ક્રાઈમ કોર્નર

જૂની સુંદરપુરીમાં યુવાન પર હુમલો કરાયો

ગાંધીધામ : શહેરના જુની સુંદરપુરી વિસ્તારમાં અગાઉના જુના ઝઘડાનું મનદુઃખ રાખી યુવાન ઉપર ઘાતક હુમલો કરાયો હતો. ગોવિંદ બાબુભાઈ ઘેડાએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ એક વર્ષ અગાઉ ફરિયાદી ગોવિંદ સાથે થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી વિનોદ ઉર્ફે વીરમ રામજી વિગોરાએ મારી નાખવાના ઈરાદે અર્જુનને લોખંડનો પાઈપ માથામાં ફટકારી તેમજ ડાબા હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આરોપીને વિનોદ ઉર્ફ વીરમને લોખંડનો પાઈપ સત્યમ બારોટે આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કિડાણા અને અંજારમાં ઘર નજીક પાર્ક કરેલ બાઈકની ચોરી

ગાંધીધામ : કિડાણાના રબારીવાસમાં રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હીરજીભાઈ પરબતભાઈ રબારીએ તા.૮/પના રાત્રે પોતાનું રૂા.૪૦,૦૦૦ની કિંમતનું બાઈક ઘર પાસે પાર્ક કર્યું હતું. જેની ચોરી થતા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તો અંજારમાં સવાશેર નાકે આવેલી બેંક ઓફ ઈન્ડિયા સામે રહેતા જયસુખ કેશવજી કાતરિયાએ પોતાનું રૂા.૪૦ હજારની કિંમતનું બાઈક પોતાના ઘર પાસે પાર્ક કર્યું હતું. જેની તસ્કરોએ ચોરી કરતા અંજાર પોલીસ મથકે ફરિયાદ કરાઈ હતી.

કિડાણામાં યુવાનને લાકડી વડે માર મારવામાં આવ્યો

ગાંધીધામ : તાલુકાના કિડાણાની સૌમેયા સોસાયટીમાં રહેતા મનસુખભાઈ ભલાભાઈ ગોહિલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાનું બાઈક લઈને સોસાયટીમાં જ રહેતા જીવતીબેનના ઘરે જઈ રહ્યા હતા ત્યારે મોહનભાઈ રોશિયાના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે મોહનભાઈ અને તેના પુત્ર હેમુએ તુ અમારા ઘર પાસેથી બાઈક કેમ ચલાવે છે કહી બોલાચાલી કરી મોહનભાઈએ લાકડી વડે અને તેમના પુત્રએ ધકબુશટનો મારમારી ઈજા પહોંચાડી હતી. પોલીસે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મુંદરાના વાંકીની વાડીમાંથી તસ્કરી

મુંદરા : તાલુકાના વાંકી ગામની સીમમાં વાડીમાંથી રૂા.૪૯ હજારના માલ સામાનની ચોરી થઈ હતી. મુલચંદ રવજીભાઈ વાણિયાની વાડી સંભાળતા કાના દેવા ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં વાડીના ડેલામાંથી પંખો અને ગોદામમાંથી જીરૂની બે બોરી, ઈલેકટીક મોટર, કેબલ તેમજ લોખંડનો ભંગાર મળીને ૪૯ હજારનો મુદ્દામાલ તફડાવી જવાયો હતો.

કકરવાની વાડીમાંથી કેબલ ચોરાયો

ભચાઉ : તાલુકાના કકરવા ગામે વાડીમાં લગાડાયેલો સબ મર્શિબલ મોટરનો રૂા.રપ હજારનો કેબલ ચોરાયો હતો. બનાવને પગલે ખેડૂત આગેવાન એવા મેઘા લગધીર રબારીએ જણાવ્યું હતું કે, તેમની વાડીમાંથી કોઈ અજાણ્યા તસ્કરોએ કેબલની ચોરી કરી હતી. તેમના દ્વારા અપાયેલી માહિતી મુજબ પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.