ક્રાઈમ કોર્નર

અંજારમાં અકસ્માતે લિફટમાંથી પડી જતા યુવાનનું મોત

અંજાર : અંજાર તાલુકાના મેઘપર કુંભારડીના શ્રીજીનગરમાં રહેતા યુવાન અકસ્માતે લિફટમાંથી પડી જતા તેનું મોત નીપજ્યું હતું. અંજારના ખત્રીચોકમાં મેઘપર કુંભારડીના શ્રીજીનગરમાં રહેતા સાબર કુમાર નામનો યુવાન અંજાર કામ અર્થે આવ્યો હતો. ત્યારે ધરતી ફાવેર પાસે મકાનની છત ભરાતી હતી. જેમાં ઉપર અને નીચે જવા માટે લિફટ રખાઈ હતી. આ લિફટમાં પગ રાખવા જતા અકસ્માતે નીચે પટકાતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઈ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

અબડાસાની યુવતીના ફોટા વાયરલ કરતા પોલીસ ફરિયાદ

નલિયા : અબડાસા તાલુકાના એક ગામની યુવતીના બિભત્સ ફોટા વાયરલ કરતા આરોપી સામે કોઠારા પોલીસ સ્ટેશને ફરિયાદ કરાઈ હતી. અબડાસા તાલુકાના એક ગામની યુવતીના બિભત્સ ફોટા ફેસબુક પર વાયરલ કરનાર બે જુદી-જુદી આઈડી ધરાવનાર અજાણ્યો શખ્સોએ આ કૃત્યને અંજામ આપ્યો હતો. યુવતીના ફોટા વાયરલ થતા કોઠારા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોઠારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

માધાપરના જુગારધામ પર પોલીસે પાડ્યો દરોડો

ભુજ : ભુજ તાલુકાના માધાપર ગામે પોલીસે જુગારના અડ્ડા પર દરોડો પાડીને જુગારીઓને પકડી પાડ્યો હતો. માધાપર યક્ષ મંદિરેની સામે જોગીવાસમાં રહેતા શકુર ફકીરમામદ ખલીફાના ઘરમાં ચાલતા જુગારધામ પર ભુજ બી ડિવિઝન પોલીસે દરોડો પાડીને માધાપરના શકુર ઉર્ફે જુલિયો ફકીરમામદ ખલીફા, ભુજના મહેબુબ હુશેન ચંગલ, અનિલ લવજી સોની, અજય રમેશચંદ્ર સોનીને રૂા.૧પ,૧૦૦ રોકડા, ચાર મોબાઈલ સાથે પકડી તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

નકલી ચલણી નોટ પ્રકરણમાં દંપતી સાત દિનના રિમાન્ડમાં

ભુજ : સસ્તા સોનાના નામે ધુતાયા બાદ બદલાની ભાવના સાથે રૂપિયા બે હજાર અને રૂા.પ૦૦ની નકલી નોટ દ્વારા ભુજની બજારમાં ખરીદી કરી છેતરપિંડી કરનાર મધ્યપ્રદેશના દંપતીના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ભુજમાં વાણિયાવાડ તથા શરાફ બજારમાં બે હજારની નકલી ચલણી નોટો આપી બદલામાં ખરીદી કરનાર મધ્યપ્રદેશના રતલામના રાહુલ કૃષ્ણકુમાર કસેરા અને તેની પત્ની મેઘાને પોલીસ પકડી પાડી હતી. આરોપી દંપતિ પાસેથી રૂા.૧ર.૧૦ લાખની નકલી નોટો મળી આવી હતી. આ કેસની તપાસ એસઓજીને અપાઈ છે. તપાસનીશ એજન્સીએ દંપતીને અદાલતમાં રજૂ કરી સાત દિનના રિમાન્ડ મેળવ્યા હતા. પ્રારંભીક પૂછતાછમાં દંપતી પોતાના મોજશોખ પુરા કરવા માટે ઘરે નકલી નોટ છાપતા હતા. રિમાન્ડ દરમ્યાન બન્નેને સંબંધિત સ્થળે લઈ જઈને સમગ્ર માલસામગ્રી કબ્જે કરવામાં આવશે.

ભુજમાં ઘરફોડ ચોરીમાં ચોરાઉ માલ સાથે તરૂણ પકડાયો

ભુજ : ભુજમાં ઘરફોડ ચોરીના ગુનામાં ચોરાઉ સામગ્રી સાથે તરૂણ આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો. ભુજ એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે કટીબધ્ધ પગલા લઈને પોલીસ ભુજમાં ઘરફોડ ચોરીના આરોપી સુધી પહોંચી હતી. પૂછતાછમાં બહાર આવેલી વિગતોના આધારે તરૂણે તેના ઘરમાંં રાખેલા ચોરાઉ માલ અને રોકડ પોલીસે કબ્જે લીધા હતા.

મુંદરાના વડાલામાં આંકડા લખતો આરોપી પકડાયો

મુંદરા : મુંદરા તાલુકાના વડાલા ગામે આંકડાનો બુકીંગ લેતા બુકી દરોડા દરમ્યાન પોલીસે પકડી પાડ્યો હતો. વડાલા ગામે પોલીસની સ્થાનિક ગુના શોધક શાખાએ દરોડો પાડીને આંકડાનો બુકીંગ લેતા બુકી જોગીનગરમાં રહેતો અમીત ભૂરાભાઈ જોગીને પોલીસે પકડી પાડ્યો હતો તથા સહ આરોપી વડાલાનો પ્રેમજી મહેશ્વરી નાસી ગયો હતો. આ બન્ને જણ મિલન બજાર મધ્યે આંકડા લખતા હતા ત્યારે પોલીસે દરોડો પાડીને પકડાયેલા આરોપી પાસેથી રૂા.૧૧,પ૪૦ રોકડા, મોબાઈલ, સાહિત્ય કબ્જે કર્યું હતું.