ખાવડા સમીપે ૩.પના આંચકાથી ધ્રુજી ધરા

વહેલી પરોઢે ૩ઃપ૪ મિનિટે ખાવડાથી રર કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું

ભુજ : કચ્છમાં ભૂકંપના આંચકાનો દોર યથાવત રહ્યો છે. વાગડ ફોલ્ટલાઈન તો સક્રીય હતી, પરંતુ હવે ખાવડાની ફોલ્ટ લાઈન પણ સક્રીય થઈ હોય તેમ આજે સવારે ૩.પની તીવ્રતાનો જાેરદાર આંચકો આવતા ભૂકંપની ગોજારી યાદો તાજી થઈ હતી. ગાંધીનગર સિસ્મોલોજી કચેરીએ નોંધાયેલી વિગતો પ્રમાણે આજે સવારે ૩ઃપ૪ મિનિટે ખાવડાથી રર કિ.મી. દૂર ૩.પની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જમીનમાં ૬.૭ કિ.મી. ઉંડાઈએ આંચકો અનુભવાતા અહીંના લોકોએ ધ્રુજારી અનુભવી હતી. મોટે ભાગે દુધઈ, ભચાઉ, ધોળાવીરા પટ્ટામાં ભૂકંપના આંચકા આવતા હોય છે ત્યારે ખાવડા સમીપે વધુ તીવ્રતાનો આંચકો આવતા વૈજ્ઞાનિકો માટે પણ સંશોધનનો વિષય બન્યો હતો. દરમિયાન ગઈકાલે પણ દુધઈ સમીપે ૧.૧ અને ૧.૬ની તીવ્રતાના આંચકા નોંધાયા હતા.