પાણી સંગ્રહ ક્ષમતા વધે તે માટે રાજ્ય સરકારે ગત વર્ષે પ્રથમ વખત ગંભીરતાથી યોજનાની અમલવારીની કરી હતી ઘોષણા : ડેમો – તળાવો ઉંડા કરવાનું હતું આયોજન : લોક ભાગીદારીનો હિસ્સો આપવામાં જિલ્લાના ૮૦ ટકા ઉદ્યોગગૃહો – સંસ્થાઓની પાછીપાનીનો અબડાસાના ધારાસભ્યનો ગંભીર આક્ષેપ

 

ભુજ : ‘જલ હૈ તો કલ હૈ’ સુત્ર તળે ગુજરાત સરકારે સુજલામ્‌સુફલામ્‌જળ સંચય અભિયાનનો ગત વર્ષે વાજતે – ગાજતે પ્રારંભ કર્યો હતો. રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ સેંકડો તળાવ ઉંડા કરવાનું વિરાટ અભિયાન હાથ ધરાયું હતું. ગત વર્ષે આ અભિયાન કાગળો પર જ ઉજળું હતું, ત્યારે આ વર્ષે પણ માત્ર બીલો જ બનાવાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

આ અંગેની વિગતે વાત કરીએ તો સુજલામ્‌સુફલામ્‌જળ અભિયાન આગામી ત્રણ વર્ષો સુધી ચાલુ રાખી રાજ્યના તમામ તળાવો ઉંડા કરી આવનારી પેઢીને પચાસ વર્ષ સુધી જળ સમૃદ્ધિનો વારસો આપવાની ગત વર્ષે રાજ્ય સરકારે પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. લોક ભાગીદારીની આ અભિયાનને આગળ ધપાવવાનું સરકારનું આયોજન હોઈ ખર્ચના ૬૦ ટકા હિસ્સો સરકાર ભોગવે અને ૪૦ ટકા હિસ્સો લોક ભાગીદારીથી આવે તેવું નક્કી કરવામાં આવેલ હોવા છતાં કચ્છમાં લોક ભાગીદારીમાં સહયોગ આપવામાં પાછી પાની કરાયાનું ચિત્ર ઉપસ્યું છે.

અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જળ સંચય યોજનામાં ઘનમીટર દીઠ રૂા. ૩૦નું ચુકવણું થાય છે, જેમાં સરકારનો ફાળો રૂા. ૧૮ અને લોકફાળો રૂા. ૧ર છે. કચ્છમાં ગત વર્ષે ૮૦ ટકા ઉદ્યોગગૃહો – સંસ્થાઓએ લોકફાળો આપ્યો ન હતો. સરકારે આપેલ ફાળા પૈકીની પણ કેટલી રકમનો સાચો ઉપયોગ થયો તે તપાસનો વિષય છે. ચાલુ વર્ષે પણ માત્ર બીલો જ બને તેની પુરેપુરી ભીતિ છે. જો વાસ્તવમાં સરકારને આ યોજના સાર્થક કરવી હોય તો જે ગામમાં કામ થાય તે ગામની જ મોનીટરીંગ ટીમો બને તે જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, કામોની સંખ્યાને બદલે જયાં પાણી સંગ્રહ થઈ શકે તેવા ડેમો – તળાવોનો સમાવેશ કરાય તો યોજનાનો સાચો હેતુ સિદ્ધ થાય તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here