ક્રાઈમ કોર્નર

નાની ચીરઈ નજીક બે યુવાન પર સ્પ્રે.છાંટીને રૂા. ૮૪ હજારની ચોરી

ભચાઉ : તાલુકાના નાની ચીરઈ નજીક સર્વિસ રોડ પર ટ્રકમાં સુતેલા બે યુવાનો પર સ્પ્રે.છાંટી તેમને બેહોશ કરીને તસ્કરો રૂા. ૮૪ હજારની મતાની ચોર કરી હતી. મીઠીરોહર નજીક ન્યુ. પી.જી.આર.સી.ના ટ્રાન્સપોર્ટમાં કામ કરતા ચાલક નિશાંતસિંઘ પ્રીતમસિંઘ ભટ અને કલીનર અજયકુમાર રમાકાંત પંડિત પંજાબના તરનમારન શહેરથી નીકળ્યા હતા. આ બન્ને યુવાનોએ ટ્રક નંબર પી.બી. ૦પ એ.બી. ૦૭૯૭માં ૪૦ કિલોની એક એવી ૭પ૦ બોરી ચોખા ભરી મુંદરા આવતા હતા ત્યારે નાની ચીરઈ નજીક પહોચતા તેમનું વાહન ખરાબ થતાં આ બન્નેએ વાહનને પાર્ક કરી સૂઈ ગયા હતા. ત્યારે કોઈ અજાણ્યા શખ્સે સ્પ્રે.છાંટી બન્નેને બેહોશ કરી નાખ્યા હતા. બાદમાં આ નિશાચરોએ ટ્રકમાંથી પ૦ બોરી ચોખા, રપ૦ લીટર ડિઝલ અને કલીનરના રોકડ રૂપિયા ૩૦૦૦ એમ કુલ રૂા. ૮૩, ૯૧રની મતાની ચોરી કરી નાસી ગયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીધામમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

ગાંધીધામ : શહેરના ડીબીઝેડ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે પકડી રોકડ રૂા. ૧૪, ૧૦૦ કબ્જે કર્યા હતા. શહેરના ડીબીઝેડ વિસ્તારમાં આવેલ પારેખ માર્કેટ પાછળના ભાગે અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જુગાર રમતા મનીષ પ્રહલાદ નાઈ, જયેશ પ્રહલાદ નાઈ, ચેતન ધના ગોહિલ, દિનેશ પ્રહલાદ નાઈ, જસવીર ભાગસિંઘ સિંઘ નામના શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. જુગાર રમતા આ શખ્સો પાસેથી રોકડ રૂા. ૧૪, ૧૦૦ પોલીસે કબ્જે કર્યા હતા.

નાની ચીરઈમાંથી રૂા. સાત હજારના દારૂ સાથે એક શખ્સની અટક

ભચાઉ : તાલુકાના નાની ચીરઈ ગામમાં આવેલ એક વાડામાંથી સાત હજારના દારૂ સાથે પોલીસે એક શખ્સને પકડ્યો હતો. નાની ચીરઈમાં કબીર આશ્રમ સામે આવેલા કવલ પ્લાસ્ટિક નામના વાડામાં દારૂનું વેંચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને બેરલમાંથી કુલ રૂા. ૭૦પ૦નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. આ વાડામાંથી જેદ યાસીન ઘાંચી નામના શખ્સની અટક કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભચાઉની મહિલા તેના ત્રણ સંતાનો સાથે લાપતા

ભચાઉ : તાલુકાના ખારોઈમાં રહેલી મહિલા ત્રણ બાળકો સાથે ભચાઉ જવા નીકળ્યા બાદ ઘરે ન આવતા ગુમ નોંધ દાખલ કરાઈ હતી. કરમશીભાઈ રબારીએ ભચાઉ પોલીસ મથકે જણાવ્યું હતું કે સોનીબેન સાકરાભાઈ રબારી (ઉ.વ. ૩પ) જેમના લગ્ન હાજાપરના સાકરા ભૂરા રબારી સાથે થયા હતા જેનું માનસિક સંતુલન ન હોઈ તે બે વર્ષથી ઘરે ન આવતો હોવાથી સોનીબેન માતા-પિતા સાથે બે વર્ષથી રહેતી હતી તે તેમના સંતાનો છાયા (ઉ.વ.૧૧), ગંગા (ઉ.વ. ૮), વિષ્ણુ (ઉ.વ. ૬) સાથે ભચાઉ જાવુ છું. તેમ કહીને ગઈ હતી. પરંતુ તે પરત ન ફરતા ભચાઉ પોલીસમાં ગુમનોંધ લખાવાઈ હતી. પોલીસે ગુમ નોંધ લખી વધુ તપાસ હાથ ધરી છે.

જાટાવાડામાં દારૂની બાતમી બાબતે જાનથી મારી નાખવાની ધમકી

રાપર : તાલુકાના જાટાવાડામાં પોલીસને બાતમી આપી હોવાની શંકા રાખી ત્રણ શખ્સે એરંડાનો પાક સળગાવી નાખ્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધ્યો હતો. આરોપીઓ ભગુભા રણજીતસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ વાઘેલા, વેલા ધના મારાજ ફરિયાદી સહદેવસિંહ ઉર્ફે સુખુભા ખેતુભા વાઘેલાના ખેતરમાં ૧૦૦ મણ એરંડાના પાકમાં આગ લગાડી હતી. પાક સળગી જતાં ફરિયાદીને બે લાખનું નુકશાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે આરોપી ભગુભા વાઘેલાની દેશીદારૂની ભઠ્ઠી પકડી હતી. તેની બાતમી ફરિયાદીએ આપી હોવાની શંકા રાખીને પાકને સળગાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાલાસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.