ખેડુતોને ખાતર સબસીડીની જાહેરાત આભાસી કે છેતરામણી? જાગો..કચ્છના ખેડુતો જાગો : હથેળીમાં ચાંદવાળો જ છે તાલ.!

રાજકીય લાભાલાભની જ બની રહેશે જાહેરાત : પ્રબુદ્ધ નિષ્ણાંતોનો મત : અગાઉ ૧ર૦૦ રૂપીયામાં મળતી ખાતરની થેલી હજુય પણ ૧ર૦૦માં જ મળશે, ખેડુતોના કોઈ જ પૈસા બચવાના નથી :  ખાતર કંપનીએ એપ્રીલ-મેથી કર્યો હતો ભાવવધારો, તો ખેડૂતો ભાવવધારો તો ચૂકવી જ બેઠા છે તેનુ શું? આ ભાવવધારો સરકાર આપશે પાછો..!

ગાંધીધામ : કોરોનાની મહામારીમાં ભારતીય કેન્દ્ર સરકારની આબરૂના ઠેર ઠેર ધજાગરા ઉડી રહ્યા છે. વિશ્વ ગુરૂ ભારતને સ્થાપિત કરનાર નરેન્દ્રભાઈની ઈમેજને પણ ધક્કા લાગી રહ્યા હોય અને તે તળીયે આવી રહી હોવાના વૈશ્વિક સર્વે બહાર આવવા પામી ચૂકયા છે, કોરોનાને કાબુમાં લેવામાં સૌથી નબળા નેતાઓમાં નરેન્દ્રભાઈ મોખરે આ સર્વેમાં આવેલા જાેવાઈ ગયા છે તો બીજીતરફ દેશમાં અન્નદાતાએ પણ સરકારની સામે ખેડુત આંદોલનથી માંડી અને અલગ અલગ રીતે મોરચાઓ માંડી રાખ્યા છે જૈ પૈકીનો ખાતરનો ઐતિહાસીક ભાવવધારો પણ સડકથી લઈ અને સંસદ સુધી ગાજી ગયો અને વિપક્ષો દ્વારા આ ભાવવધારાને લઈને કેન્દ્ર સરકારને બરાબરની આડેહાથ પણ લેવામાં આવી ગઈ હતી.

તે દરમ્યાન જ નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા ખેડુતોને ખાતર સબસીડીમાં વધારો કરી દેવાની જાહેરાત કરી દીધી છે. મોદીજીના ભાજપના કાર્યકર્તાઓ તથા નેતાઓએ આ પહેલને ઐતિહાસીક ગણાવી રાબેતામુજબ જ વાહવાહી લુટવાનુ શરૂ કરી દીધુ છે. પરંતુ હકીકતમાં ખેડુતોએ આ બાબતે જાગૃત બનવાની જરૂરી છે. ખાતર સબસીડીની જાહેરાત કરાઈ છે તે આભાસી, છેતરામણી કે પછી રાજકીય લાભાલાભ ખાટવા પુરતી જ સીમીત રહી શકે તેમ છે. આ માટે ખરેખર કચ્છના ખેડુત આગેવનો, સંગઠનો, જાગૃત કિસાનસંઘોએ જાગૃતી કેળવવી જરૂરી બની રહી છે.આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો મોદી સરકારે તાજેતરમાં જ ડીએપી ખાતરની સબસીડી વધારાને ૧ર૦૦ રૂપીયા કરવાનો નિર્ણય લીધો છે. તેને ભાજપના નેતા ઐતિહાસીક ગણાવી સરકારની વાહવાહીનો જશ ખાટી રહ્યા છે.

સરકાર ખેડુતોની હિતરક્ષક હોવાની બહુ મોટી રાહત આપી હોવાના દાવાઓ પણ થઈ રહ્યા છે. હકીકતમાં કચ્છ સહિતના ખેડુતોએ જાગૃત બનવાની જરૂર છે. આ જાહેરાતમાં ઐતિહાસીક કશુ જ નથી. અને ખડુતોને રાહતની વાત પણ છેતરામણી જ સાબિત થવા પામી જશે. કારણ કે, ખેડુતોને પહેલા પણ ડીએપી ખાતરની થેલી ૧ર૦૦ રૂપીયામાં જ મળતી હતી અને હજુય આ થેલી તેઓને ૧ર૦૦ રૂપિયામાં જ પડતર છે. તેથી ખેડુતોના પૈસા બચવાના નથી. હાલમાં ડીએપી ખાતરના કાચા માલની કિમંત વધી છે પણ એક બે માસ પછી સરકાર સબસીડીની રકમ એટલી જ રાખીને ખેડુતોને તેનો કેાઈ જ ફાયદો આપવાની નથી.

બીજુ કે ખાતર કંપનીઓએ પણ એપ્રીલ-મેમાં ભાવવધારો કર્યો હતો તેથી બે મહીનાના તો તેમણે ઉચા ભાવ લીધા જ છે તેનુ શુ? શુ ખેડુતોને આ ભાવવધારો પાછો જમા મળશે? જરા સહેજ પણ નહી અપાય..! એટલે કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય લેવાયો છે તે માત્ર અને માત્ર રાજકીય લાભાલાભ માટે જ લીધો હોય તેમ વધુ લાગી રહ્યુ છે.

કૃતી કાયદાઓના કારણે નારાજ ખેડુતો આંદોલન કરી રહ્યા છે, ખાતરનો ભાવવધારો તમામ ખેડુતોને અસર કરે તેમ હોવાથી આ મુદો સરકારની સામે રાષ્ટ્રીય મુદો બની શકે તેવો ડર સતાવતો હોવાના કારણે જ સરકારે આભાસી અને છેતરામણી સબસીડી વધારવાની જાહેરાત કરી દીધી હોય તેમ દેખાઈ રહ્યુ છે. જાે હાલમાં ખેડુત સંગઠનો-કચ્છના નિષ્ણાંત ખેડુતો, અભ્યાસુ આગેવાનો આગળ નહી આવે તો ખાતર સબસીડીના નામે પણ કચ્છના ખેડુતોને ઠેંગો જ મળશે તેવી વકી જાણકારો સેવી રહ્યા છે.