લૈયારીમાં પાણીના ટાંકામાં પડી જવાથી માસુમે જીવ ગુમાવ્યો

નખત્રાણા : તાલુકાના નાની બન્ની વિસ્તારના લૈયારી ગામે અકસ્માતે પાણીના અંડર ગ્રાઉન્ડ ટાંકામાં પડી જવાથી છ વર્ષની માસૂમ બાળાએ જીવ ગુમાવ્યો હતો. નિરોણા પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે છ વર્ષની નસીમા ભચાયા જતનું આ ઘટનામાં મોત થયું રમતા-રમતા પાણીના ટાંકામાં પડી જવાથી આ ઘટના બની હતી.

ગાંધીધામમાં ફોનની ચીલઝડપ કરતા ૪ દબોચાયા

ભુજ : ગાંધીધામમાં મોબાઈલ ફોનની ચીલઝડપ કરતા ૪ આરોપીને શહેર એ-ડિવિઝન પોલીસે દબોચી લીધા હતા. નેત્રમની મદદથી સપનાનગર ચોકડી પાસે બે બાઈક સવારને અટકાવાયા હતા. જેની પૂછતાછમાં ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે હરેશ રામજીભાઈ વાઘેલા, શૈલેષભાઈ ભગવાનભાઈ વાઘેલા, રોહિત ઉર્ફે વિપુલ વિનોદ પરમાર અને હરેશભાઈ અમરતભાઈ પંડ્યાની ધરપકડ કરી છે. જેઓ પાસેથી ૭૦ હજારના પાંચ મોબાઈલ અને ૪૦ હજારની બે બાઈક મળી કુલ ૧૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. આરોપીઓ સાંજે અને રાત્રિના સમયે મોટર સાયકલમાં આવી ફોન પર વાત કરનારાઓના મોબાઈલ ઝૂટવી નાસી જતા હતા.

મુન્દ્રામાં સગીરાના અપહરણ કેસમાં ફોજદારી

મુન્દ્રા : શહેરમાં સગીરાનું અપહરણ થતા મુન્દ્રા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આદર્શ ટાવરની બાજુમાં રહેતો પારસ નરસી કોલી નામનો શખ્સ ગત ૧૭મી માર્ચે ફરિયાદીની સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી નાસી ગયો હતો. જ્ઞાતીના જ યુવકે સગીરાનું અપહરણ કરતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

નકલી નોટ કેસમાં ભુજ પોલીસે એમપીમાં તપાસ કરી

ભુજ : શહેરના રેલવે સ્ટેશન પાસેથી રૂા.૧ર લાખની નકલી નોટ સાથે પકડાયેલા મધ્ય પ્રદેશના દંપત્તી રાહુલ કસેરા અને મેઘા કસેરા વિરૂદ્ધ તપાસ તેજ બનાવાઈ છે જે અંતર્ગત તપાસનીશ ભુજ એસઓજીની ટીમે મધ્ય પ્રદેશના રતલામમાં દંપતીની ઘરની ઝડતી લીધી હતી. આ પૂર્વે સ્થાનિક પોલીસે પાડેલા દરોડામાં દંપતીના ઘરેથી ૩૦ હજારની નકલી નોટ મળી હતી. આ દંપત્તિ પોતાના ઘરમાં જ નકલી નોટ બનાવતા હોવાનું હાલ સુધીના ઘટનાક્રમ પરથી જણાઈ રહ્યું છે.

ભચાઉમાં યુવતીની છેડતી કરી વાયરથી માર મરાયો

ભચાઉ : શહેરના ભવાનીપર વિસ્તારમાં યુવતીની છેડતી કરી વાયરથી માર મરાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત સાંજના સમયે ભચાઉના ટાટા નગરમાં રહેતા આરોપી હૈદરઅલી ભચલશા શેખે ભવાનીપરમાં ર૭ વર્ષિય યુવતીના ઘરમાં જઈ તેનો હાથ પકડી છેડતી કરી હતી. બાદમાં વાયર વડે માર માર્યો હતો. યુવતી અને તેના ભાઈને મારી નાખવાની ધમકી અપાતા પોલીસ ફરિયાદ થઈ છે.

મેઘપર બોરીચીમાં યુવતી બિભત્સ ઈશારા કરતી ઝડપાઈ

અંજાર : અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામે બિભત્સ ઈશારા કરતી યુવતી ઝડપાઈ હતી. મેઘપર બોરીચીમાં આવેલ સોયમ સોસાયટીના પ્લોટ નંબર ર૭૪ના ગેટ બહાર મેઘપર કુંભારડીના સીધેશ્વર પાર્કમાં રહેતી ઉષાબેન કિસનસિંઘ ભાટી (ઉ.વ. રર) આવતા જતા લોકોને હાથ વડે બિભત્સ ઈશારા કરતી હોવાથી અંજાર પોલીસે તેને ઝડપી પાડી હતી. તેના વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ
ધરી છે.

ગાંધીધામના બસ સ્ટેશનમાંથી મોટર સાઈકલની ચોરી

ગાંધીધામ : ગાંધીધામ બસ સ્ટેશનમાં પાર્ક કરેલું બાઈક ચોરાઈ જતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. કિડાણા ગામે રહેતા ગજેન્દ્રસિંહ નાનુભા સોલંકીની ફરિયાદ મુજબ તેમણે વિરમ ગામ જવાનું હોવાથી તેમને પોતાની બાઈક કિંમત રૂા. રપ હજાર ગાંધીધામ બસ સ્ટેશન પાસે પાર્ક કરી હતી. બીજા દિવસે તેઓ પરત આવતા બસ સ્ટેશનમાં બાઈક ન મળતા તેમણે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.