ખોખરા વિસ્તારમાં ક્લાસીસ ચાલુ રહેતા એએમસીની ટીમે સીલ માર્યું

(જી.એન.એસ.)અમદાવાદ,કોરોનાના કેસો વધતાં રાજય સરકારે કડક નિયંત્રણો લાદી દીધાં છે. માત્ર આવશ્યક ચીજવસ્તુઓમો દુકાન સિવાય તમામ સુવિધાઓ બંધ છે. જેની વચ્ચે અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટેની તૈયારીઓ માટે ચાલતા કલાસીસ પર મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. કોરોનાની ગાઈડલાઈન અને જાહેરનામાનો ભંગ કરવા બદલ એકેડમીને સીલ મારી દેવામાં આવ્યું હતું. ગઈ કાલે ચાંદલોડિયામાં પણ ટ્યુશન ક્લાસિસને સીલ મારવામાં આવ્યું હતું.પ્રાપ્ત વિગતો પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના દક્ષિણ ઝોનને માહિતી મળી હતી કે ખોખરા વિસ્તારમાં આવેલી સેવા એકેડમી નામની પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે ચાલતાં કલાસીસ ચાલે છે. જેથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ ત્યાં પહોંચી હતી.૧૦થી વધુ યુવક યુવતીઓ કલાસીસમાં હાજર હતા. કેટલાક લોકોએ મોઢે માસ્ક પણ પહેર્યા ન હતાં. જેથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે એકેડમીને સીલ કરી દીધી હતી.