંદરપુરીમાં ઈલેકટ્રીક થાંભલા પર કરંટ લાગી નીચે પડવાથી યુવકનું મોત

ગાંધીધામ : જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠેર ઠેર વીજળી ગુલ થવાની ફરિયાદો વધી હતી, તે વચ્ચે ગાંધીધામમાં ઈલેકટ્રીક થાંભલા પર કામ કરતા યુવકને વીજ કરંટ લાગતા મોત નિપજયું હોવાની ઘટના સામે આવી છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે નોધાયેલી વિગતો મુજબ જુની સુંદરપુરીમાં રહેતા ૩૩ વર્ષિય વીરાભાઈ કેસાભાઈ મહેશ્વરી સાંજે પાંચ વાગ્યાના અરસામાં ઈલેકટ્રીક થાંભલા પર કામ કરતા ત્યારે ઈલેકટ્રીક કરંટ લાગ્યો હતો. વીજ આંચકો જોરથી લાગતા તેઓ થાંભલા પરથી જમીન પર પટકાયા હતા, જેને કારણે માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રાથમિક સારવાર રામબાગમાં આપ્યા બાદ તેઓને જી.કે.માં રીફર કરાયા હતા. જયાં મોડી રાત્રે દમ તોડી દેતા એ ડિવિઝન પોલીસમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો છે. પીઆઈ ડી. એમ. ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે.