ક્રાઈમ કોર્નર

લાકડીયા પાસે અકસ્માતમાં ગંભીર ઈજાથી વૃધ્ધનું મોત

ગાંધીધામ : ભચાઉ તાલુકાના લાકડીયા ગામ નજીક ટ્રક ટ્રેઈલરે વૃધ્ધને હડફેટે લેતા વૃધ્ધને ગંભીર ઈજાઓથી મોત થયું હતું. લાકડીયા નજીક રેલ્વે ફાટકથી આગળ વેરાભાઈ બલુભાઈ સોલંકી (ઉ.વ.૬૦) પોતાની પંકચર પડેલી બાઈકના પંકચર કડાવવા જતા હતા ત્યારે ટ્રક ટ્રેઈલર નં. આરજે. ૦૯. ૬૧૦રવાળાના ચાલકે વેરાભાઈ સોલંકીને હડફેટે લેતા તેમણે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે લઈ જવાતા મૃત્યુ પામ્યા હતા. પોલીસે ટ્રક મૂકીને નાસી જતા ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

રસલીયા પાસે અન્ય રાજ્યના શ્રમિકની લાશ મળી

નખત્રાણા : નખત્રાણા તાલુકાના રસલીયા – ખોંભડી વચ્ચે ગઈકાલે યુવાનની લાશ મળી આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મરણ જનાર બોડેલી જિલ્લાના મુઢિયા ગામના ટીનાભાઈ નાયક હોવાનું જાણવા મળ્યું હતું અને બોરવેલીની કોઈ એજન્સીમાં કામ કરતો હતો. પીએમ રીપોર્ટ આવ્યા પછી મૃતકના મોતનું કારણ સ્પષ્ટ થશે એમ પોલીસે જણાવ્યું હતું.

ભુજમાં નાના ધંધાર્થી પર છરીથી હુમલો

ભુજ : ભુજના જુના બસ સ્ટેશન પાસે ધંધાકીય હરિફાઈમાં પાણીપુરી વેંચતા યુવાન પર છરીથી હુમલો કરાયો હતો. ભુજમાં પાણીપુરીની લારી ચલાવતા શંભુ દિનદયાલ પ્રજાપતિના પેટના ભાગે ઈજા થઈ હતી. પૌવાની લારી ચલાવતા ખિલખિલાટવાળા શખ્સનો પોલીસમાં નામ લખાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીધામનો યુવાન ગુમ થતા ગુમનોંધ કરાઈ

ગાંધીધામ : ગાંધીધામના સુંદરપુરીના મણકાવાસમાં રહેતો નીતિન મનુભાઈ મકવાણા (ઉ.વ.ર૧) ગત તા.૭/૬ના કામ શોધવા જઉં છું એમ ઘરવાળાને કહી ગયો હતો. બાદમાં પરીવારજનોને મોબાઈલમાં સંપર્ક સાધતા મોબાઈલ સ્વીચ ઓફ બતાવતા તેના પિતા મનુભાઈ ગાડાભાઈ મકવાણાએ પોલીસમાં ગુમ નોંધ કરાવી હતી.

ઘડાણી-રવાપર વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત

ભુજ : ઘડાણી-રવાપર વચ્ચે બાઈક ચાલકને જીપ ચાલકે ટક્કર મારતા યુવાનનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, સિકંદર નોતીયાર નામનો યુવાન પોતાન બાઈકથી રવાપર જતો હતો. ત્યારે સામેથી આવતી બોલેરો જીપ નં. જીજે. ૩૬. ટી. ૪૪૭૬ એ સિકંદરને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં રીફર કરતા સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. પોલીસે બોલેરો ચાલક વિરૂધ્ધ ઈબ્રાહીમ હબીબ નોતીયારની ફરિયાદ પરથી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.