માધાપરમાંથી રૂપિયા એક લાખની માલમતાની ચોરી

ભુજ : ભુજ તાલુકાના માધાપર ગામે યક્ષ મંદિર સામેની જોગીવાસમાં રહેતા શ્રમજીવી પરિવારના ઘરમાં ઘૂસીને તસ્કરોએ રૂા.એક લાખની ચોરી કરી હતી. મેળા અને અન્ય પ્રસંગોમાં મનોરંજક સાધનો લગાડવાનો વ્યવસાય કરતા પરિવારના સુશીલાબેન ભદ્રેશભાઈ શાહે લખાવેલી ફરિયાદ મુજબ તસ્કરોએ કબાટમાં સોનાની બુટી, પેન્ડલ સાથેનું ચેઈન તથા રોકડા રૂા.૩૦ હજાર સહિત એક લાખ રૂપિયાની માલમતા ઉઠાવી ગયા હતા. ભુજ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મુંદરામાં ગુટખાની કેબિનમાં દારૂ વેચતા બે શખ્સો પકડાયા

મુંદરા : મુંદરાના જીઆઈડીસી વિસ્તારમાં ગુટખાની કેબિનમાંથી દારૂ વેચતા બે શખ્સો પકડાયા હતા. એલસીબીની ટીમ મુંદરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે જીઆઈડીસી વિસ્તારમાં ગોડાઉન નંબર ૩૦ અને ૩૧ વચ્ચે આવેલી બાપા સીતારામ નામની કેબિનમાં ચંદ્રસિંહ મેઘુભા જાડેજા અને રામસંગજી ઉર્ફે રાજુભા જીલુભા સોઢા ગુટખાની આડમાં દેશી-વિદેશી દારૂ રાખી વેચાણ કરતા એલસીબીએ દરોડો પાડીને રૂા.રરપ૦ની કિંમતની દારૂની બોટલ નંગ ૬, રૂા.પ૬૦ની દેશી દારૂની થેલી સાથે ચંદ્રસિંહ જાડેજા અને રાજુભા સોઢાને પકડી ત્રણ મોબાઈલ અને રૂા.૧૪પ૦ રોકડા મળી રૂા.૭ર૬૦ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, આ દારૂ આપી જનાર પ્રતાપસિંહ લખુભા જાડેજા હાજર મળ્યો ન હતો.

સામખિયાળીમાં જુગાર રમતી ચાર મહિલા ઝડપાઈ

ભચાઉ : સામખિયાળીમાં જુગાર રમતી ચાર મહિલા રૂા.૧૬,૮૦૦ની રોકડ સાથે ઝડપાઈ હતી. પોલીસને મળેલી બાતમીના આધારે શાંતિનગર પ્લોટ વિસ્તારમાં જેસા પુના કોલીના મકાનમાં ખુલ્લા આંગણામાં અમુક મહિલાઓ જાહેરમાં જુગાર રમી રહી છે જે અનુસંધાને પોલીસે દરોડો પાડીને મુરીબેન રામાભાઈ કોલી, નૂરબાઈ આમદભાઈ રાઉમા, ગીતાબેન જેસાભાઈ કોલી તથા નિયામતબેન કરીમભાઈ રાઉમાને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂા.૧૬,૮૦૦ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આદિપુરમાં વહેમના કારણે માર મારવામાં આવ્યો

આદિપુર : આદિપુરમાં પુત્રી પાડોશી યુવાન સાથે ભાગી લઈ હોવાનો વહેમ રાખીને બે શખ્સોએ યુવતી સહિત ચાર લોકોને મારમાર્યો હતો. આદિપુર ૧/એમાં રહેતા મનોજપુરી હિલારામપુરી ગોસ્વામીની ફરિયાદ મુજબ તેમના પડોશમાં રહેતા મહેન્દ્ર રાવલ અને સંજય જોષી ફરિયાદીના ઘરે આવ્યા હતા અને મારી બહેન અને તારો ભાઈ કયાં છે તેવું કહીને લાકડાના ક્રિકેટ રમવાના સ્ટમ્પ વડે માર માર્યો હતો. આ વચ્ચે ફરિયાદીની બહેન વચ્ચે પડતા આરોપીઓએ તેને પર ધક્કો માર્યો હતો. ઉપરાંત ફરિયાદીના મામાના દિકરા તથા પિતાજીને પણ માર મારવામાં આવ્યો હતો.

ગાંધીધામ આઝાદનગરમાંથી પાંચ જુગારી પકડાયા

ગાંધીધામ : ગાંધીધામ શહરેના કાર્ગો આઝાદનગર વિસ્તારમાં જુગાર કલબનો પર્દાફાશ કરી પોલીસે પાંચ જુગારીઓને રૂા.૩૦,૧ર૦ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. શહેરના આઝાદનગરમાં રહેતો રાજુ નોંધા પરમાર બહારથી ખેલીઓને બોલાવીને તેમને પોતાના મકાનમાં જુગાર રમાડી નાણા ઉઘરાવતો હોવાની બાતમીના આધારે પોલીસે છાપો મારીને મકાનમાં જુગાર રમવાના આરોપસર રાજુ નોંધા પરમાર, અરવિંદ રતા ધવડ, ખોડા નાથા સોલંકી, અરજણ જેસંગ ઘેડા અને જગદીશ ચોકીનને પોલીસે પકડી પાડ્યા હતા. આ ખેલીઓ પાસેથી રોકડ રૂા.૩૦,૧ર૦ તથા પાંચ મોબાઈલ અને બે બાઈક એમ કુલ રૂા.૧,૪પ,૬ર૦નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.