ક્રાઈમ કોર્નર

ભુજોડીની દુકાનમાં ૩૪ હજારનું ખાતર પાડતા તસ્કરો

ભુજ : તાલુકાના ભુજોડી ગામે શારદા એમ્પોરીયમ નામની દુકાનના તાળા તોડીને ૩૩,પ૦૦ની માલમતા ચોરાઈ હતી. બનાવ અંગે વેપારી દિલીપકુમાર મહેશકુમાર (ઉ.વ.૩૧)એ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદીની દુકાનનું તાળુ તોડીને અજાણ્યા તસ્કરોએ રોકડા રૂા.પ હજાર, ચાંદીની ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ, ૬ હજારના ડીવીઆર અને હાર્ડડીસ્ક તેમજ ટીવી, ગંજી સિલ્કના ૭ નંગ દુપટ્ટા મળીને કુલ ૩૩,પ૦૦ની ચોરી કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અંજારના બુઢારમોરામાં મહિલાની છેડતી કરાતા ફરિયાદ

અંજાર : તાલુકાના બુઢારમોરા ગામે મહિલાની એકલતાનો લાભ લઈને છેડતી કરવામાં આવી હતી અને જાતિ અપમાનિત કરીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. બનાવને પગલે દુધઈ પોલીસ મથકે ભોગગ્રસ્ત મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ મહિલા પોતાની પ વર્ષિય પુત્રી સાથે વાડીએ એકલી હતી ત્યારે ફતેહવાંઢ બુઢારમોરામાં રહેતા ફારૂક અજીમ નોડે આવ્યો હતો અને શેઠના નંબર માંગ્યા હતા. જે ન હોવાની મહિલાએ ના પાડતા જાતિ અપમાનિત કરીને એકલતાનો લાભ લઈ હાથ પકડીને અભદ્ર માંગણી કરતા મહિલાએ રાડારાડ કરી હતી. જેથી આરોપી નાશી ગયો હતો.

આદિપુરમાં ધાણીપાસા ફેંકી કિસ્મત અજમાવતા ૩ ઝડપાયા

ગાંધીધામ : આદિપુરના નવવાળી વિસ્તારમાં ધાણીપાસાનો જુગાર ખેલતી ત્રિપુટીને પોલીસે રૂા.ર૧,પ૦૦ની રોકડ સાથે દબોચી હતી. આદિપુર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નવવાળી વિસ્તારમાં અંબે માતાજીના મંદિર પાસે ચોકમાં દરોડો પાડ્યો હતો. જેમાં રાજેશભાઈ લીલાધરભાઈ ભાવસાર, રાકેશભાઈ ઓમપ્રકાશભાઈ કંડારા અને રાજુભાઈ ગંગારામભાઈ ભીલની ધરપકડ કરાઈ હતી.

ચીરઈમાંથી ૬ મહિના પૂર્વે ઝડપાયેલા બાયોડિઝલ મામલે ર સામે ફરિયાદ

ભચાઉ : તાલુકાના નાની ચીરઈ નજીકથી એક વાડામાંથી આકસ્મિક ચકાસણીમાં બાયોડિઝલ ઝડપાયું હતું. જેનો ફોરેન્સિક રીપોર્ટ આવ્યા બાદ ભચાઉ મામલતદારે બે વિરૂધ્ધ ફોજદારી નોંધાવી છે. મીત રોડવેઝના મેનેજર મહિપાલ કસબદાન ગઢવી અને માલિક જગદીશભાઈ નારાણભાઈ ગઢવી વિરૂધ્ધ વિધિવત ગુનો નોંધાયો છે.

અંજાર પોલીસે પ શંકાસ્પદ સાયકલ પકડી

અંજાર : અહીંની પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરના કબ્જામાંથી પાંચ શંકાસ્પદ સાયકલો કબ્જે કરી હતી. પોલીસે જૂની કોર્ટ પાછળ મસ્જિદ પાસેથી લીલા રંગની સાયકલ લઈને આવતા કિશોરની પૂછતાછ કરતા તે સંતોષકારક જવાબ આપી શકયો ન હતો. બાદમાં તેના ઘરના પાછળના ભાગે બાવળની ઝાડી પાસેથી અન્ય ૪ ચોરીની મનાતી સાયકલ મળીને કુલ પાંચ સાયકલ કબ્જે કરાઈ હતી.

નિરોણા નજીક કંપનીમાંથી કેબલ ચોરનાર જબ્બે

નખત્રાણા : તાલુકાના પાવરપટ્ટી વિસ્તારમાં નિરોણા નજીક પાવરગ્રીડ કંપનીના રૂા.૧.૭૦ લાખના કેબલની ચોરી થઈ હતી. આ એલ્યુમિનિયમના વાયર ચોરનારી ટોળકી કાયદાના સકંજામાં આવી છે. ભુજ બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ વાયરો સાથે ભુજના જયંતી ધુળાભાઈ વાઘેલા અને જયસુખ ધુળાભાઈ વાઘેલાની ધરપકડ કરી હતી. બન્નેની પૂછતાછમાં એવી વિગતો ખુલ્લી હતી કે, કંપનીના ઠેકેદાર મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ નિરોણામાં રહેતા અતર હુશેન મોઈશેખ પાસેથી તેઓએ વાયર ખરીદયા હતા.

ર૦ દિવસ પૂર્વે પરણેલી મહિલાનો નરેડીમાં માવતરે આપઘાત

નલિયા : અબડાસાના નરેડી ગામની ૩૦ વર્ષિય લક્ષ્મીબેન રમેશભાઈ સીજુ નામની મહિલાના ર૦ દિવસ પૂર્વે લખપતના ભાડરામાં લગ્ન થયા હતા. હોળી-ધુળેટીના પ્રસંગે માવતરમાં આવેલી પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. રાત્રી દરમિયાન માતા-પિતા સૂતા હતા ત્યારે હતભાગી મહિલાએ પોતાના ઘરની બાજુમાં ખાલી મકાનમાં જઈને લાકડાની આડી સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કર્યો હતો. બનાવને પગલે નલિયા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.