ખડીર વિસ્તારમાંથી મળી આવેલા જુરાસિક ફોસિલ્સ વુડનું કરાય છે સરક્ષણ

કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એનવાયરમેન્ટ સાયન્સ વિભાગ દ્વારા કરાઈ રહી છે કામગીરીઃ ૧૬ કરોડ વર્ષ જુના અસ્મિઓના સરક્ષણ માટે આયોજનબદ્ધ રીતે કરાઈ રહી છે કામગીરી

ભચાઉ : તાલુકાના ખડીર વિસ્તારમાં આવેલા ધોળાવીરા ખાતેથી ૧૬ કરોડ વર્ષ જૂના જુરાસિક ફોસિલ્સ વુડ મળી આવ્યા હતા. આ ઘટના સમગ્ર ભારતવર્ષ માટે એક મહત્વની ઘટના કહી શકાય… હાલ આ જુરાસિક ફોસિલ્સ વુડને રિસ્ટોર કરવાની કામગીરી ચાલી રહી છે.આ અંગેની વધુ વિગતો મુજબ કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એનવાયરમેન્ટ સાયન્સ વિભાગના વડા ડોક્ટર મહેશ ઠક્કરે આ અંગે વિગતે વાતચીત કરી હતી. તેમણે કહ્યુ હતું કે, ૧૦થી ૧૧ વર્ષ પહેલા જીઓલોજીસ્ટો દ્વારા ધોળાવીરા ખાતે જુરાસિક ફોસિલ્સ વુડની શોધ કરવામાં આવી હતી.પહેલા પણ આ પ્રકારના વુડ શોધવામાં આવ્યા છે, પરંતુ તેને શોધ્યા બાદ વનવિભાગ દ્વારા રક્ષિત કરવું જરૂરી બને છે.ધોળાવીરામાંથી મળેલા આ પ્રકારના વુડને રક્ષિત કરવા માટે વનવિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ૨૦૧૧-૧૨માં આ વુડને રક્ષિત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં તેની ફરતે ફેન્સિંગ કરવામાં આવી હતી. અને લોકોની અવર-જવર બંધ કરવામાં આવી હતી. પરંતુ આ વુડ ફરતેની ફેન્સિંગ તોડીને લોકો તેના નાના-નાના ટુકડાઓ લઈ જતા હતા. ધોળાવીરા ખાતે બે જુરાસિક ફોસિલ્સ વુડ મળી આવ્યા હતાં. જેમાંથી એક ૧૧ મીટર લાંબો અને ૧.૫ મીટર પહોળો છે. જ્યારે બીજો ૧૩ મીટર લાંબો અને ૧.૫ મીટરથી પહોળો હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ વુડમાં ક્યાંક ક્યાંક વચ્ચેથી તેના ટુકડાઓ તૂટી ગયા છે. ધોળાવીરા ખાતે ઉત્તરની બાજુએ જ્યાં ડુંગરની ધાર છે, ત્યાં આ જુરાસિક ફોસિલ્સ વુડ છે. આ હજારો વર્ષથી ખુલ્લામાં પડેલા હતા. ગરમી, ઠંડી અને વરસાદને કારણે તેના ટુકડાઓ તૂટીને ખરી પડ્યા છે. તો કેટલાક ટુકડાઓ રણમાં વહી ગયા છે, અને કેટલાક ટુકડાઓ લોકો લઈ ગયા છે.૨૦૧૪માં પ્રવાસન વિભાગ દ્વારા ૮થી ૧૦ કરોડના એક પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી. પરંતુ શરૂઆતમાં ૪થી ૫ વર્ષ કોઈપણ જાતનું કાર્ય કરવામાં આવ્યું ન હતું. ૨૦૧૭માં આ જુરાસિક ફોસિલ્સ વુડની આજુબાજુ ડેવલોપમેન્ટ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટ આમતો પ્રવાસન વિભાગનો છે, પરંતુ તેનું કામ કચ્છ કલેકટરની સૂચના મુજબ કરવામાં આવી રહ્યું છે. હાલ જુરાસિક ફોસિલ્સ વુડને યોગ્ય રક્ષણ મળી ગયું છે.

ટેકનિકલ માહિતી માટે અર્થ એન્ડ સાયન્સ વિભાગને સોંપાયું કામ

ભુજ : જુરાસિક ફોસિલ્સ વુડની ટેકનિકલ માહિતી જાણવી જરૂરી હતી. માટે આ પ્રોજેક્ટ વહીવટી તંત્ર દ્વારા કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગના હેડ ડોક્ટર મહેશ ઠક્કરને સોંપવામાં આવ્યો છે. ત્યારે માધ્યમો સાથેની વાતચીત દરમિયાન ડોક્ટર મહેશ ઠક્કરે આ અંગે કેટલીક ટેકનિકલ બાબતો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, આ એક ડ્રિફ્ટવુડ પ્રકારના જુરાસિક ફોસિલ્સ વુડ છે. આ કાંતો પૂર અથવા તો સુનામી આવે ત્યારે સમુદ્ર કિનારે તરી આવીને રેતાળ વિસ્તારમાં ખૂંચી જાય છે. અને સમય જતાં લાખો-કરોડો વર્ષ પછી આ વુડ પથ્થરમાં પરિણમે છે.

જુરાસિક ફોસિલ્સ વુડને ૫૦ વર્ષ જાળવી શકાય તે માટે કરાયું રિસર્ચ

ભુજ : આ જુરાસિક ફોસિલ્સ વુડ દરરોજ થોડું થોડું તૂટી રહ્યું હતું. તે માટે કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગના હેડ ડોક્ટર મહેશ ઠકકરે કલેકટર સાથે મીટીંગ કરી હતી. તેમને આ જુરાસિક ફોસિલ્સ વુડને રિસ્ટોર કરવાની વાત મૂકી હતી. અને આ કામ તેમને જ સોંપવામાં આવ્યું હતું. ડોક્ટર મહેશ ઠક્કર દ્વારા આ વુડના નાના નાના ટુકડાઓને જોડવા માટે લેબોરેટરીમાં રિસર્ચ કરવામાં આવ્યું હતું. અને આ ફોસિલ્સ વુડને ૫૦ વર્ષ સુધી જાળવી શકાય અને કયા પ્રકારના પ્રવાહી દ્વારા આ ટુકડાઓને જોડીને રિસ્ટોર કરી શકાય તે અંગે રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ જુરાસિક ફોસિલ્સ વુડને રિસ્ટોર કરવાનું કાર્ય પૂરા ભારત વર્ષમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. અને અત્યાર સુધીમાં ૮૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ જુરાસિક ફોસિલ્સ વુડ રિસ્ટોર થઈ ગયા બાદ પણ તેને ગરમી, ઠંડી અને વરસાદથી બચાવવું જરૂરી છે. માટે તેના પર કેનોપી બનાવવું જરૂરી છે. જેથી તેને કોઈ નુકસાન ન પહોંચે.

રિસર્ચમાં પણ સાબિત થયું કે ફોસિલ્સ વુડ ૧૬ કરોડ વર્ષ જૂના

ભુજ : ભચાઉના ખડીર વિસ્તારમાં આવેલા ધોળાવીરા નજીકથી મળી આવેલા જુરાસિક ફોસિલ્સ વુડ પર તજજ્ઞો દ્વારા રિસર્ચ પણ કરવામા આવ્યું હતું. વૈજ્ઞાનિકો અને નિષ્ણાંત જીયોલોજિસ્ટ દ્વારા કરાયેલા રિસર્ચ બાદ ખ્યાલ આવ્યો હતો કે, આ જુરાસિક ફોસિલ્સ વુડ ૧૬ કરોડ વર્ષ જૂના છે. અગાઉ લાકડામાંથી વર્ષો જતા આ અસ્મિઓ હવે પથ્થરમાં પરિણમ્યા છે. જે અત્યારે જોવામાં ૧૧થી ૧૩ મીટરના છે. તે ખરેખર ખૂબ મોટા હોવાનું અનુમાન છે. ત્યારે આ જુરાસિક ફોસિલ્સ વુડ પર અભ્યાસ કરવામાં આવ્યું, અને કયા પથ્થરોમાં આ મળી આવે છે તેની માહિતી મેળવવામાં આવી હતી.