ક્રાઈમ કોર્નર

 

ધ્રબુડીના દરિયામાં ડુબી જવાથી વૃદ્ધ મહિલાનું મોત

માંડવી : તાલુકાના ધ્રબુડી તીર્થધામ પાછળના દરિયામાં ન્હાવા પડેલા ભુજની ૭૭ વર્ષિય મહિલાનું ડુબી જવાથી મોત નીપજ્યું હતું. ભુજના ભીડનાકા પાસે કંસારવાડી સિચારા ચોકમાં રહેતા વાલબાઈ પચાણ સીજુ (ઉ.વ.૭૭) તેમના પરિવારજનો સાથે ધ્રબુડી તીર્થધામ પર ગયા હતા. બાદમાં દરિયામાં પરિવારજનો સ્નાન કરતા હતા ત્યારે અકસ્માતે વાલબાઈ દરિયાના પાણીમાં ખેંચાઈ જતા દરિયામાં ડુબી ગયા હતા. પરિવારજનોએ તેમને બહાર કાઢી હોસ્પિટલે લઈ જતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

ભચાઉની યુવતી સાથેના ફોટા ફેસબુક પર અપલોડ કરતા ફરિયાદ

ભચાઉ : શહેરમાં રહેતી એક યુવતી સાથે ફોટા સોશ્યલ મીડિયામાં અપલોડ કરતા એક શખ્સ વિરૂધ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ભચાઉ રહેતા મુળ કીડિયાનગરના મોહન દેવા સોલંકી વિરૂધ્ધ ફરિયાદ કરાઈ હતી. આ શખ્સે યુવતી સાથે ફોટા પાડ્યા હતા અને બાદમાં ફેસબુક ઉપર એક આઈડી બનાવી આ સોશ્યલ મીડિયા ઉપર આ ફોટા અપલોડ કર્યા હતા. આ અંગે મહિલાએ પોલીસ મથકે ફરિયાદ કરતા આ શખ્સને રાઉન્ડઅપ કરી લેવાયો હતો.

અંજારની યુવતી ગુમ થઈ

અંજાર : શહેરની વીસ વર્ષિય યુવતી ગુમ થતા પોલીસ મથકે ગુમ નોંધ નોંધાવવામાં આવી હતી. અંજારના દબડા ચોકડી પાસે રહેતી જ્યોત્સના રમેશભાઈ ભીલ (ઉ.વ.ર૦) તા.૪/પના તેના ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી જતા અને પરત ન આવતા તેની માતાએ અંજાર પોલીસ મથકે ગુમ નોંધ નોંધાવી હતી.

વીડીમાં ભેડીયાનું કામ બંધ કરાવી ત્રાસ આપનાર સામે ફરિયાદ

અંજાર : તાલુકાના વીડી ગામે જત સ્ટોનના નામે પથ્થર ક્રેસિંગનો ભેડીયો ચલાવતા સલીમભાઈ ઈસ્માઈલભાઈ જતે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી સદામ કાસમ જત, ઈમ્તિયાઝ ઓસ્માણ જત, ઝાકીર કાસમ જત તેમજ મોઈન નુરમામદ જત નામના શખ્સોએ ભેડીયા પર આવીને કામ બંધ કરાવી રૂપિયાની માંગણી કરીને ત્રાસ આપતા હતા. જેથી એસો.માં જઈને વાત કરતા આરોપીઓ વેલજીભાઈ સોરઠિયા, રામભાઈ ભવનાની સહિતનાઓએ મારામારી કરી ધમકી આપતા ગુનો નોંધાયો હતો.