મનફરામાં બાઈક કેનાલમાં ખાબકતા મહિલાનું મોત

ભચાઉ : તાલુકાના મનફરા નજીક બાઈક સ્લીપ થઈને નર્મદા કેનાલમાં ખાબકતા દંપતિ પૈકી મહિલાનું મોત નીપજ્યું હતું. કડોલ ગામે રહેતા મહેશભાઈ ઢીલા તેમના પત્ની નિતાબેન ઢીલા સાથે મનફરાથી કડોલ તરફ બાઈકમાં આવતા હતા ત્યારે બાઈક સ્લીપ થતા દંપતિ સહિત બાઈક કેનાલમાં ઘરકાવ થઈ ગયું હતું. જેમાં પતિ મહેશભાઈને સહારો મળી જતા બચાવ થયો હતો, પરંતુ નિતાબેન ઢીલા પાણીમાં ઘરકામ થઈ ગયા હતા. ગ્રામજનોની શોધખોળ બાદ તેમનો મૃતદેહ મળ્યો હતો. બનાવને પગલે ભચાઉ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ભુજના યુવાનને એએમડબ્લ્યુ કંપની પાસે એક શખ્સે માર્યો માર

ભુજ : શહેરના દાદુપીર રોડ પર રહેતો યુવાન કનૈયાબેથી ભુજ આવતો હતો. તે દરમિયાન એએમડબ્લ્યુ કંપની નજીક એક શખ્સે મારમાર્યો હતો. મળતી વિગતો મુજબ અનવરશા હાજીશા શેખડાડા જે કનૈયાબેના કરીમશાએ માર મારતા ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે ભુજની જી.કે.માં ખસેડાયો હતો.

ગાંધીધામમાં અજ્ઞાત વાહન હડફેટે યુવાનનું મોત

ગાંધીધામ : અહીંના રેલવે સ્ટેશનના બ્રીજ સામે પૂરપાટ દોડતા અજ્ઞાત વાહને આધેડને હડફેટમાં લેતા મોત નીપજ્યું હતું. બનાવને પગલે કાર્ગો ઝુંપડપટ્ટીના યાદવનગરમાં રહેતા ૩૧ વર્ષિય રમેશ સોમાભાઈ પરમારે ફરિયાદ નોંધાવી હતી. તેમના ૪પ વર્ષિય મોટાભાઈ પ્રવીણ ઉર્ફે પારસ પરમાર અમદાવાદથી પરત ફર્યા હતા અને ગાંધીધામથી કંડલા તરફ ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજ્ઞાત વાહને તેમને હડફેટમાં લેતા મોત નીપજ્યું હતું.

મોખા ટોલ પ્લાઝાની લાઈનમાં વાહનને ટક્કર મરાતા નુકશાન

મુંદરા : તાલુકાના મોખા ટોલનાકાની લાઈનમાં સાઉન્ડ સિસ્ટમના વાહનને રીવર્સ આવતી ટ્રકે ટક્કર મારતા નુકશાન થયું હતું. શિકરપુરથી લગ્ન પૂર્ણ કરીને મુંદરા પરત આવતા સાઉન્ડ સિસ્ટમના વાહનનો અસ્કમાત થયો હતો. માંડવીના કોજાચોરામાં રહેતા જગદીશભાઈ સંઘાર દ્વારા ટોલબુથની લાઈનમાં ઉભેલી ટ્રક નં. જીજે. ૧ર. ઝેડ. ર૮૩૪ના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. ટ્રકે અચાનક રિવર્સ લઈને વાહનને ટક્કર મારતા નુકશાની થઈ હતી.

ભચાઉના આધેડનું ટ્રેનમાંથી પડી જવાથી મોત

ભચાઉ : તાલુકાના વોંધ નજીક ભચાઉના આધેડનો
મૃતદેહ મળી આવ્યો હતો. બનાવને પગલે ભચાઉ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે ધસી ગઈ હતી. હતભાગીની તપાસ કરતા ભચાઉમાં રહેતા પ૦ વર્ષિય મહેન્દ્રભાઈ દાનાભાઈ મોર (પટેલ)નો મૃતદેહ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં હતભાગી સયાજીનગરી ટ્રેનમાંથી પડી જતા મોતને ભેટ્યા હતા. હતભાગીના મૃતદેહને પોલીસે પીએમ માટે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.

ભુજમાં પિતાએ ઠપકો આપતા સગીરાએ ગળે ફાંસો ખાધો

ભુજ : શહેરની કંસારા બજાર નજીક રવાણી ફળિયામાં રહેતી ૧૭ વર્ષિય સગીરાને તેના પિતાએ ઠપકો આપતા મનમાં લાગી આવતા ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ખુશી ભાવિનભાઈ બુધ્ધભટ્ટી (ઉ.વ.૧૭)એ પોતાના ઘેર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. હતભાગીને કોઈક બાબતે પિતાએ ઠપકો આપતા પગલું ભર્યું હતું. બનાવને પગલે પરિવારજનોમાં શોક ફેલાયો છે. તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.