ક્રાઈમ કોર્નર

નાડાપામાં યંત્ર પલટતા દબાઈ જતા યુવાનનું મોત

ભુજ : તાલુકાના નાડાપા ગામે આવેલ રામ વેલકીંગ કંપની રહેતા પરપ્રાંતિય યુવાનનું ફોરકિલફટ યંત્ર પલટી મારતા ચગદાઈ જવાથી મોત નીપજ્યું હતું. બનાવમાં બાશેક દીતાભાઈ કટારા (ઉ.વ.૩૩) અકસ્માતમાં મોત નીપજતા હતભાગીના મૃતદેહને ભુજની જી.કે. હોસ્પિટલમાં ખસેડી પોલીસે પીએમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માત મોતનો બનાવ દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ગાંધીધામમાં ઉભેલી કારના ટાયર ચોરાયા

ગાંધીધામ : શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ એમઆઈજી કોલોનીમાંથી પાર્ક કરાયેલી કારના ટાયર ચોરાતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. કોલોનીમાં રહેતા ફરિયાદી દિલીપસિંહ બાબુજી ઝાલાએ પોતાની સ્વીફટ કારમાંથી મેગવીલ સહિતના ૩ ટાયર કિ.રૂા.૧૮,૦૦૦ની ચોરી થયાનો ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

માંડવીની બેકરીમાં આગ

માંડવી : શહેરમાં રંગચૂલી મધ્યે બેકરીમાં આગ લાગી હતી. રંગચૂલી મધ્યે રહેણાંક વિસ્તારમાં આવેલ શિવમ બેકરીમાં આગ લાગી હતી. આ ઘટનાના પગલે જીઈબીને જાણ કરતા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. તથા માંડવી નગરપાલિકાની ફાયર બ્રિગેડને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

બારોઈ રોડ પર રહેણાક મકાનમાં આંકડો રમાડતા બે શખ્સની અટક

મુંદરા : મુંદરાના બારોઈ રોડ પર રહેણાક મકાનમાં આંકડો રમાડતા બે મુંબઈવાસીઓને એલસીબીએ અટક કરી હતી. બારોઈડ રોડ પર શિવમ કોમ્પલેક્ષના રહેણાંક મકાનમાં બેસીને આંકડો રમાડતા પતીન રમેશભાઈ ગણાત્રા તથા હિતેશ મથુરદાસ માનસંગ (રહે. બન્ને મુંબઈ)ને એલસીબીએ બાતમીના આધારે પકડી પાડ્યો હતો. આરોપીઓ પાસેથી પોલીસે રૂા.૯૯૦૦ રોકડા અને બે મોબાઈલ કિંમત રૂા. દસ હજાર મળી કુલ ૧૯,૯૦૦ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. તો મુંબઈથી કટીંગ આપતા ઉમેશ બાવાજી ગણાત્રાનું નામ ખુલતા પોલીસે ત્રણે વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

ભુજમાં આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સ ઝડપાયા

ભુજ : શહેરની ભીડગેટ પાસે ચાલુ ગાડીએ આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે આરોપી પકડાયા હતા. એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે ભીડગેટ પાસે આવેલ પેટ્રોલ પંપની સામે સફેદ કલરની અલ્ટો કારમાં મુંદરાના બે યુવાનો આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા હતા. ત્યારે એલસીબીએ આરોપી સાહિલ હાજી સમા અને જુલ્ફીકાર અભુભખર પઢીયાર (રહે. બન્ને મુંદરા)ને દબોચીને બે લાખની કાર, રૂા.૭૮૦૦ રોકડા અને ત્રણ મોબાઈલ કિંમત રૂા. ર૦ હજાર મળી કુલ ર,ર૭,૮૦૦ના મુદ્દામાલ કબ્જે કરી ભુજ બી ડિવિઝન મથકે આરોપી સોપ્યા હતા.

માનકુવા નજીકથી બે લાખનો દારૂ પકડાયો

ભુજ : ભુજ તાલુકાના માનકુવા ગામે ગોડસર રખાલમાં આવેલ ભુગામાંથી બે લાખનો દારૂ પકડાયો હતો. માનકુવા પાસે આવેલી ગોડસર રખાલમાં હબ રેસિડેન્સીના ભુગામાં બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડીને દારૂની બોટલ નંગ પ૦૪ કિંમત રૂા.ર,૧૯,૭૬૦નો મુદ્દામાલ સાથે આરોપી માનકુવા જુનાવાસમાં રહેતો રામગર સુરેશગર ગોસ્વામીને એલસીબીએ પકડી માનકુવા પોલીસને સોંપ્યો હતો. તો જથ્થો આપનાર યોગેશ પ્રતાપભાઈ બાવાજી (રહે. માધાપર)નું નામ ખુલતા બન્ને સામે ગુનો નોંધી યોગેશને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આદિપુરમાંથી છ ખેલી ઝડપાયા

અંજાર : આદિપુરમાં જુગાર રમતા છ જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. આદિપુરના ટાગોર રોઠ પર અભિષેક કોન્ટલેક્ષ પાસે આવેલ ઝુંપડા પાસેની ખુલ્લી જમીનમાં આરોપી પ્રદીપ રામચંદ્રભાઈ શાહ, નિતેશ વિનોદકુમાર શાહ, રાધામોહન રામકરીમ શાહ, રવિન્દ્રભાઈ ઘોઘટભાઈ શાહ તેમજ રામનારાયણ શિવચંદ્ર શાહ જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હતા. ત્યારે પોલીસે દરોડો પાડીને તમામ આરોપીઓને પકડી રૂા.૧ર,ર૪૦ના રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પદમપરમાં યુવાને ઝેરી દવા પીતા મોત

માંડવી : માંડવી તાલુકાના પદમપર ગામે આવેલ વાડીમાં દંપતીના ઝઘડામાં યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. પદમપર વાડી વિસ્તારમાં પતિ-પત્નીનો ઝઘડો થયો હતો. આ ઝઘડાનું મનદુઃખ રાખીને પતિ અર્જુન અરવિંદ કોલી (ઉ.વ.ર૦) ઝેરી દવા પી લીધી હતી. તેને સારવાર માટે પ્રથમ સ્થાનિક ત્યારબાદ જી.કે. જનરલ ખસેડાયો હતો. જયાં તેનું મોત નીપજ્યું હતું. ગઢશીશા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભુજમાંથી એકટીવાની તસ્કરી કરનાર ઝડપાયો

ભુજ : શહેરમાં બનેલા એકટીવા સ્કૂટરની ચોરીના કેસમાં ભુજમાં સંજોગનગરમાં ખારીનદી રોડ ઉપર જાફરશાપીરની દરગાહ પાસે રહેતા અનવર ઉર્ફે ફડો ગુલમામદ સમેજાને પકડીને ભુજ એ ડિવિઝન પોલીસે આ વાહન તસ્કરીનો ભેદ ઉકેલી કાઢયો હતો. વાહનોની તપાસણી દરમ્યાન આરોપી નંબર પ્લેટ વગરના વાહન સાથે મળ્યા બાદ પૂછતાછમાં આ ગુના શોધન કાર્યવાહી થઈ હતી.