ક્રાઈમ કોર્નર

નાગોરમાં બે ભાઈઓ પર હુમલો કરાયો

ભુજ : તાલુકાના નાગોર ગામે આવેલ વાડીમાં ભેંસોને બહાર કાઢી માર મારવા મુદ્દે સુખપરના બે ભાઈઓ પર ચાર શખ્સોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ કરાઈ હતી. નાગોર ગામે મંગલમ રેસીડેન્સી સામે આ બનાવ બન્યો હતો. જેમાં ફરિયાદી રવજીભાઈ હિરજી હાલાઈ અને તેના ભાઈ હરજીભાઈ હિરજીભાઈ હાલાઈ પોતાની વાડી મધ્યે હતા, ત્યારે વાડીમાં ભેંસો ઘૂસી આવતા તેને વાડીમાંથી બહાર કાઢી હતી. તેનું મનદુઃખ રાખીને આરોપી અયુબ ઉર્ફે અભલો ગગડા અને ત્રણ અજાણ્યા શખ્સોએ ફરિયાદી અને તેના ભાઈને ધોકાથી માર મારી ઈજા પહોંચાડી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગળપાદર હાઈવે પર ટ્રકે બાઈકને અડફેટે લીધો

ગાંધીધામ : ગળપાદર હાઈવે પર માતેલા સાંઢની માફક દોડતા ટ્રકે બાઈકને અડફેટે લીધું હતું. સદ્દભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. ગળપાદર હાઈવે રોડ પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અધુરા મુકી દેવાયેલા કામ તથા બેફામ થઈ રહેલા વાહન વ્યવહારને કારણે અવાર-નવાર જીવલેણ અકસ્માત બને છે ત્યારે ગળપાદર હાઈવે પર ટ્રક અડફટે બાઈક આવી ગયું હતું. સદ્દભાગ્યે બાઈક ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો.

માંડવીમાં નોંધાયેલી ફરિયાદમાં યોગ્ય કલમો ઉમેરવા કોર્ટનો હુકમ

માંડવી : અહીંના એક કેસમાં ફરિયાદીને ફોન પર તેની દીકરી પર દુષ્કર્મ આચરવા ઉપરાંત પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવમાં કોર્ટે વિવિધ કલમોનો ઉમેરો કરવા પોલીસને આદેશ આપ્યો હતો. ફરિયાદીએ માંડવી પોલીસ મથકે અને એસપીને પણ રજૂઆત કરી હોવા છતાં દાદ ન મળતા કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી ત્યારે કોર્ટે થાણાધિકારીને આરોપી વિરૂદ્ધ ૩પ૪ (૧), ૧૧, પ૦૯, ૩ર૩, પ૦૪, પ૦૬ (ર) મુજબની કલમ ફરિયાદમાં ઉમેરવા નિર્દેશ આપ્યો છે.