મેઘપરના તળાવમાં ડૂબી જવાથી બાર વર્ષના બાળકનું મોત

ભુજ : ભુજ તાલુકાના ખાવડા મધ્યે મેઘપર – લુડિયા ગામ વચ્ચે આવેલ તળાવમાં માલધારી બાળક ડૂબી જતા મોત નીપજ્યું હતું. મેતાભાઈ ધુવાનો પુત્ર રાજા મેતાભાઈ ધુવા (મારવાડા) (ઉ.વ.૧ર) તથા તેના ૮ વર્ષિય કાકાઈ ભાઈ સાથે સવારે ગામની પાછળ આવેલ તળાવમાં ભેસોને લઈને ગયા હતા. જ્યાં હતભાગી બાળક રાજા તળાવમાં ગરકાવ થઈ ગયો હતો. પરિવારજનોએ શોધખોળ કરતા અંતે તળાવમાંથી બાળકની લાશ મળી હતી.

અંજારમાંથી દારૂ પકડાયો

અંજાર : અંજારના યોગેશ્વરનગર ચાર રસ્તા પાસે એક કારમાંથી પોલીસે રૂા.રપ,૪૪૦ના દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. અંજારની સ્થાનિક પોલીસ યોગેશ્વર ચોકડી પાસે વાહન ચેકીંગમાં હતી ત્યારે બાતમીના આધારે ભચાઉ તરફથી આવતી કાર નંબર જીજે. ૧ર. સીપી. ૦૪પ૭ની ચેકીંગ કરતા કારમાં સવાર નાની ખેડોઈના ધનરાજસિંહ નાનુભા જાડેજાને પકડી તેની કારમાં ૬૦ બોટલ દારૂ તથા બિયરના ર૪ ટીન એમ કુલ રૂા.રપ,૪૪૦ને જથ્થો તથા કાર અને મોબાઈલ મળી કુલ પ,૩૦,૯૪૦નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તેમજ ભચાઉના સમરથસિંહને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નારાણપરની યુવતીનું અપહરણ

ભુજ : ભુજ તાલુકાના નારાણપર ગામે યુવતીનું અપહરણ કરવામાં આવતા આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. યુવતીની માતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર તેમની ૧૮ વર્ષની પુત્રીને નારાણપર ગામમાં જ રહેતા સમીર લતીફભાઈ ચાકી નામના યુવકે લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હતો. પોલીસે બનાવની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

કંડલાથી નીકળેલું કાચુ લોખંડ કંપનીમાં ન પહોંચતા રૂા.ર,૭પ,૩૦૦ની છેતરપિંડી

ગાંધીધામ : કંડલા બંદરથી નીકળેલું રૂપિયા ર,૭પ,૩૦૦નું કાચુ લોખંડ કંપનીમાં ન પહોંચતા ટ્રક ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરાઈ છે. ગાંધીધામની જય અંબિકા ટ્રાન્સપોર્ટના કર્મચારી એવા જયેન્દ્રસિંહ ભૂપતસિંહ જાડેજાએ ટ્રક ચાલક મહેશ રામજી જરૂ વિરૂધ્ધ કંડલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ટ્રાન્સપોર્ટ કંપનીને વરસામેડીની વેલસ્પન કંપનીએ એક ઠેકો આપ્યો હતો. જે અંતર્ગત કંડલાના દીનદયાળ બંદરથી કાચુ લોખંડ ઉપાડી આ કંપનીમાં પહોંચાડવાનું હતું. ટ્રાન્સપોર્ટ પેઢીએ ટ્રક નંબર જીજે. ૧ર. એઝેડ. ૯૩૭૭ના ચાલક મહેશ જરૂને કંડલા મોકલાવ્યો હતો. જે રૂા.ર,૭પ,૩૦૦નું કાચુ લોખંડ વેલસ્પન કંપનીમાં ન પહોંચતા ટ્રક ચાલક સામે ફોજદારી નોંધાવી હતી.