ક્રાઈમ કોર્નર

ચકાર (કોટડા)માં ડીઝલ પી ગયેલા ર વર્ષિય માસૂમનું મોત

ભુજ : તાલુકાના ચકાર કોટડા ગામે ખેતમજૂર પરિવારના ર વર્ષિય બાળકે ડીઝલ પી જતાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. વાડીમાં રહેતા ર વર્ષિય કરમજીત મેઘપાલ માલા નામના બાળકે બુધવારે રમતા – રમતા ડીઝલ પી લીધું હતું. જેને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતા હતભાગીએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. બનાવ અંગે પધ્ધર પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો.

અંજાર-ગળપાદર માર્ગ પર ટેન્કર પાછળ બાઈક ભટકાતા યુવાનનું મોત

અંજાર : અહીંના ગળપાદર માર્ગ પર નવરત્ન રેસિડેન્સીની સામે હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. જેમાં જિતેન્દ્રસિંહ મનોહરસિંહ સિસોદિયા નામનો યુવાન જીજે. ૧ર. એટી. ૭૧૦ર લઈને જતો હતો. તે દરમિયાન આગળ જતાં ટેન્કરમાં બાઈક ભટકાતા ચાલકને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

રામાણીયામાં પવનચક્કીના વીજવાયરમાં શોક લાગતાં યુવાનનું મોત

મુંદરા : તાલુકાના રામાણીયાની સીમમાં પવનચક્કીના વીજ વાયરમાં શોક લાગવાથી યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવમાં મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ ગઢશીશામાં રહેતા રિયાઝુલ તવજ્જુલ શેખ (ઉ.વ.ર૬) નામનો યુવાન વાયરોની સફાઈ કરતો હતો. દરમિયાન જીવતા વાયરના સંપર્કથી વીજ કરંટ લાગતા હતભાગીને માંડવીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે મુંદરા પોલીસે ગુનો નોંધતા પીએસઆઈ ભાવેશ ભટ્ટે આગળની તપાસ હાથ ધરી છે.

આડેસર-માખેલા રોડ પર ઝડપાયેલા બાયોડીઝલમાં બે સામે ફોજદારી

રાપર : તાલુકાના આડેસરથી માખેલ રોડ ઉપર આવેલી પંક્ચરની દુકાને વેચાતા ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો હતો. ગત તા.ર૬/૧૧/ર૦ના એલસીબીએ દરોડો પાડીને મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પંકચરની દુકાનની પાછળના ભાગે પણ દરોડો પડાયો હતો. જેમાં ગોવિંદભાઈ મગનભાઈ રબારી અને ઉપેન્દ્રસિંહ દેવુભા જાડેજાના કબ્જામાંથી ૧૧,૪પ૦ લીટરનો જથ્થો કબ્જે કરાયો હતો. જેના સેમ્પલો તપાસ અર્થે મોકલ્યા બાદ રીપોર્ટ આવ્યે બન્ને વિરૂધ્ધ રાપર મામલતદારે આડેસર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

નખત્રાણાના ઉઘેડીમાં ખેતરની જમીન પચાવી પડાતા લેન્ડ ગ્રેબિંગ તળે ગુનો

ભુજ : રાજ્ય સરકારે તાજેતરમાં લાગુ કરેલ જમીન પચાવી પાડવાના વિધેયકને પગલે નખત્રાણાના ઉઘેડીમાં જમીન પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગની કલમો તળે ફરિયાદ નોંધાઈ છે. બનાવને પગલે ફરિયાદી પ્રેમજી લધા પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની સર્વે નં.૩૬૦ વાળી જમીન પર ગામના શામજી હરજી પટેલ નામના શખ્સે દબાણ કરીને જમીન પચાવી પાડી હતી. જે અંગે નખત્રાણા પોલીસ મથકે ગુનો નોંધાતા તપાસ હાથ
ધરાઈ છે.

કાદિયાની યુવતીના રોકડ રૂપિયા ચોરનાર બે મહિલાઓ જબ્બે

નખત્રાણા : અહીંની મેઈન બજારમાં કાદિયાની યુવતીના પર્સમાંથી રૂા.૧પ હજારની રોકડ રકમ સેરવીને ફરાર થઈ જનાર મોરબીની બે મહિલાઓ પકડાઈ ગઈ હતી. માંડવી પોલીસે બે સગીર સહિત ચાર સ્ત્રીઓને શકમંદ તરીકે પકડી હતી. દરમિયાન સીસીટીવી કેમેરાનાં ફુટેજને આધારે નખત્રાણામાં ચીલઝડપ કરનારી આ જ મહિલાઓ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે નખત્રાણા પોલીસે આ મહિલાઓનો કબ્જો મેળવી અન્ય ગુનાઓમાં સંડોવાયેલી છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.

મહિલા તબીબ અને તેના પતિ પર પડોશીઓ દ્વારા હુમલો

ભુજ : શહેરની નવી ઉમેદનગર કોલોનીમાં ગુરૂવારે રાત્રે પડોશીઓ સાથે બોલાચાલી થતાં મહિલા તબીબ અને તેના પતિ પર ૪ શખ્સોએ હુમલો કર્યો હતો. ભુજના વ્યાયામ શાળા સ્થિત શહેરી આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં ડો. વૈશાલીબેન ડાભી અને તેમના પતિ કમલેશ ડાભીને પડોશમાં રહેતા એક મહિલા સહિતના ૪ શખ્સોએ મારમાર્યો હતો. બનાવને પગલે ભુજ એ ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે.