ગંદકીના ગંજ અને અસામાજીક પ્રવૃતિઓનું અડ્ડો બનતું ભુજનું બહુમાળી ભવન

જિલ્લાની સૌથી વધુ સરકારી કચેરીઓ ધરાવતી ઓફિસમાં સુવિધા – સલામતીના નામે મીડું : શૌચાલયમાં સાફ-સફાઈનો અભાવ, પાંચ મહિનાથી ચોકીદારની ગેરહાજરી, ઈમારતની છત પર ગેરપ્રવૃતિઓ વધી, ફાયરના સાધનો બંધ : માર્ગ અને મકાન વિભાગ જવાબદારીમાંથી હાથ ખંખેરતું હોવાનો તાલ : કર્મચારી યુનિયનોમાં ગજગ્રાહથી સરકારી સુવિધાઓનો નિકળતો ખો

ભુજ : જિલ્લામાં સૌથી વધુ સરકારી કચેરીઓ ભુજના બહુમાળી ભવનમાં આવેલી છે, પરંતુ આ ભવનની સુંદરતા અને સુવિધાઓ હણાઈ ગઈ હોય તેમ છેલ્લા કેટલાક મહિનાઓથી બહુમાળી ભવનમાં ઠેર ઠેર ગંદકીના ગંજ અને અસામાજીક પ્રવૃતિઓ વધી ગઈ છે. સુવિધા સલામતીના નામે મીડું જાેવા મળે છે. જેના કારણે અરજદારો અને અહીં કામ કરતા કર્મચારીઓનો મરો થઈ રહ્યો છે.

આ અંગેની વિગતો મુજબ ભુજમાં કલેકટર કચેરી પાસે બહુમાળી ભવન આવેલું છે. આ કચેરીમાં સંખ્યાબંધ સરકારી ઓફિસો આવેલી છે પરંતુ અસુવિધાઓ વધુ છે, જેમાં વાત કરીએ તો કચેરીના દરેક માળમાં થોડા થોડા અંતરે સંડાસ – બાથરૂમ આવેલા છે, પરંતુ તેમાં સાફ સફાઈ થતી નથી. ગટરની લાઈનો ચોકઅપ હોય છે, જેના કારણે અસહ્ય બદબુના કારણે રોગચાળાનો ફેલાવો થાય છે. જાન્યુઆરીથી ચોકીદાર પણ નથી. હાલની કોવિડની સ્થિતિમાં કચેરીમાં આવતા લોકોના ટેમ્પરેચર માપવા કે હાથ સેનીટાઈઝ કરાવવા કોઈ વ્યવસ્થા નથી. ચોકીદારના અભાવે આ કચેરી અસામાજીક તત્ત્વોનો અડો બની ગઈ છે.

કચેરી બાદના સમય અસામાજીક તત્ત્વો ઓફિસનો ગેરઉપયોગ કરી કચેરીની છત પર પહોંચી જાય છે. છત પર દારૂની બોટલો જાેવા મળે છે. પાણીની મોટરના રૂમનો દરવાજાે તુટેલી હાલતમાં છે. કેટલીક ઓફિસોમાં ટાઈલ્સો ઉખડી ગઈ છે. કચેરીના પ્રાંગણમાં ઠેર ઠેર કચરા અને ભંગાર વાહનોનો ખડકલો જાેવા મળે છે. ફાયર સીસ્ટમની પાઈપો પથરાઈ છે પણ હજુ સુધી એક પણ વાર સીસ્ટમ ચાલુ થઈ નથી. ફાયરના બાટલા રીફલીંગ કરાય છે પણ અપવાદ સિવાય કોઈ કર્મચારીઓને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેની માહિતી નથી. આ બાબતે કલેકટરને રજૂઆત કરતા માર્ગ અને મકાન વિભાગના ઈજનેરને ઘટતું કરવા જાણ કરાઈ હતી. પણ માર્ગ અને મકાન વિભાગ જવાબદારીમાંથી હાથ ખંખેરી એક બીજા પર ખો આપી કોઈપણ કામ ન કરતું હોવાનો આક્ષેપ થયો છે. બીજી તરફ કર્મચારી યુનિયનોમાં ગજગ્રાહ અને કેટલીક અંટસોના કારણે સરકારી કામો અટકી પડવા કચેરીના મુળભુત પ્રશ્નોનો ઉકેલ ન આવવો સહિતની સમસ્યા ઉદભવી હોવાનું પણ સામે આવ્યું છે.