મુંદરા જુના બંદરે બાળક રમતા રમતા પાણીમાં ડૂબ્યો

મુંદરા : જુના બંદરે રમતા રમતા બે વર્ષિય બાળક દરિયાના પાણીમાં ડુબી ગયો હતો. તો બીજીબાજુ માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે યુવતીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જુના બંદર માછીમાર વસાહત મુંદરા મધ્યે તોફીક જુનસ માજબીય (ઉ.વ.ર) (રહે. મૂળ અંજાર હાલે જુના બંદર) રમતા રમતા દરિયાના પાણીમાં ડૂબી ગયો હતો. તેને સારવાર નસીબ થાય તે પહેલા તેનું મોત નીપજ્યું હતું. તો બીજી બાજુ માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે હીનાબેન મહેશ્વરી (ઉ.વ.ર૦) પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

કેરામાં કબ્રસ્તાનની દિવાલ બાબતે ખોજા જમાતનો ડખ્ખો વકરતા બે ઘવાયા

ભુજ : ભુજ તાલુકાના કેરા ગામે ખોજા જમાતમાં લાંબા સમયથી ઉદભવેલા વિવાદ દરમ્યાન ડખ્ખો વકરતા હુમલા સહિતની ઘટનામાં બે ઘવાયા હતા. કેરા ગામે ખોજા મસ્જિદમાં ઈમામ હુશેનના જન્મ દિવસની મજલીશ પૂર્ણ થયા બાદ કેરાના ફૈઝલઅલી ઓનઅલી ખોજા દ્વારા કેરાના રજબઅલી ગુલામહુશેન ખોજા તેના બે પુત્ર રિયાઝઅલી રજબઅલી ખોજા અને કેશરઅલી રજબઅલી ખોજા ઉપરાંત રજબઅલીના સાળા ગુલામ અબ્બાસ વિરૂધ્ધ માનકુવા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કબ્રસ્તાનની દિવાલ બાબતે મામલો બિચકતા હુમલા સહિતની ઘટનામાં બે ઘવાયા હતા. દરમ્યાન સમગ્ર ઘટના ક્રમ જોનાર ફરિયાદીના સાઢુભાઈ મહેમુદઅલી હસનઅલી ખોજાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.

ભુજની ખાનગી હોસ્પિટલમાંથી બેટરી ચોરાતા પોલીસ ફરિયાદ

ભુજ : ભુજ ભાનુશાલી નર્સિંગ હોમ હોસ્પિટલના પાર્કિંગ કંપાઉન્ડમાં આવેલા જનરેટર ચાલુ કરવાની બેટરીની ચોરી થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ભાનુશાલી નર્સિંગ હોમ હોસ્પિટલના મેનેજર રોનક જેઠાલાલ કટારમલે નોંધાવેલી ફરિયાદ મુજબ બહાર પાર્કિંગ કપાઉન્ડમાં આવેલ જનરેટર ચાલુ કરવા પહોંચ્યા ત્યારે તેમાં લાગેલી બેટરી જોવા ન મળતા બાજુમાં આવેલ ડો. રશ્મિ શાહ હોસ્પિટલના સીસીટીવી ફુટેજ ચેક કરતા એક ત્રીસ વર્ષિય મહિલા અને તેનો પુત્ર જનરેટર પાસેથી કચરો ઉચકતા દેખાયા હતા. જનરેટરની બેટરી ચોરી કરી ગયાની શંકાના આધારે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરાઈ હતી.

ખારીરોહરમાં જુગાર રમતી આઠ મહિલા ઝડપાઈ

ગાંધીધામ : ગાંધીધામ તાલુકાના ખારીરોહર ગામની સીમમાં આવતા મચ્છુનગર વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને મકાનમાં જુગાર રમતી આઠ મહિલા ખેલીને પકડી પાડીને રૂપિયા ૧૦,૩૦૦ કબ્જે કરવામાં આવ્યા હતા. મચ્છુનગર વિસ્તારમાં રહેણાક મકાનમાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જુગાર રમાડતી કાન્તાબેન દાનગર ગોસ્વામી તથા મોતીબા લગધીરસિંહ ઝાલા, રમીલાબેન શ્રવણપુરી ગોસ્વામી, ભારતીબેન રમેશ કોલી, વરસામેડી શાંતિધામ સોસાયટીમાં રહેતા આરતીબેન ટીના ઠાકોર, રામીબેન તુલસી ઠાકોર, સોના ટાવરમાં રહેતા વિલાસબા દિલુભા જાડેજા નામની મહિલા જુગારીને પકડીને તેમની પાસેથી પોલીસે રૂા.૧૦,૩૦૦ જપ્ત કર્યા હતા.

ભુજમાં આંકડાના દરોડામાં બુકી પકડાયો

ભુજ : ભુજ શહેરમાં ભીડનાકા બહાર દાદુપીર રોડ ઉપર મેમણચોકમાં રહેતો અને પોતાના ઘરની બહારના ભાગે આંકડાના જુગારનું બુકિંગ લઈ રહેલા રફીક જુણસ ઘાંચીને પોલીસે પકડી પાડીને તેની પાસેથી રૂા.૪૪૦૦ રોકડા, જુગાર સંબંધી સાહિત્ય તથા મોબાઈલ અને કેલક્યુલેટર સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.