ક્રાઈમ કોર્નર

કચ્છથી અપહરણ કરાયેલા માછીમારનું કરાચી જેલમાં મોત

ભુજ : કચ્છના દરિયામાંથી ગત મે ર૦૧૯ના કોડીનારના માછીમારનું અપહરણ થયા બાદ કરાચીની જેલમાં તેનું મોત નીપજ્યું હતું. ર૯ માર્ચના મૃત્યુ થયા બાદ દોઢ મહિને તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતોે. કોડીનારના રમેશ સોસા નામના ૪ર વર્ષિય માછીમારનું મોત નીપજ્યા બાદ ભારત-પાક.ની વાઘા-અટારી આંતરરાષ્ટ્રીય બોર્ડર પર રમેશનો નશ્વર દેહ ભારતીય અધિકારીઓને સોંપાયો હતો.

શંકાસ્પદ ટ્રેલર સાથે વાહન ઉઠાવગીર જબ્બે

મુંદરા : અહીંની પોલીસે શંકાસ્પદ ટ્રેલર સાથે મૂળ અમૃતસર પંજાબના પૂરણસિંગ કરમસિંગ મજબીની અટક કરી હતી. મુંદરા પોર્ટ નજીકથી રૂા.૮ લાખના ટ્રેલરની તસ્કરી થઈ હતી. ત્યારે આરોપી ઝડપાતા પોલીસે ટ્રેલર માલિકની કંપની એલસીએલ લોજીસ્ટીક ઈન્ડિયા પ્રા.લિ. ગાંધીધામને જાણ કરતા બનાવ અંગે ફરિયાદ દાખલ થયેલી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

વિથોણની સગીરાનું અપહરણ

નખત્રાણા : તાલુકાના વિથોણ ગામની સગીર વયની કન્યાનું અપહરણ કરવાના મામલે નખત્રાણા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ વિથોણના રાહુલ રાઘવજી પાયણ સામે સગીરાના વાલીએ ફરિયાદ નોંધાવી હતી. સગીર વયની કન્યા નિત્યક્રમ મુજબ સવારે વોકીંગ કરી રહી હતી ત્યારે સહ અધ્યાયી એવા આરોપી રાહુલે તેનું અપહરણ કર્યું હતું. ભોગગ્રસ્ત ૧પ વર્ષની છે અને ધો.૧૦માં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે.

ભુજની રામનગરીના બંધ ઘરમાંથી ચોરી

ભુજ : શહેરના રામનગર વિસ્તારમાં બંધ ઘરના તાળા તોડીને ચોરી કરવામાં આવી હત. મકાન માલિક સ્થાનિકે ન હોવાથી ચોરીનો આંકડો હજુ સ્પષ્ટ થઈ શક્યો નથી. શહેરની રામનગરી વિસ્તારમાં અંબિકા ગરબી ચોક મધ્યે રહેતા તુલસીગીરી ગોસ્વામી હાલે તેમની માતાનું અવસાન થતા વતન રાજસ્થાન ગયા હતા. ત્યારે બંધ મકાનમાં તાળા તોડીને કોઈ હરામખોરોએ તેમનો કસબ અજમાવ્યો હતો. ઘર માલિકના ભાણેજ ભરતપુરી રામપુરી ગોસ્વામીએ ચોરી વિશે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. ઘર માલિક સ્થાનિકે આવશે ત્યારે કેટલી ચોરી થઈ તેનો આંક સ્પષ્ટ થશે.

ગાંધીધામમાં ક્લીનીકમાંથી રૂા.૩૪ હજારની બેટરીની ચોરી

ગાંધીધામ : શહેરના સેકટર-૧માં આવેલ ક્લીનીકમાંથી તસ્કરોએ રૂા.૩૩,૬૦૦ની બેટરીની ચોરી કરી હતી. શહેરની જુની કોર્ટ પાસે આવેલી પૂજા ડાયગોસ્ટીક અને ઈમેજિંગ સેન્ટર (ક્લીનીક)માં ચોરીના આ બનાવ બન્યો હતો. ડો. રામ ગોપાલ પાનસુરિયાએ આ ક્લિનીકમાં યુપીએસ (ઈન્વર્ટર) માટે પાછળની બાજુએ ૩ર બેટરીઓ લગાવી હતી. જેની કિંમત રૂા.૩૩,૬૦૦થી ૧૦૦ એમપીઆરની ચાર બેટરીઓની ચોરી કરી નાસી ગયા હતા. ચોરી અંગે ચિરાગ જયસુખ નાકરાણી (પટેલ)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સુખપરના મંદિરમાંથી બે ઘંટની ચોરી

નખત્રાણા : તાલુકાના સુખપર (વિરાણી) ગામની પશ્ચિમ દિશાએ આવેલ ચંદ્ર મૌલેશ્વર મહાદેવના મંદિર મધ્યેથી તસ્કરોએ રૂા. પાંચ હજારની કિંમતના પિતળના બે ઘંટ ચોરી ગયા હતા. મંદિરના પૂજારી ઈશ્વરલાલ મીઠુભાઈ જોગીએ લખાવેલી ફરિયાદ મુજબ તસ્કરો મંદિરનો દરવાજો ખોલીને ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવાઈ હતી.