ક્રાઇમે કોર્નર

મુંદરા એમઆઈસીટીમાં ટ્રેલર હડફેટે યુવાનનું મોત

મુંદરા ઃ અહીંના એમઆઈસીટી ટર્મિનલ ખાતે ટ્રેલર રીવર્સમાં લેતા કામદાર યુવાન હેડફેટમાં આવી જતા મોત નીપજ્યું હતું. અકસ્માતમાં મૂળ ઝારખંડના વતની સામેલ જાગરણ મુંડાનનું મોત નીપજ્યું હતું. મૃતકના પિતરાઈ ભાઈ કરમા ટુરચુ મુંડાએ ફરિયાદ નોંધાવતા મુંદરા પોલીસે નાશી છુટેલા ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અંજારમાં ઘરની બારીમાંથી ૪ મોબાઈલ ચોરાયા

અંજાર ઃ અહીંના પ્રજાપતિ છાત્રાલય નજીક આવેલા એક ઘરમાંથી નિશાચરોએ ૧૧ હજારના ૪ મોબાઈલની તસ્કરી કરી હતી. બનાવને પગલે મેહુલ અમૃતલાલ સોનીએ ફરિયાદ નોંધાવી હતી. તસ્કરો ઘરની દિવાલ કૂદી અંદર ઘૂસીને બારીમાં રખાયેલા મોબાઈલ ઉપાડી ગયા હતા.

મુંદરા અને તાલુકાના પત્રીમાં આંકડાના જુગાર પર દરોડો

મુંદરા ઃ આંકડાના જુગાર પર પોલીસે લાલ આંખ કરીને એલસીબીએ પત્રીમાં અને સ્થાનિક પોલીસે મુંદરામાં દરોડો પાડ્યો હતો. પત્રીમાં શિવમ હોટલની પાછળ બાવળની ઝાડીમાં આંકડાનું બુકિંગ લેતા દીપક નારાણ આહિરને ૧ર,ર૪૦ની રોકડ સાથે ૩ હજારના મોબાઈલ સહિત ઝડપી પાડ્યો હતો. જ્યારે સહ આરોપી મહિપતસિંહ હાથ લાગ્યો ન હતો. તો મુંદરા પોલીસે તુફાન જીપના સ્ટેન્ડ પાસે દરોડો પાડીને અનવર જુસબ જુણેજાને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ર૬૩૦ની રોકડ અને સાહિત્ય કબ્જે કરી આગળની તપાસ હાથ ધરાઈ છે.

સામખિયાળી હાઈવે હોટલ પાછળથી દારૂ સાથે એક જબ્બે

ભચાઉ ઃ તાલુકાના સામખિયાળી-મોરબી હાઈવે પર ચૌધરી વીર તેજાજી હોટલ પાછળ બાવળની ઝાડીમાં પોલીસે દરોડો પાડીને ૩૮,૦પ૦ના શરાબ સાથે હિતેશ કિસ્તુરારામ ચૌધરીની ધરપકડ કરી હતી. બનાવમાં પોલીસે ૪પ બોટલ અને ર૧૪ કવાર્ટરીયા કબ્જે કરી આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગાંધીધામમાંથી ચોરાયેલી બે બાઈકના કેસમાં બે શખ્સો ઝડપાયા

અંજાર ઃ દુધઈ પોલીસે ભચાઉના સુખપર નજીકથી બે શખ્સોને બાઈક સાથે ઝડપી પાડ્યા હતા. ગાંધીધામના વિજય અનિલ ક્રિષ્નારામ ચૌધરી અને ભરતવન ભીખાવન ગોસ્વામી નામના બે શખ્સોને ઝડપી પાડી વાહનોના આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શકયા ન હતા અને બાઈકોની ચોરી કરી હોવાની કેફીયત આપી હતી.

ભાવનગરમાં અપહરણ કેસનો ભાગેડુ ઝડપાયો

ભુજ ઃ ભાવનગરના ધોઘા પોલીસ મથકમાં અપહરણના કેસમાં વોન્ટેડ આરોપી માંડવીના તલવાણામાંથી ઝડપાયો હતો. આ ગામનો શખ્સ મયૂર જયંતીલાલ પરમાર પોતાના ઘેર હોવાની બાતમી મળતા પ.કચ્છ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો.

રાપરના વજેપરમાંથી બે લાખેણી ભેંસ ચોરાઈ

રાપર ઃ તાલુકાના વજેપર ગામે વાડીમાંથી અજાણ્યા તસ્કરોએ બે ભેંસોની ચોરી કરી હતી. બનાવને પગલે પશુપાલક એવા પ૦ વર્ષિય કાનજીભાઈ ધનજી પટેલે ફરિયાદ નોંધાવી હતી. તેઓની હરાડી વાડીમાં બનાવેલ ઓરડીમાં બે ભેંસોની સંભાળ રખાતી હતી. રખેવાડ મંગાભાઈ જીવાભાઈ રબારી સૂઈ ગયા બાદ રાત્રી દરમિયાન બે ભેંસો કોઈ છોડીને લઈ ગયું હતું.

મીઠીરોહરમાં ટ્રકની પાછળ બાઈક અથડાતા એકનું મોત

ગાંધીધામ ઃ તાલુકાના મીઠીરોહર પાસે ટ્રકની પાછળ બાઈક ભટકાતા ચાલકનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ર૩ વર્ષિય તુજામ્મીલ મીઆ મોચહુર મિયાહે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ભાઈ બાઈક લઈને જતા હતા. આગળ જતી ટ્રકે અચાનક બ્રેક મારતા બાઈક તેની પાછળ ભટકાતા ફરિયાદીના ભાઈ મોજામ્મેલ રહેમાનનું મોત નીપજ્યું હતું.