ક્રાઈમ કોર્નર

ભદ્રેશ્વરમાં અભ્યાસની ચિંતાથી વ્યથિત યુવકનો આપઘાત

ભુજ : મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામે પોતાના અભ્યાસ અને ભવિષ્યની ચિંતાથી વ્યથિત ૧૮ વર્ષિય રાહુલ મોહન શેખાએ આત્મહત્યા કરી લેતા ભારે અરેરાટી ફેલાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી રાહુલ કોલેજના દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતો હતો. પ્રાથમિકછાનબીનમાં સપાટીએ આવેલી વિગતો મુજબ પોતાના અભ્યાસ અને ભવિષ્ય અંગે યુવક ચિંતિત રહેતો હતો. આ સંજોગોના કારણે કોઈ ઝેરી દવા ગટગટાવીને તેણે આત્મઘાતી પગલું ભરી લીધું હતું. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે

ચિત્રોડમાંથી ત્રણ ભેંસ ચોરાઈ જતા ફરિયાદ

ભુજ : રાપર પોલીસે ભેંસ ચોરીનો ભેદ ઉકેલ્યા બાદ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાપર તાલુકાના ચિત્રોડ ગામમાંથી એક માસ પૂર્વે ૧.ર૦ લાખની ત્રણ ભેંસ ચોરાઈ ગઈ હોવાની ફરિયાદ આડેસર પોલીસ મથકે નોંધાઈ છે. રાપરના ભીમદેવકામાં રહેતા ખેડૂત છગનભાઈ મેમાભાઈ કોલીએ આ ફરિયાદ નોંધાવી છે. જે પ્રમાણે ગત રપ/પના ભેંસો ચરવા માટે ગઈ હતી ત્યારે ચોરી થઈ હોવાનું જણાવાયું છે.

ગાંધીધામમાં ટ્રેઈલર ચાલકને ઢીબી નખાયો

ગાંધીધામ : અહીં રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસે કારમાં આવેલા ત્રણ ઈસમોએ ટ્રકને આંતરી પોતે ફાઈનાન્સ કંપનીમાંથી આવ્યા હોવાનું જણાવી ધાકધમકી કરી ગાડી પાછી ખેંચવા આવ્યા હોવાની ધમકી આપી હતી. ટ્રકના ચાલક મુળ રાજસ્થાનના મંગલારામ ગણેશરામ કાલિયા કોલસો ભરી ગાંધીધામથી પાણીપત જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. ડ્રાઈવરે ફોન કરીને પોતાના શેઠને જાણ કરી હતી. એક વ્યક્તિ શેઠથી વાત કરતો હતો ત્યારે અન્ય બે ઈસમોએ ચાલકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કારમાં આવેલા ઈસમો ટ્રેઈલર સિઝ કરી ચાલ્યા જતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

માનકૂવાની યુવતીને અશ્લીલ મેસેજ મોકલવું ભારે પડ્યું

ભુજ : તાલુકાના માનકૂવા ગામે જુનાવાસમાં રહેતી ર૦ વર્ષિય યુવતીને વોટ્‌સએપ પર એક શખ્સ દ્વારા દરરોજ ગંદા અને અશ્લિલ ફોટો મુકી પરેશાન કરવામાં આવી હતી. યુવતીએ યુવકને મેસેજ અને ફોટા મુકવાની ના પાડી તેમ છતા સામાવાળો યુવક ફોટા મુકતો હોવાથી તેની સામે માનકૂવા પોલીસમાં ફોજદારી ફરિયાદ નોંધાવાઈ છે. ટ્રુકોલરમાં એ મેસેજ મોકલનાર શખ્સનું નામ સલીમ હોવાનું સામે આવ્યું હતું.

વેક્સિન લેવા મુદ્દે બોલાચાલી બાદ ત્રણ સામે ફોજદારી

ભુજ : તાલુકાના માધાપર ગામે રહેતા પરિવારમાં વેક્સિન મુદ્દે બોલાચાલી થયા બાદ ત્રણ સામે ફોજદારી ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે માધાપરમાં રહેતા જયવીરસિંહ વાસુદેવસિંહ જાડેજાએ પાટણના વિક્રમસિંહ વાઘેલા અને ભુજના હિંમતસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના ભાઈ સાથે વિક્રમસિંહ પુત્રી અર્ચનાબાના માધાપરમાં લગ્ન થયા હતા. અવાર-નવાર લગ્ન જીવન દરમિયાન માથાકૂટ થતી તેમજ હાલમાં વેક્સિન લેવા મુદ્દે બોલાચાલી થઈ હતી. જેથી વિક્રમસિંહ ત્રણ જણાએ ઘરે આવી માથાકૂટ કરી દહેજ પરત લેવા માટે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ભુજમાં ઘરમાંથી શરાબની બોટલો મળી આવી

ભુજ : શહેરના સરપટનાકા બહાર આવેલા શિવનગર વિસ્તારમાં પ્રાથમિક શાળાની બાજુમાં યશ જયેશ વ્યાસના ઘરમાંથી અંગ્રેજી દારૂની ૧૧ બોટલો પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે ચોક્કસ બાતમી મળતા આરોપીના ઘર પર પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા સમયે આરોપી ઘરે હાજર ન હોવાથી હાથમાં આવ્યો ન હતો. પોલીસે તેની વિરૂદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ભુજમાં રેન બસેરામાંથી માનસિક અસ્વસ્થ યુવાન ગુમ

ભુજ : અહીંની સંસ્થા લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ અને નગરપાલિકા સંચાલિત રેન બસેરામાંથી માનસિક રીતે બિમાર એવો યુવક ગુમ થઈ જતા તેની શોધખોળ હાથ ધરાઈ છે. યુવકને શોધવા માટે સંસ્થા અને પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માનસિક રીતે અસ્વસ્થ યુવક ક્યાંય પણ દેખાય તો સંસ્થાની ઓફિસ ભુજ ખારીનદી સ્મશાનની પાસે, એરપોર્ટ રિંગરોડ હેલ્પ લાઈન નં. ૯૯૭૮૮ ૬રપરરનો સંપર્ક કરવા જણાવાયું છે.