ક્રાઈમ કોર્નર

ભીમાસરમાં બાવળની ઝાડીમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી

અંજાર : તાલુકાના ભીમાસર નજીક આવેલી લુઈસ કંપનીની સામે બાવળની ઝાડીમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી હતી. અંદાજે ૩૦થી ૪૦ વર્ષિય અજાણ્યા યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અંજારના સતાપરમાં કિશોરીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

અંજાર : તાલુકાના સતાપરમાં સ્વામિનારાયણ નગરમાં રહેતી કાજલબા ભરતસિંહ સોઢા (ઉ.વ.૧૩)એ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હતભાગી કિશોરીના પિતા નોકરી અર્થે કંપનીમાં ગયા હતા અને માતા મોગલધામ દર્શને ગઈ હતી. દરમિયાન કિશોરીએ પોતાના ઘેર પંખામાં દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ આ ફાનિ દુનિયાને અલવિદા કરી હતી. બનાવને પગલે પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ભચાઉના નવા ગામ નજીક ટ્રકમાં અચાનક લાગી આગ

ભચાઉ : ભચાઉ તાલુકાના નવા ગામ નજીક સિમેન્ટ ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. નવા ગામ નજીક યુરો કંપની પાસે રાત્રી ભાગે સિમેન્ટ ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભય ફેલાયો હતો. આ અંગે ભચાઉ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.

રાપરના સુવઈ ગામે નર્સે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો

રાપર : રાપર તાલુકાના સુવઈ ગામે કોઈ અગમ્ય કારણોસર નર્સએ આપઘાત કર્યો હતો. સુવઈ ગામે રહેતી અંકિતાબેન સોલંકી (ઉ.વ.રપ) કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર માટે રાપર સરકારી દવાખાના મધ્યે ખસેડાઈ હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. હતભાગી નર્સ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી જાણવા મળ્યું નથી. મૃતકની સગાઈ કરેલી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભુજમાં બાઈકને અકસ્માત નળ્યો, બેને ગંભીર ઈજા

ભુજ : ભુજ શહેરની લેકવ્યુ હોટલથી મંગલમ ચાર રસ્તા પર બાઈક અકસ્માતના બનાવમાં બે પરપ્રાંતિય યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી. આ રોડ પર જઈ રહેલા રામકુમાર શીવનારાયણ બિશ્નોઈ, જીતેન્દ્ર બિશ્નોઈ નામના બે યુવાનોને અકસ્માત નળ્યો હતો. જેમાં બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે ભુજની જી.કે. જનરલ ખસેડાયા હતા. જેમાંથી એકને હેમરેજ જેવી ઈજા થતા તે બેભાન થઈ ગયો હતો.

ભુજમાંથી મોબાઈલ સ્નેચીંગના આરોપીને એલસીબીએ પકડી પાડ્યો

ભુજ : ભુજ શહેર તથા આસપાસના વિસ્તારોમાં મોબાઈલ સ્નેચીંગ સહિતના નવ ગુનામાં સંડોવાયેલા ભુજના આરોપીને એલસીબીએ ચોરાઉ ત્રણ મોબાઈલ અને એક છરી સાથે દબોચી લીધો હતો. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે દાદુપીર રોડ રીઢા આરોપી સલીમ ઉર્ફે સલ્લો જુસબ મમણ (ઉ.વ.ર૧)ને ઝડપી લેતા ચાર મોબાઈલ ફોન અને છરી સહિતના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. પોલીસની સઘન પૂછપરછમાં તેણે અલગ અલગ વિસ્તારમાં કરેલી ચીલઝડપ કબુલી હતી.

ભચાઉના મણીનગરમાંથી ત્રણ જુગારી પકડાયા

ભચાઉ : ભચાઉના મણીનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રોકડ રૂા.૧૩,૬૦૦ સાથે પોલીસે ઝડપી લીધા હતા તથા બે શખ્સોનાસી ગયા હતા. મણીનગરમાં સદ્‌ભાવના હોસ્પિટલ પાછળ પોલીસે દરોડો પાડીને જુગાર રમતા અમીત ત્રિભુવનભાઈ ઠક્કર (ઉ.વ.૩પ), મયૂર મનુભાઈ કોલી (ઉ.વ.ર૭), અબ્દુલશા ઈબ્રાહીમશા ફકીર (ઉ.વ.૩પ) ઝડપાઈ ગયા હતા. જ્યારે જયંતી રામજી કોલી અને સમીર નાયક નામના શખ્સ નાસી ગયા હતા. રોકડા રૂા.૧૩,૬૦૦ સાથે બે મોબાઈલ મળીને કુલ ૧૯,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ગાંધીધામમાં સેકટર-૮માં ઓફિસમાં આગ

ગાંધીધામ : શહેરના સેકટર-૮માં આવેલ રામલીલા મેદાન નજીક એક ખાનગી ઓફિસમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. કચેરીમાં ઉપર લેબોરેટરી છે. નીચે આવેલા વાયરિંગમાં આગ લાગતા ધુમાડાના ગોટા બહાર આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બનાવ અંગે કંપનીના માલિક મેહુલ ભીખાભાઈ બારોટે પોલીસને જાણ કરી હતી.