ક્રાઈમ કોર્નર

કિડાણાના યુવાને કર્યો અકળ આપઘાત

ગાંધીધામ : તાલુકાના કિડાણામાં યુવાને ગળે ફાંસો ખાઈને અકળ આપઘાત કર્યો હતો. શ્રીરામ સોસાયટીમાં રહેતા વિપુલ હરેશભાઈ પરમાર (ઉ.વ.ર૦)એ લાઈટના થાંભલામાં અગાઉથી બાંધેલી એક દોરી સાથે બીજી દોરી જોડીને ગળે ફાંસો ખાધો હતો. હતભાગીએ કયાં કારણોસર આ આત્માઘાતી પગલું ભર્યું તે જાણવા મળ્યું નથી. પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ભારતનગરમાં ૬ વર્ષિય બાળક એક્ટીવાથી ટકરાતા થયો ઘાયલ

ગાંધીધામ : અહીંના ભારતનગરમાં રવિન્દ્ર મુળજી સથવારાનો છ વર્ષનો પુત્ર આયુષ તા.૩/૪ના સાંજે ઘરથી બહાર નીકળી ગયો હતો અને ત્યારે એક્ટીવાથી પસાર થઈ રહેલ કૈલાસનગર-રમાં રહેતો જયંતિભાઈ સથવારાએ આયુષને ટક્કર મારતા આયુષને જમણા પગમાં ફ્રેકચર સહિત અન્ય ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત આયુષને હોસ્પિટમાં ખસેડાયો હતો. અકસ્માત સર્જક સમાજનો જ હોવાથી સમાધાન કરવાની કોશિષ કરી પણ સમજાવટ ન થતા આ ઘટના અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

રાપરમાં યુવાન પર ચપ્પુથી હુમલો કરનાર ૩ સામે ગુનો

રાપર : અહીંના બસ સ્ટેશન વિસ્તારમાં ભાઈ સાથે સંબંધ રાખવા બાબતે ૩ શખ્સોએ ચપ્પુ અને લોખંડના વજનીયા વડે બે યુવાનો પર હુમલો કર્યો હતો. બનાવ અંગે નાગજી સામભાઈ રાકાણીને બસ સ્ટેશન પાસે રામજી કાલુ મહાલીયાએ રોકીને તુ મારાભાઈ સાથે કેમ ફરે છે તેવું કહીને મારમાર્યો હતો. રામજી સાથે દિનેશ તરશી સાયા કોલી અને રાજેશ કાલુ મહાલિયાએ પણ હુમલો કર્યો હતો.

ભુજમાં તીનપત્તીનો જુગાર રમતી મહિલા ત્રિપુટી જબ્બે

ભુજ : શહેરના ગણેશનગરમાં રામદેવપીરના મંદિર પાસેની ટેકરી ઉપર તીનપત્તીનો જુગાર રમતી ૩ મહિલાઓને પોલીસે ઝડપી પાડી હતી. બનાવને પગલે પોલીસે જયાબેન કિરીટભાઈ ગોસ્વામી, મંજુબેન ઉર્ફે ક્રિષ્નાબેન અરવિંદ બારોટ, લીલાબેન જયસીંગ સરદારની રોકડ રૂા.ર૩૦૦ તેમજ પ હજારના એક મોબાઈલ સાથે ધરપકડ કરાઈ હતી.

રતનાલમાં યુવાનને જાતિ અપમાનીત કરી માર મરાયો

અંજાર : તાલુકાના રતનાલમાં યુવાનને જાતિ અપમાનિત કરીને લાકડી વડે માર મારવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી હરેશ જુમા મહેશ્વરીએ આરોપી શામજી ઉર્ફે ભજન વિરૂધ્ધ અગાઉના ઝઘડા બાબતના મનદુઃખે જાતિ અપમાનિત કરી મારમાર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.