ક્રાઈમ કોર્નર

કંડલામાં ડમ્પર પલટતાં એકનું મોત

ગાંધીધામ : સંકુલના કંડલા રેલવે ફાટક પાસે ડમ્પર પલટી જતાં પન્નાલાલ બદિયાભાઈ સુનાર નામના ખલાસીએ દમ તોડ્યો હતો. કંડલા પોર્ટ પરથી કોલસો ભરીને નીકળેલું ડમ્પર જીજે. ૧ર. બીવી. પ૬૮ર મોરબી જવા નીકળ્યું હતું. દરમિયાન રેલવે ફાટક નજીક ડમ્પર પલટી મારી જતા હતભાગી પન્નાલાલને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ભુજની યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી માર મરાયો

ભુજ : શહેરના હંગામી આવસમાં રહેતી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવાઈ હતી. બાદમાં ગર્ભપાત કરાવવા માટે માર મારવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. ભોગગ્રસ્ત યુવતીએ દાદુપીર રોડ ખાતે રહેતા આરોપી હનીફ નૂરમામદ સૂમા વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીએ તેની સાથે સંબંધ બાંધીને ગર્ભવતી બનાવી હતી. બાદમાં ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું અને માર મારતા ઈજાગ્રસ્તને ભુજની જી.કે.માં ખસેડાઈ હતી. ગુના કામે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પીપરીની વાડીમાં વીજ શોકથી કિશોરીનું મૃત્યુ

માંડવી : તાલુકાના પીપરીની વાડીમાં ૧૪ વર્ષિય વૈશાલીબેન બુચિયાભાઈ સંઘારને વીજ શોક લાગતા મોત નીપજ્યું હતું. મોટરની સ્વીચ બંધ કરવા જતી વેળાએ શોક લાગતા હતભાગીને હોસ્પિટલ ખસેડાઈ હતી. પરંતુ, ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ડુમરામાં ગાડી પાર્ક કર્યાની બબાલમાં મારામારી

નલિયા : અબડાસાના ડુમરાની વાડીમાં ખેત મજૂરી કરતા યુવાન પર ૪ શખ્સોએ હુમલો કર્યો હતો. કોઠારા પોલીસે મથકે શિવપૂજન ઉર્ફે શિવા સાગરભાઈ યાદવે ગામના જ કોજરાજસિંહ રાઠોડ, વિક્રમસિંહ ભોજરાજસિંહ રાઠોડ, લાલુ ઉર્ફે રવીરાજસિંહ દિલુભા જાડેજા અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદીના શેઠની પાર્ક કરાયેલી ગાડી અંગે ફરિયાદીની આરોપી સાથે થયેલી બોલાચાલી અંગે હુમલો કરાયો હતો.

ગાંધીધામના બંધ મકાન બહારથી ૬૦ હજારની ચોરી

ગાંધીધામ : શહેરના ૧૦-એ ઈફકો સામે આવેલી વસાહતમાં આવેલા મકાન બહારથી લેપટોપ અને રોકડ રકમ મળીને રૂ.૬૦ હજારની ચોરી થઈ હતી. બનાવ અંગે અમરદીપ લોજીસ્ટીક પ્રા.લી.ની પેઢી ચલાવતા અંકિત દેવીદાસ શાહે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદી ઉટી ફરવા ગયા હતા અને જતી વખતે ઘરની બહાર બેગ ભૂલી ગયા હતા. જે ચોરી થઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ભુજમાં ટ્રાવેલ્સના કાચ તોડ્યાની શંકાએ ૩ જણ પર હુમલો

ભુજ : શહેરના પ્રમુખસ્વામીનગર રોડ પર ટ્રાવેલ્સ બસના કાચ તોડ્યાની શંકાએ ૩ જણ પર હુમલો કરાયો હતો. ભીખાભાઈ બીજલભાઈ રબારી, જયરાજસિંહ દિલીપસિંહ જાડેજા અને ઈન્દ્રજીસિંહ સુરૂભા જાડેજાને ઘનશ્યામ ગઢવી, મીતરાજ ગઢવી અને રાજ ઘનશ્યામ ગઢવીએ તેમની મીતરાજ ટ્રાવેલ્સના કાચ તોડ્યાની શંકાએ લાકડી-ધોકા વડે માર માર્યો હતો. બનાવમાં ઘવાયેલા ત્રણેયને ભુજની જી.કે.માં ખસેડાયા હતા. જ્યારે ભુજ એ ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મુંદરામાં આધેડે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

મુંદરા : અહીંના બારોઈ રોડ પર આવેલા મહાનગરમાં રહેતા ૪પ વર્ષિય લક્ષ્મણ નારાણ ચૌહાણે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. એકાદ વર્ષ પૂર્વે હતભાગીના પુત્રએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આધેડ સતત તેની ચિંતામાં રહેતા હતા અને ગત સાંજે અચાનક આપઘાત કરી લેતા મુંદરા પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને આગળની તપાસ હાથ ધરી છે.