ક્રાઈમ કોર્નર

કંડલા બંદરે ક્રેન પરથી પટકાયેલા ઈજનેરનું મોત

ગાંધીધામ : કંડલાના પંડિત દીનદયાળ પોર્ટમાં જેટી નં.૭ ઉપર ક્રેનમાં દેખરેખ માટે ઉપર ચડેલા મિકેનિકલ ઈજનેર અલ્ફાઝ કાદરભાઈ ચૌહાણ (ઉ.વ.ર૩) નામનો યુવાન નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. દોઢ-બે મહિના પૂર્વે જ કામ પર લાગેલા મૂળ વેરાવળના યુવાનનું અકસ્માતે પડી જવાથી મોત નીપજ્યું હતું. ક્રેનની ચાલતી કામગીરીમાં તે દેખરેખ કરવા ગયો હતો. દરમિયાન અચાનક નીચે પટકાઈને પાણીમાં પડી ગયો હતો. બનાવને પગલે કંડલા મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

ભુજમાં બેકાબૂ બનેલી કારે બાઈકને હડફેટમાં લેતા એકનું મોત

ભુજ : શહેરના મુંદરા રોડ પર પૂરપાટ જતી કારે બેકાબૂ બનીને બાઈકને હડફેટમાં લેતા વૃધ્ધનું મોત નીપજ્યું હતું. આઈયાનગર નજીક બનેલી ઘટનામાંં ડિવાઈડર કૂદીને આવેલી કાર બાઈકને હડફેટમાં લઈને પલટી મારી ગઈ હતી. બનાવમાં બાઈક ચાલક લક્ષ્મણભાઈ તેજાભાઈ દાફડાનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે ઉંધી વળેલી કાર અને બાઈકને જોવા માટે લોકોના ટોળા એકત્ર થયા હતા. ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે બનાવ સ્થળે ધસી જઈને કાર્યવાહી હાથ ધરી હતી.

નૂતન ચિત્રોડમાં ચાર લાખની ચોરી

રાપર : તાલુકાના નૂતન ચિત્રોડમાં દિનદહાળે બંધ ઘરને નિશાન બનાવીને તસ્કરોએ ૪ લાખની તસ્કરી કરી હતી. બનાવને પગલે ખેતી કરતા પેથાભાઈ કરમશીભાઈ ગોઢીએ ફરિયાદ નોંધાવી હતી. તેઓ દવા લેવા માટે પાટણ ગયા હતા. પાછળ ઘરમાં રહેલ તેમના પત્ની અને પુત્ર વાડીએ ગયા હતા. દરમિયાન બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ ઘરમાં રાખેલા રોકડા રૂા.ર લાખ તેમજ સોના-ચાંદીના દાગીના મળીને ૩.૯૯ લાખની તસ્કરી કરી હતી. બનાવને પગલે આડેસર પોલીસ મથકે ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઈ છે.

માંડવીના કોડાયમાંથી ૭ જુગારીઓ જબ્બે

માંડવી : તાલુકાના કોડાય ગામની રૂકમાવતી નદી પાસે ધાણીપાસાનો જુગાર ખેલતા ૭ શકુની શિષ્યોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસના દરોડામાં જાવેદ કાસમ કુંભાર, ઈસ્માઈલ અબ્દુલા ચૌહાણ, હુસેન ગની જુણેજા, હુસેન અલીમામદ ચૌહાણ, કાસમ અલીમામદ જુણેજા, ગફુર ઈબ્રાહીમ બુખારી અને રોશન હાજી મિસ્ત્રીની ધરપકડ કરાઈ હતી. આરોપીઓના કબ્જામાંથી રોકડા રૂા.ર૦,૮૦૦ તેમજ ૩ મોબાઈલ મળીને રપ,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

ટ્રકના સોદામાં હપ્તા ન ભરીને પ લાખની ઠગાઈ

માંડવી : તાલુકાના બિદડાના ધંધાર્થી સાથે ધ્રબના શખ્સોએ ટ્રકના સોદા બાદ હપ્તા ન ભરીને ૪.૯પ લાખની ઠગાઈ આચરી હતી. જે અંગે બિદડામાં શીવજી પૂંજાભાઈ સંઘારે ધ્રબના જમીલ અબ્દુલ રહીમ તુર્ક અને બારોઈના સમીર ઉર્ફે શબ્બીર ગફુર સરકી વિરૂધ્ધ માંડવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ગજોડમાં ૪ વાહનોમાંથી ૭૦ હજારનું ડીઝલ ચોરાયું

ભુજ : તાલુકાના ગજોડ ગામની સીમમાંથી વી-કોંક્રીટ નામની કંપનીના વાહનોમાંથી ૭૦ હજારના ડીઝલની ચોરી થઈ હતી. બનાવ અંગે બળદિયાના વિનોદ વાલજી વેકરીયાએ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. ૪ વાહનોમાંથી ૭રર લીટર ડીઝલ કાઢી લેવાયું હતું.

ગુંદાલામાંથી ૬ર હજારનો દારૂ ઝડપાયો

મુંદરા : તાલુકાના ગુંદાલામાં એક બંધ મકાનમાં શરાબ છુપાવાયો હોવાની બાતમીને પગલે મુંદરા મરીન પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં ઘરમાંથી રૂા.૬ર,૧૦૦ની કિંમતના શરાબની ૧૧૭ બોટલ મળી આવી હતી. જ્યારે આરોપી જીવણજી ખાનજી જાડેજા પોલીસને હાથ લાગ્યો ન હતો.

અંજારમાંથી આંકડાનો જુગારી જબ્બે

અંજાર : શહેરમાં ગંગાનાકા નજીક ચાની હોટલ પાસે વરલી મટકાના આંક ફેરનો જુગાર રમાડતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. બાતમીને આધારે પોલીસે જીતેન્દ્ર જયંતીલાલ ઠક્કરની ધરપકડ કરી હતી. આરોપીના કબ્જામાંથી ડાયરી સહિતનું સાહિત્ય અને ૧૯પ૦ની રોકડ રકમ કબ્જે કરી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.