ક્રાઈમ કોર્નર

ભુજમાં બંધ મકાનમાંથી ૯૭ હજારની ચોરી

ભુજ : શહેરના રામનગરીમાં અંબિકા ચોકમાં આવેલા બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ રોકડા રૂપિયા, દાગીના, મોબાઈલ મળીને ૯૬,પ૦૦ના મુદ્દામાલનો હાથ માર્યો હતો. બનાવને પગલે સહારા બચત યોજનાનું કામ કરતાં તુલસીગીરી વિશનગીરી ગોસ્વામીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી અને તેનો પરિવાર માતાની અંતિમવિધિ માટે રાજસ્થાન ગયા હતા. દરમિયાન ૬થી ૮ મે વચ્ચે ચોરી થતા ગુનો નોંધાવાયો હતો.

મુંદરાથી આવતી ૪ ટ્રકમાંથી રર લાખનું તેલ ચોરાયું

ભુજ : ઊંઝાની કંપનીમાંથી રર લાખની કિંમતના ૧૭,૯૭૦ કિલ્લા તલનું તેલ ભરીને મુંદરા આવવા નીકળેલ ૪ ટ્રકમાંથી જથ્થો બારોબાર સગેવગે થઈ જતા સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ચાર શખ્સોએ રસ્તામાં જ તલના તેલનો જથ્થો સગેવગે કરી દીધો હતો અને ગાડીઓ ભુજ નજીક બીનવારસુ હાલતમાં મળી હતી.

વરસામેડીમાંથી દૂધની આડમાં લઈ જવાતો દારૂ જબ્બે

અંજાર : તાલુકાના વરસામેડી છોટા હાથીમાં દૂધના કેરેટની આડમાં દારૂ લઈ જવાતો હતો. જેની બાતમીને પગલે પૂર્વ કચ્છ એલસીબીએ દરોડો પાડીને રૂા.૭૮,૮૦૦ની કિંમતની રર૮ બોટલ ઝડપી પાડી હતી. વરસામેડીમાં રહેતો આરોપી સચિન ઉર્ફે બાડો સાકરભાઈ રબારી અંધારાનો લાભ લઈને નાશી ગયો હતો. પોલીસે છોટા હાથી અને દારૂ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વોંધમાં લગ્નના નિયમનો ભંગ થતાં કન્યાના બે ભાઈ સામે ગુનો

ભચાઉ : કોરોના કાળમાં લગ્ન પ્રસંગે પણ પ૦થી વધુ લોકોની ઉપસ્થિતિ પર પ્રતિબંધ છે ત્યારે વોંધ ગામે લગ્નમાં પ૦ વધુ લોકો વિના માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વગર જોડાતા ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કન્યાના ભાઈ પ્રવીણ રણછોડ રાવરિયા અને અરવિંદ નારાયણભાઈ પટેલ વિરૂધ્ધ ગુનો દાખલ થયો હતો. તો કેટરીંગ માટે આવેલા કમલસિંહ સુભાષસિંહ રાજપુરોહિત સામે પણ ગાઈડલાઈન ભંગનો ગુનો નોંધાયો હતો.

શિણાયમાં એઠવાડ ફેંકવા બાબતે મહિલાને ધોકાવાઈ

ગાંધીધામ : શિણાયના મુસ્લિમવાસમાં એઠવાડ ફેંકવા મુદ્દે મહિલાને પડોશીઓએ ધોકા વડે માર મારતા ફરિયાદ નોંધાઈ હતી. રર વર્ષિય જુસબ સાલેમામદ સોઢાએ ફરિયાદ નોંધાવી હતી. આરોપી હુશેનીએ એઠવાડ ફગાવવા મુદ્દે ગાળાગાળી કરી ફરિયાદીની પત્નીને માથામાં ધોકા વડે માર માર્યો હતો. બનાવને પગલે આદિપુર પોલીસે ૪ સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બિદડામાં ધાણીપાસા વડે કિસ્મત અજમાવતા ૭ શખ્સો જબ્બે

માંડવી : બિદડાના સીમાડામાં પોલીસે પાડેલા દરોડામાં ૭ શકુનિ શિષ્યો ધાણીપાસા ફેંકતા ઝડપાયા હતા. પોલીસના દરોડામાં મનોજ જખુ સંઘાર, ખેતશી હરજી ગઢવી, ગુલામ આમદ ચૌહાણ, કાંતિલાલ ગોવિંદજી મોતા, શામજી રતન સંઘાર, હુશેન હાજી કેવર અને અરવિંદ બાબુ પટ્ટણી સહિતની ધરપકડ કરાઈ હતી. પોલીસે આરોપીઓના કબ્જામાંથી રોકડ રૂા.૧૦,૭૦૦ કબ્જે કર્યા હતા.