ક્રાઈમ કોર્નર

રાપરના નંદાસરની કેનાલમાં ડૂબેલી પરિણીતાનું મોત

રાપર : તાલુકાના નંદાસર નજીકની કેનાલમાં ડૂબી ગયેલી યુવાન પરિણીતાનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ નંદાસર નજીકની પરિણીતા રજીનાબેન કરીમ સમા (ઉ.વ.ર૮)એ કોઈ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હતું અને ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આડેસર ચેકપોસ્ટ પરથી રાજસ્થાનથી ભાગેલ યુગલ ઝડપાયું

રાપર : રાપર તાલુકાના આડેસર ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન રાજસ્થાનથી ભાગીને આવેલા યુગલને પોલીસે ઝડપ્યું હતું. મેક્સ ગાડીમાં સવાર બે પુરૂષ અને એક યુવતીને પોલીસે પકડયા હતા. જેમાં આરોપી ઝુઝારામ વકતારામ બ્રાહ્મણ અને પ્રદીપ ભૈરારામ ઢાઢીને ઉતારી ચાલક હનુમારામ પુનમરામ બ્રાહ્મણને પૂછતા તેમણે કહ્યું હતું કે, યુવતીનું અપહરણ કરીને લાવવામાં આવતી હતી. ત્યારે પોલીસે યુવતીને તેના પરિવારજનોને સુપરત કરીને આરોપીઓને પોલીસ હવાલે કરાયા છે.

લાકડીયા નજીક એસટી ટ્રેલર વચ્ચે અકસ્માત

ભચાઉ : તાલુકાના લાકડીયા પાસે ઓવરટેક કરી રહેલી એસટી બસના ચાલકે આગળ જઈ રહેલ ટ્રેલરમાં બસ અથડાવતા પ્રવાસીઓને ઈજાઓ પહોંચી હતી. સદનસીબે દુર્ઘટનામાં મોટી જાનહાની ટળી હતી. ફરિયાદી ટ્રેલર ચાલકે જણાવ્યું હતું કે, પૂરપાટ વેગે જઈ રહેલી એસટીના ચાલકે ટ્રેલર પાછળ ટક્કર મારી હતી. બનાવમાં અમૂક પ્રવાસીઓને સામાન્ય ઈજા પહોંચી હતી.

કીડિયાનગરમાં કાકાની હત્યા કરનાર ભત્રીજાની વિધિવત ધરપકડ

રાપર : તાલુકાના કીડિયાનગરમાં કૌટુંબિક ભત્રીજાએ કાકાની હત્યા નીપજાવ્યાના બનાવમાં ભત્રીજાની વિધિવત ધરપકડ કરાઈ છે. કાકીને મારવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ ભત્રીજાએ કાકાને ધોકા વડે માથામાં માર મારતા કાકાનું મોત નીપજ્યું હતું. બનાવમાં હતભાગીની પત્નીએ ગુનો નોંધાવતા પોલીસે આરોપી ભત્રીજા નરશી ઉર્ફે ભચુ ભીખુભાઈ કોલીને વરણુ ગામના બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો.

મુંદરાના મોટા કાંડાગરામાં લોટ દળાવી પરત ફરતા વૃદ્ધાને કારે મારી ટક્કર

મુંદરા : તાલુકાના મોટા કાંડાગરામાં ફોર વ્હીલર કારે રાહદારી વૃદ્ધાને હડફેટમાં લેતા ઈજાઓ પહોંચી હતી. લોટ દળાવીને પરત ફરતા વૃદ્ધાને કારે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ લક્ષ્મીબાઈ ઉર્ફે લખુબેન કાનજીભાઈ ફુલીયાએ જી.જે.૧ર.એ.ઈ.૯૩ર૪ નંબરની કારના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કાર ચાલકે પુરપાટ વેગે બેદરકારી પૂર્વક રોંગ સાઈડમાં વાહન હંકારીને ફરિયાદીની માતા ખેતબાઈને ટક્કર મારી હતી. વૃદ્ધા લોટ દળાવીને પોતાના ઘેર પરત ફરતા હતા. દરમ્યાન કાર ચાલકે હડફેટમાં લેતા પગમાં, સાથળમાં અને હાથમાં ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે મુંદરા પોલીસે ગુનો નોંધતા માણેકભાઈ ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે.