ક્રાઈમ કોર્નર

ગાંધીધામથી ભચાઉ જતાં હાઈવે પર અકસ્માતે એકનું મોત

ગાંધીધામ : અહીંથી ભચાઉ જતાં હાઈવે પર અંબિકાનગર ટ્રાન્સપોર્ટ કટ પાસે પૂર ઝડપે અને બેદરકારી પૂર્વક દોડતા કન્ટેનર ટ્રેલરે ટેન્કરને હડફેટમાં લેતા ટેન્કર ચાલકનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે બીપીનભાઈ આહિરે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમ મૂળ રાજસ્થાનના વતની આરબખાન હમેરખાનને માથામાં અને હાથમાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી મોત નીપજ્યાનું જણાવાયું હતું. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બાયઠની પરિણીતા દાઝી જતાં તોડ્યો દમ

માંડવી : તાલુકાના બાયઠ ગામે રહેતી હમીદા અલતાફ તુર્ક (ઉ.વ.૩ર) નામની પરિણીતા ગત તા.ર૦/૩ના પોતાના ઘરે ચૂલા પર ચાય બનાવતા દાઝી ગઈ હતી. જેને સારવાર માટે ખસેડતા સારવાર કારગત ન નીવડતાં દમ તોડ્યો હતો. બનાવને પગલે ગઢશીશા પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આદિપુરમાં અકસ્માત સર્જનાર કાર ચાલક ઝડપાયો : જામીન મુક્ત

ગાંધીધામ : આદિપુરમાં અકસ્માત નોતરીને પિતા-પુત્રના રામ રમાડનાર કાર ચાલકની પોલીસે ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરતા જામીન મુક્ત થયો હતો. ફોર્ચ્યુનર કારના બાઈક સાથેના અકસ્માતમાં કાર ચાલક ભવરસિંહ હમીરસિંહ રાઠોડ નાશી ગયો હતો. જેને પોલીસે ઝડપી ર દિવસના રીમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે રીમાન્ડ નકારી આરોપીને જામીન મુક્ત કર્યો હતો.

અંજારમાં બાઈક ચોરાતા ફરિયાદ

અંજાર : અહીંના બગીચા પાસે પાર્ક કરેલી બાઈકની ચોરી થતાં ગુનો નોંધાયો હતો. મેઘપર બોરીચીમાં રહેતા કરીમ હુસેન મીરાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની રૂા.પપ,૦૦૦ની જીકસર બાઈક દેવળીયા નાકે બગીચા પાસે પાર્ક કરાયેલ હતી. જે કોઈ અજાણ્યા તસ્કરો ચોરી ગયા હતા.

અંજારના મોટી નાગલપરમાંથી શરાબ સાથે એક ઝડપાયો

અંજાર : તાલુકાના મોટી નાગલપરના વાડી વિસ્તારમાંથી પોલીસે ૭ર બોટલ વિદેશી શરાબનો જથ્થો ઝડપ્યો હતો. નવીનભાઈ સોરઠિયાની વાડીની બાજુમાં રહેતો ૩૪ વર્ષિય આરોપી રાજુ શામજીભાઈ ભૂતના ઝુંપડામાં પોલીસે દરોડો પાડીને ખજૂરની ડાળીઓ નીચેથી રપ,ર૦૦ની કિંમતની ૭ર બોટલ ઝડપી આરોપીની ધરપકડ કરી

ગાંધીધામમાંથી આંકડાનો જુગારી જબ્બે

ગાંધીધામ : શહેરના સેકટર-પમાં ભવનાથ મહાદેવ મંદિર પાસે જાહેરમાં આંકડાનો જુગાર ખેલતા આરોપીને પોલીસે દબોચ્યો હતો. પોલીસના દરોડામાં કિરણ જયંતી સથવારાની રોકડ રૂા.૧૦,૩૦૦ સાથે ધરપકડ કરાઈ હતી. આરોપીના કબ્જામાંથી પેન, ડાયરી સહિતનું સાહિત્ય પણ કબ્જે કરીને કાર્યવાહી હાથ ધરાઈ હતી.

કોરોના વચ્ચે સૌંદર્ય સ્પર્ધા યોજનાર ર સામે ૪ મહિને ફરિયાદ

ગાંધીધામ : શહેરમાં કોરોના કાળ વચ્ચે સરકારની માર્ગદર્શિકા વિરૂધ્ધ જઈને બે મુખ્ય આયોજકોએ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કરતાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. સુનિલ પ્યારેલાલ શર્મા અને સુનિલભાઈ ચૌધરી દ્વારા ૩ દિવસની ઈવેન્ટ યોજાઈ હતી. તા.૬/૧ર/ર૦ર૦ના નેક્સેસ કલબ ખાતે આયોજન કરીને જાહેરનામાનો ભંગ કરાતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ૪ મહિના બાદ ગુનો નોંધાયો હતો. જેને કારણે આશ્ચર્ય ફેલાયું છે.