ક્રાઈમ કોર્નર

રતનાલ પાસે પગપાળા જતા યુવકનું મોત

અંજાર : તાલુકાના રતનાલમાં રહેતા ધીરજભાઈ ડુંગરીયા અંજાર-ભુજ હાઈવે પર કૈલાસ બાગ પાસે પગપાળા જતા હતા ત્યારે બોલેરો ચાલકે તેને હડફેટે લેતા મોત નીપજ્યું હતું. જે અંગે તેના ભાઈ રમેશ ડુંગરીયાએ અંજારમાં ફરિયાદ લખાવી હતી.

કિડાણામાં દોરી બાંધી યુવકે જીવન ટુંકાવ્યું

ગાંધીધામ : તાલુકાના કિડાણા ગામે રહેતા ર૦ વર્ષિય વિપુલભાઈ હરેશભાઈ પરમારે સોમવારે પોતાના ઘરે પાઈપમાં દોરી બાંધી ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે અંગે પોલીસમાં નોંધ કરાવાઈ છે.

કાળી તલાવડીમાંથી મોડાસાનો આરોપી ઝડપાયો

ભુજ : અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસનો આરોપી ભુજ તાલુકાના કાળી તલાવડી ગામેથી ઝડપાયો હતો. સગીરાનું અપહરણ અને એટ્રોસીટીના ગુનામાં આરોપી નરેશભાઈ કાળુભાઈ ખાંટ છેલ્લા બે વર્ષથી ફરાર હતો. જેથી બાતમીના આધારે અરવલ્લી પેરોલ ફર્લો સ્કવોર્ડ અને પધ્ધર પોલીસે કાળી તલાવડી ગામમાં આવેલા ઘઉંના ખેતરને કોર્ડન કરી આરોપીને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો. બંને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હતી જેની તપાસ એસટી/એસસી સેલના ડીવાયએસપીને સોંપાઈ છે.

ટીમ્બરમાં કામ કરતા યુવકે આત્મઘાતી પગલું ભર્યું

અંજાર : તાલુકાના મોડવદર ગામે આવેલ શિવશક્તિ ટીમ્બરમાં રહેતા ૧૮ વર્ષિય પીન્ટુ માણેકલાલ રાયએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ખારીરોહરમાં યુવકને પાઈપથી મરાયો

ગાંધીધામ : તાલુકાના ખારીરોહર ગામે આવેલ પીર કોલોનીમાં ઘર પાસે બૂમો પાડી અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીઓએ યુવકને લોખંડના પાઈપ વડે માર માર્યો હતો. જે અંગે હસન સિધિક સાયચાએ આરોપીઓ હનિફ કાતિયાર, સિધિક કાતિયાર, સરફરાજ ઉર્ફે કારો સામે ફરિયાદ નોંધાવી છે.

રાપરમાં થયેલા હુમલા અંગે પ્રતિફરિયાદ

રાપર : અહીં મામલતદાર કચેરી પાછળ બાઈક અથડાવાની બાબતે ગઈકાલે ઝઘડો થયો હતો, જેમાં ૭ શખ્સોએ યુવક પર છરી – તલવાર વડે હુમલો કર્યો હતો. જે કેસમાં પ્રતિફરિયાદ નોંધાઈ છે. વેરશી વેલાભાઈ કોલીએ રામજી ઉર્ફે રામુ કલુ કોલી સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ હેમંત કોલી સાથે થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી છરી લઈને આવી મુઢમારની ઈજા પહોંચાડી હોવાનું જણાવાયું છે. દરમિયાન આ કેસમાં પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી હતી, જેમાં એકને કોરોના પોઝિટીવ આવતા પલાંસવા પીએચસીમાં દાખલ કરાયો છે.

ઘડાણીમાં વૃધ્ધનો આપઘાત

નખત્રાણા : તાલુકાના ઘડાણીમાં રહેતા ૬પ વર્ષિય જયંતીભાઈ રામજીભાઈ હંસોરાએ પોતાના ઘરે આડી પર રસ્સો બાંધી આપઘાત કરી લીધો હતો. હતભાગીના પત્ની અને પુત્ર માનસીક બીમાર હોવાથી તેની દવા ચાલુ હતી. પત્ની-પુત્રની સારવારથી કંટાળી વૃધ્ધે આપઘાત કર્યો હોવાનું માનવામાં આવે છે.