ક્રાઈમ કોર્નર

રતનાલમાં બંધ મકાનમાંથી ૩૯ હજારની ચોરી

ગાંધીધામ : અંજાર તાલુકાના રતનાલ ગામમાં એક બંધ મકાનની દીવાલ પરથી કૂદીને ચોરોએ કબાટમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના સહિત ૩૯ હજારની મત્તાની ચોરી કરતા પોલીસ કેસ નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ રતનાલના મોરી વિસ્તારમાં ડ્રાઈવિંગનું કામ કરતા શામજી શંભુ સુરાણી અને તેમના પત્ની ચાલીમાં સૂતા હતા. તેમના દીકરા કિશન અને હર્ષ જુદા-જુદા રૂમમાં સૂતા હતા. મોડી રાત્રે નિશાચરો દીવાલ કૂદી ઘરમાં પ્રવેશ્યા હતા અને કબાટમાં તાળા તોડી અંદરની નાની તીજોરીમાં લોક તોડીને ચોરીને અંજામ આપ્યો હતો. અવાજના કારણે કિશન જાગી જતા તસ્કરોએ તેના પર આંખોમાં લાઈટ કરીને નાસી છૂટ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

મહારાષ્ટ્રમાં સગીરાનું અપહરણ કરનાર અંજારથી પકડાયો

ગાંધીધામ : મહારાષ્ટ્રમાંથી ૧૭ વર્ષિય કિશોરીનું અપહરણ કરનાર શખ્સને અંજારમાં પૂર્વ કચ્છ એલસીબીએ પકડી પાડ્યો હતો. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કાશીમીરા પોલીસ મથકમાં ૧૭ વર્ષની સગીરાનું અપહરણ થતા કેસ દર્જ થયો હતો. આ કેસમાં આરોપી તરીકે અમર ઉર્ફે ક્રિષ્ના ઉર્ફે કિશન સત્યેન્દ્ર ચૌધરીનું નામ નોંધાયું હતું. આ શખ્સ અંજારની ભોલેનાથ સોસાયટીમાં હોવાની એલસીબીને બાતમી મળતા તેને ઝડપી લેવાયો હતો. અપહરણ કરાયેલી કિશોરી સાથે આરોપીનો કબજો મેળવવા પોલીસ અંજાર આવી હતી.

વાડીનારમાં ડીપીટી કર્મચારી ઉપર તબીબનો હુમલો

ગાંધીધામ : દિન દયાળ પોર્ટ ટ્રસ્ટના વાડીનાર બંદરે કામ કરતા કર્મચારી ઉપર તંત્રની જ હોસ્પિટલના તબીબે હુમલો કરતા કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો. જાણવા મળતી વિગતો મુજબ કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયનના હેડક્લાર્ક શાંતિલાલભાઈ સાંજે પઃ૩૦ વાગ્યાના અરસામાં દવા લેવા ગયેલ ત્યારે ત્યાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા તબીબે હુમલો કર્યો હતો. જોરદાર ધક્કાના કારણે ઈજા થતાં કર્મચારીને રાજકોટ ખસેડાયા છે. તબીબ સામે સમગ્ર મામલોે પોલીસ ફરિયાદની તજવીજ ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું.

જડસામાં ૪ર હજારના પશુઓની તસ્કરી કરાઈ

ગાંધીધામ : ભચાઉ તાલુકાના જડસા ગામની સીમમાંથી એક શખ્સે ૪ર હજારની કિંમતના પશુઓની તસ્કરી કરતા ફરિયાદ નોંધાવાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર મનજી અમરા કોળીની ફરિયાદ મુજબ ગામની આથમણી સીમમાં ગત તા.૧૬/પના બપોરના ર વાગ્યાથી ૭ વાગ્યા દરમિયાન ચોરીનો આ બનાવ બન્યો હતો. આરોપી તરીકે રમેશ કાના રાકાણીએ એક ભેંસ કિંમત રૂા.૩૦ હજાર, એક પાડી કિંમત રૂા.૧૦ હજાર, એક નાનો પાડો કિંમત રૂા.ર હજારની તસ્કરી કરી હોવાની કેફિયત લખાવાઈ છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

ગાંધીધામમાં પાંચ શખ્સોએ આધેડ પર હુમલો કર્યો

ગાંધીધામ : અહીંના વોર્ડ નં.૯-એએચ વિસ્તારમાં પાંચ શખ્સોએ આધેડ પર ધોકા અને પથ્થરોથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ શહેરની હોટલ એમ્પાયરની બાજુમાં પ્લોટ નંબર ૪ મધ્યે રહેતા વિનોદ મૂલજી ચોટારા ગત તા.૮/૬ના રાત્રિના સમયે પોતાના ઘર પાસે આવેલી કારમાં સવાર લોકોને અહીં શા માટે ઊભા છો તેમ પૂછતાં કારમાં બેઠેલો શાહરૂખ અને તેની સાથે અન્ય ચાર જણા ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી આધેડ પર છૂટા પથ્થરો અને ધોકાથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.