ક્રાઇમે કોર્નર

નખત્રાણાના વંગમાંથી ગુમસુદા યુવાનનો મૃતદેહ મળ્યો

નખત્રાણા : તાલુકાના વંગમાં રહેતો યુવાન રવિવારે ગુમ થયા બાદ ગામના ભાગોળેથી બેઠેલી હાલતમાં તેનો મૃતદેહ મળ્યો હતો. મમુભાઈ ખીમાભાઈ મહેશ્વરી (ઉ.વ.૩પ) નામનો યુવાન રવિવારે કોઈને કહ્યા વગર ઘરેથી ચાલ્યો ગયો હતો. બાદમાં ગામની ભાગોળેથી બાવળના ઝાડની ટેકે બેઠેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવને પગલે તેનું મૃત્યુ કુદરતી રીતે થયું છે કે આપઘાત કર્યોછે કે પછી હત્યા કરાઈ છે તે સ્પષ્ટ થયું નથી. નખત્રાણા પોલીસે બનાવને પગલે તપાસ હાથ ધરી છે.

ભુજોડી ફાટક પાસે પાર્ક કરેલા ટેમ્પોને ટ્રકે મારી ટક્કર

ભુજ : તાલુકાના ભુજોડી નજીક રેલવે ફાટક પાસે ઉભેલા ટેમ્પોને ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. ચાયની હોટલ પાસે ટેમ્પો ચાલકે વાહન પાર્ક કર્યું હતું અને ચાય પીવા ગયો હતો. દરમ્યાન ટ્રકે ટેમ્પોને ટક્કર મારી ર૦૦ મીટર સુધી ટેમ્પો ઢસડ્યો હતો. સદ્દનસીબેન બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

માધાપરમાં યુવાનને મારી મારી રિક્ષાની ચલાવાઈ લૂંટ

ભુજ : ભાડા પર રિક્ષા ચલાવતા યુવાનને માધાપર લઈ જઈને ભાડુ ન આપી માર મારીને રિક્ષા લઈ ફરાર થઈ ગયેલા શખ્સ સામે ગુનો નોંધાયો હતો. ફરિયાદી શૈલેષ બાબુભાઈ રાઠોડે વિજય સોરઠિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ રિક્ષાનું ભાડુ નહીં આપીને માધાપર પોતાના ઘરે લઈ ગયો હતો અને ચાલકને માર મારી રિક્ષા ઝૂંટવી લીધી હતી.

કિડાણામાં ઝઘડાના મનદુઃખે હુમલો કરીને લૂંટ ચલાવાઈ

ગાંધીધામ : તાલુકાના કિડાણામાં અગાઉના ઝઘડાના મનદુઃખે ચાર શખ્સોએ ૩ મહિલા સહિત ૪ જણ પર હુમલો કરીને રૂા.૬૦ હજારની પોંચીની લૂંટ કરી હતી. ફરિયાદી જાસ્મિનબેન ઉસ્માન ચાવવડાના જણાવ્યા મુજબ જૂના ઝઘડાના મનદુઃખ રાખીને ફિરોજ હુસેન મમણ, હુસેન ઓસમાણ મમણ, બિલાલ હાજી મમણ અને આમદ ઉર્ફે ચરશી નામના શખ્સોએ તેમના ઘરમાં ઘૂસી ફરિયાદી અને સાહેદો પર હુમલો કરીને લૂંટ ચલાવી હતી.