ખેલો ઈન્ડિયા સેન્ટર શરૂ કરવા ઈચ્છતી શાળા-સંસ્થાઓ ભુજની રમતગમત કચેરીએ કરે દરખાસ્ત

ભુજ : ભારત સરકારના રમતગમત મંત્રાલય દ્વારા ખેલો ઈન્ડિયા યોજના હેઠળ ખેલો ઈન્ડિયા સેન્ટરજિલ્લા કક્ષાએ શરૂ કરવા માટે યોજના અમલમાં છે. ખેલો ઈન્ડિયા સેન્ટરમાં તાલીમ માટે ઓલમ્પિક – ૨૦૨૪ને ધ્યાને લઈ (આર્ચરી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, સાયકલિંગ, ફેન્સિંગ, હોકી, જુડો, રોવિંગ, શુટીંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિશ, વેઇટ લિફ્ટિંગ, કુસ્તી) જેવી ૧૪ રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ખેલો ઈન્ડિયા સેન્ટરમાં વધુમાં વધુ ત્રણ રમતો તથા રમત દીઠ ઓછામાં ઓછા ૩૦ તાલીમાર્થીઓ જ લાભ લઇ શકશે.  છેલ્લા ૫ વર્ષથી રમત ગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડતી હોય તેવી સંસ્થાઓ કે શાળાઓ ખેલો ઇન્ડિયા સેન્ટર શરૂ કરવા માટે દરખાસ્ત કરી શકશે. આ ખેલો ઈન્ડિયા સેન્ટર માટે પ્રત્યેક રમત દીઠ એક વખત શરૂઆતી સહાય રૂા.૫ લાખ આપવામાં આવશે. ત્યારબાદ જરૂરી સ્ટાફનું માનદ વેતન, નવા રમતના સાધનો ખરીદી કરવા, સ્પોર્ટ્‌સ કીટ, સ્પર્ધામાં ભાગ લેવા માટે થનાર ખર્ચ માટે પ્રત્યેક રમત દીઠ વાર્ષિક મળવાપાત્ર સહાય રૂા.૫ લાખ રહેશે. ભારત સરકારની ગાઇડલાઇન અનુસાર અત્રેના જિલ્લામાં ખેલો ઈન્ડિયા સેન્ટર શરૂ કરવા અંગે ભારત સરકાર અને ગુજરાત સરકારના રમત ગમત વિભાગ દ્વારા યોગ્ય લાયકાત ધરાવતી શાળાઓ, સંસ્થાઓ પાસેથી દરખાસ્ત મંગાવેલ છે, જેમાં ભૂતપૂર્વ વિજેતા ખેલાડીઓ કે જેઓ હાલ રમતનું પ્રશિક્ષણ આપતા હોય તેમણે અરજી ફોર્મના Annexure-IIમાં દર્શાવેલ યોગ્યતા મુજબ લાયકાત ધરાવતા ખેલાડીઓએ Annexure-IA અને પાંચ વર્ષથી વધુ સમયથી રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડતી હોય તેવી સંસ્થાઓ, શાળાઓએ Annexure-IB પ્રમાણે પોતાની દરખાસ્તો જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રૂમ નં.૪૧૧, ત્રીજાે માળ, બહુમાળી ભવન, ભુજ  ખાતે તા.૨૬/૫ના સાંજે ૬ કલાક સુધીમાં મોકલી આપવાની રહેશે. અરજી ફોર્મ ખેલો ઈન્ડિયા વેબસાઇટ http://dnh.nic. in/ Docs /11Aug 2020/ Guidelines_ KI-CSLKIC.pdf તથા જિલ્લા રમત ગમત અધિકારી કચ્છ-ભુજ ના https:// dso kachchh.blogspot.com પરથી મેળવી શકાશે. ખેલો ઇન્ડિયાની ગાઈડલાઈન્સ  મુજબ દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે.