ઢોરીના બે મંદિરમાં ચોરી, દુકાન અને મકાનના તાળા તૂટ્યા

ભુજ : ભુજ તાલુકાના ઢોરી ગામે બે મંદિર તથા મકાન અને દુકાનના તાળા તોડી તસ્કરોએ ચોરી કરી હતી. ઢોરી ગામે ચામુંડા માતાજીના મંદિરે તસ્કરોએ દાનપેટીમાંથી રૂપિયા ૧પ૦૦ રોકડાની ચોરી કરી હતી. તથા લોહાણા સમાજના ફકીરા દાદા મંદિરમાંથી દાનપેટી તોડીને રૂપિયા પ૦૦ની ચોરી કરી હતી. ઉપરાંત ગામના ઓસમાણ અબ્દુલ ખત્રીના મકાનનું તાળું તૂટેલું હતું, પરંતુ કોઈ માલમતાની ઉઠાંતરી થઈ ન હતી. તદ્‌ઉપરાંત ગામના દિલીપ જયસુખ ગોસ્વામીની રસકસની દુકાનનું તાળું તૂટેલું હતું. પરંતુ તસ્કરો ભાગી ગયા હતા.

ભીમાસરમાં ટ્રકે નીચે આવી જતા આધેડનું મોત

અંજાર : તાલુકાના ભીમાસર રેલવે સ્ટેશન નજીક રેલવે રેકમાં તેલનું લોડીંગ કરી રહેલા આધેડ પર રિવર્સમાં આવતી ટ્રક ચડી જતા મોતને ભેટ્યા હતા. રેલવે સ્ટેશન યાર્ડના પ્લેટફોર્મ નં.પ ઉપર બનેલા બનાવમાં દેવકીનંદન પવારનું મોત નીપજ્યું હતું. તેઓ લોડીંગનું કામ કરતા હતા ત્યારે અચાનક ટ્રક ચાલકે રિવર્સ લેતા તેઓ ટ્રક નીચે ચગદાઈ ગયા હતા. બનાવને પગલે ગાંધીધામ રેલવે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

હરિયાણાના વેપારીને કોઠારામાં ધાકધમકી : ૩ સામે ફરિયાદ

નલિયા : અબડાસાના કોઠારામાં બિયારણના પૈસાની ઉઘરાણી માટે આવેલા હરિયાણાના વેપારી ધાક ધમકી આપતા ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો હતો. હરિયાણાના વેપારી મહેશકુમાર હંસરાજ અરોળે દોઢેક વર્ષ પૂર્વે વેદપ્રકાશ રામસિંગ જાટને હરિયાણાથી બિયારણ મોકલાવ્યું હતું. જેના રૂપિયા લેવા તેઓ શનિવારે આવ્યા હતા અને તેમના મિત્રના ઘેર રોકાયા હતા અને વેદપ્રકાશને પૈસા માટે ફોન કરતા ઉશ્કેરાયેલા શખ્સે વિનોદ અરોળ અને અન્ય એક શખ્સ સાથે તેણે વેપારીને ધમકી આપી હવે નાણાની માંગણી કરીશ તો જાનથી મારી નાખીશ. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સગીર પુત્રીની છેડતી કરી, ઉપરથી માતાને મરાયો માર

ગાંધીધામ : તાલુકાના પડાણામાં ઘર પાસેથી પસાર થતા શખ્સે સગીરાની છેડતી કરતા તેની માતાએ યુવાનને ઠપકો આપતા આરોપીએ તેને લાફો ઝીંકીને ઈજા પહોંચાડી હતી. બનાવને પગલે સગીરાની માતાએ નવી સુંદરપુરીમાં આવેલ તૈયબા મસ્જિદ પાસે રહેતા રવિ મહેશ્વરી વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીએ ફરિયાદીની પુત્રીની છેડતી કરતા તેને ઠપકો અપાયો હતો. જેને કારણે તેને ફરિયાદીને તમાચો મારીને કાન ઉપર ઈજાઓ પહોંચાડતા ગુનો નોંધાયો હતો.

ગળપાદરના બંધ ઘરમાંથી પોલીસે ૧.૬૧ લાખનો દારૂ પકડ્યો

ગાંધીધામ : ગાંધીધામ તાલુકાના ગળપાદરમાં બંધ ઘરમાંથી પોલીસે ૧.૬૧ લાખનો શરાબ ઝડપી પાડ્યો હતો. પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગળપાદર ભવાનીનગરમાં આવેલા મકાન નં.રર૭ બ્લોક/બીમાં દારૂ હોવાની બાતમી મળી હતી. જેના આધારે મકાનમાંથી દારૂની બોટલ નંગ ૪૦૮ કિંમત રૂપિયા ૧,૬૧,૧૬૦નો શરાબનો જથ્થો હસ્તગત કર્યો હતો. પરંતુ આરોપી પોલીસના હાથમાં આવ્યો ન હતો.

કુકમા નજીક ટ્રકે એક્ટીવાને હડફેટે લીધી

ભુજ : ભુજ તાલુકાના કુકમા નજીક ટ્રકની હડફેટે એક્ટીવા પર સવાર એક જ પરિવારના ત્રણ સદસ્ય ઘવાયા હતા. ભુજ-અંજાર ધોરીમાર્ગ પર રેલવે ફાટક રોડ પર ટ્રકની હડફેટે આવી જતા એકટીવા સવાર હસીનાબેન ઈમરાન કુંભાર (ઉ.વ.૩૩), ફકીરમામદ આમદ કુંભાર (ઉ.વ.પ૬) અને બશીર હુશેન ઈમરાન કુંભાર (ઉ.વ.૭) (રહે. તમામ અંજાર)ને ઈજાઓ થતા વધુ સારવાર માટે જી.કે. જનરલ ખસેડાયો હતો.

વાગડમાં યુવતીની હત્યા કરનાર બે આરોપીએ કારૂડામાં યુવકની સાથે મારામારી કરી

રાપર : રાપર તાલુકાના માનગઢમાં યુવતીને ઝેરી દવા પી હત્યા કરનારા બે શખ્સોએ કારૂડામાં યુવકને માર માર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આરોપી સુખદેવ રામસંગ કોલી અને તુલસી બાબુ કોલીએ મંજૂલાબેન ઝેરી દવા પીવડાવી કલ્યાણપર બસ સ્ટેશનમાં મૂકી નાસી ગયા હતા. ઉપરાંત આ બન્ને આરોપીઓ સાથે તેના ભાઈ  વજા બાબુ કોલી સામે કારૂડા ગામે મારામારીની ફરિયાદ નોંધાઈ છે. આરોપી તુલસી કોલી શાળા પાસે દારૂ પીતો હતો જેને ફરિયાદી ભોજા કોલીએ ના કહેતા સુખદેવ, તુલસી, વજા બાબુ કોલીએ ફરિયાદીના ખેતરમાં જઈને પાઈપ વડે મારમાર્યો હતો. ફરિયાદીને ઈજાઓ થતા રાધનપુર હોસ્પિટલ ખસેડાયો હતો.

કુકમામાં વીજ શોક લાગતા મહિલાનું મોત

ભુજ : તાલુકાના કુકમા ગામે ૩પ વર્ષિય પરિણીતાને વીજ શોક લાગતા મોત નીપજ્યું હતું. હતભાગી પ્રેમીલાબેન ભીખાભાઈ તડવી વાડીમાં સરગવાના ઝાડ પર ચડીને શીંગુ ઉતારતા હતા અને અચાનક વીજ વાયર સાથે અડી જતા શોક લાગ્યો હતો અને સારવાર નસીબ થાય તે પૂર્વે મોત નીપજ્યું હતું. બનાવને પગલે પધ્ધર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.