ગાંધીધામમાં ઘરકંકાસની બાબતે માતા-પુત્રીની કરપીણ હત્યા થતા ચકચાર

ગાંધીધામમાં ઘરકંકાસની બાબતે માતા-પુત્રીની કરપીણ હત્યા થતા ચકચાર

સમજુતી કરારથી રહેતા શખ્સે કિડાણાના જંગલમાં બનાવને આપ્યો અંજામ : મૃતદેહોને ગટરમાં ફેંકી દેવાતા શોધખોળ તેજ બનાવાઈ

ગાંધીધામ : પચરંગી એવા ગાંધીધામ શહેરમાં હત્યા જેવા બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. તેવામાં ગાંધીધામમાં ડબલ મર્ડરનો બનાવ બી ડિવિઝન પોલીસમાં દર્જ થયો છે. સમજુતી કરારથી નવ વર્ષથી સાથે રહેતા આરોપીએ માતા-પુત્રીની કરપીણ હત્યા કરી મૃતદેહોને ગટરમાં ફેંકી દીધા હતા. ઘર કંકાસની બાબતોના કારણે બનાવને અંજામ અપાયો હોવાનું પ્રાથમિક તબક્કે સપાટી પર આવ્યું છે. મૂળ બિકાનેરના અને હાલે ગાંધીધામમાં ગળપાદર જેલ પાછળના ઝુંપડામાં કૈલાશનગરમાં રહેતી સરોજ ઉર્ફે રેશ્મા સંજયસીંગ ઓજલા જાટે તેના પાલક પિતા સંજયસીંગ દર્શનસીંગ ઓજલા જાટ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના પાલક પિતા એવા આરોપી સંજગસીંગનો ફરિયાદીની મમ્મી હજીયા ઉર્ફે સીમરન (ઉ.વ.૪૧) સાથે અવારનવાર નાની નાની બાબતે ઝઘડો થતો હતો. જેની અદાવતે સંજયસીંગ રેશ્માની મમ્મી સીમરન અને ૧૩ વર્ષની બહેન સોનીયાને કીડાણાના જંગલમાં કાચબા લેવા જવાનું કહી કિડાણા લઈ ગયો હતો. ઘરેથી લાકડાના ધોકા સાથે બાઈક નંબર જીજે. ૧ર. બીક્યુ. ૮૭૯૮ વાળામાં માતા-પુત્રીને બેસાડી જઈ કિડાણા જતા રોડ પર બાવળોની ઝાડીમાં બંને માતા-પુત્રીને લાકડાના ધોકા વડે મારમારી બંનેને ગટરમાં ફેંકી દઈ મોતને ઘાટ ઉતાર્યા હતા. પોતાનો ઈરાદો પાર પાડી આરોપીએ પુરાવાનો નાશ કર્યો હતો તેમજ ફરિયાદીને ઘટનાની જાણ થતા તેણીને પણ મારી નાખવાની ધમકી અપાઈ હતી. નોંધનીય છે કે, હતભાગી સીમરન અને સંજયસીંગનો અવારનવાર ઝઘડો થતો હતો. જેમાં ખાવા-પીવાની બાબતે, પહેરવા-ઓઢવાની બાબતે ઝઘડો થતો તેમાં સંજયસીંગ સીમરનને મારમાર તો તેમજ પુત્રીઓને જાનથી મારી નાખવાની ધમકી અપાતી હતી. ભૂતકાળમાં સંજયસીંગ કોઈ મહિલા સાથે પ્રેમમાં પડતા સીમરન તેની પુત્રીઓને લઈ રાજસ્થાન જવા નીકળી હતી. બાદમાં સમજાવટ બાદ પરત ગાંધીધામ આવી હતી. પાલક પિતાએ મમ્મી અને બહેનની કરપીણ હત્યા કરી હોવાની ફરિયાદ પુત્રીએ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. કિડાણાના જંગલમાં પણ સર્ચ ઓપરેશન કરાયું છે. બનાવની તપાસ પીઆઈ સુમીત દેસાઈ ચલાવી રહ્યા છે.