ક્રાઈમ કોર્નર

સણવામાં ગોગા મહારાજ મંદિરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

રાપર : તાલુકાના સણવા ગામે આવેલ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. સણવા ગામે રબારીવાસમાં આવેલ ગોગા મહારાજના મંદિરમાં રૂા.૧.૭ર લાખના દર-દાગીનાની ચોરી થઈ હતી. પોલીસને મળેલી બાતમીના આધારે મંદિરમાં ચોરી કરનાર શખ્સ લખાગઢનો અરજણ દેવા ભરવાડ (ઉ.વ.ર૦) ચોરીના માલ સામાન સાથે પગપાળા લખાગઢથી આડેસર તરફ આવી રહ્યો હતો ત્યારે પોલીસે તેને ઝડપી તેની પાસેથી રૂા.૧,૭ર,રર૪ની કિંમતના ચાંદીના ર૦૦ નંગ મોટા છત્તર કબ્જે કરી પૂછતાછ કરતા તેણે ગુનો કબલ્યુ હતું.

આદિપુરમાં ઓનલાઈન સટ્ટો રમાડતો ઈસમ ઝડપાયો

ગાંધીધામ : આદિપુરમાં આઈપીએલની મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો હતો. આદિપુર બારવાળી વિસ્તારમાં આવેલ મકાન નં. ૧૭૧/૧૭રમાં મહેન્દ્ર ઉર્ફે બાબુ લક્ષ્મણદાસ સહેજાતપુરી (ઉ.વ.૩૮) પોતાના ઘરની બહાર ઓટલા પર બેસી આઈપીએલની રોયલ ચેલેન્જ બેંગ્લોર તથા કોલકતા નાઈટ રાઈડર્સની ક્રિકેટ મેચ પર મોબાઈલના વેજપેજમાં ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યો હતો. જેથી પોલીસે દરોડો પાડીને આરોપીને રૂા.૧પ હજારની કિંમતનો એક મોબાઈલ તથા રૂા.૮પ૦૦ રોકડ સહિત કુલ રૂા.ર૩,પ૦૦ના મુદ્દામાલ સહિત ઝડપી લીધા હતા.

મીઠાપુરમાં થયેલ ટ્રક ચોરીનો ભેદ ઉકેલાયો

અંજાર : અંજાર પોલીસે પોકેટ કોપ સોફટવેરની મદદથી મીઠાપુરમાં થયેલી ટ્રક ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે અંજાર જીઆઈડીસીમાં આવેલ શિવ બોડી વકર્સમાં એક શંકાસ્પદ ટ્રક રિપેરીંગમાં આવતા જેથી પોલીસે ત્યાં જઈ તપાસ કરતા એસીસ નંબર છેકેલી હાલતમાં હતા. જેથી એન્જિન નંબરના આધારે પોકેટ કોપ સોફટવેરમાં તપાસ કરતા આ ટ્રક મીઠાપુરના જલારામ ટ્રાન્સપોર્ટના સતવીર સત્યનારાયણ શર્માના નામથી હોવાનું માલુમ પડતા મીઠાપુર પોલીસનો સંપર્ક કરતા આ ટ્રક ચોરીની થઈ ગયેલી છે જેથી અંજાર પોલીસે સાત લાખની કિંમતની ટ્રક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભુજના સરપટગેટ પાસે કેબિનમાંથી રૂા.દસ હજારની માલમતાની ચોરી

ભુજ : ભુજ શહેરના સરપટ નાકા પાસે રાત્રી કફર્યુ દરમિયાન કેબીનમાંથી માસ્ક સહિતના માલની ચોરી થઈ હતી. ભુજ શહેરના સરપટ ગેટ નજીક પરસોતમ બાગની પાસે ધર્મેન્દ્રભાઈ મોહનલાલ રાજગોરની કેબીનમાંથી તસ્કરોએ માસ્ક નંગ-૮૪ સહિતના મુદ્દામાલ કુલ કિંમત રૂા.૧૦,ર૦૦ના માલમતા ચોરાઈ હતી. ભુજ શહેર એ ડિવિઝન પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.