ક્રાઇમે કોર્નર

પાલારા જેલના કેદીનું કોરોનાથી મોત

ભુજ : અહીંથી ખાસ પાલારા જેલમાં છેલ્લા રપ વર્ષથી હત્યાના ગુનામાં આજીવન કારાવાસની સજા ભોગવતા રાપરના સુઈ ગામના ૬૮ વર્ષિય બાબુભાઈ રવાભા કોલીનું કોરોનાથી મોત નિપજ્યું હતું. તેઓને જી.કે. જનરલના કોવિડ વોર્ડમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે બી-ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ગાંધીધામમાં કાર ખરીદવાના નામે પાંચ લાખની એક્સયુવી ચોરાઈ

ગાંધીધામ : શહેરમાં ફરી એક વખત કાર ખરીદવાના નામે વાહન ચોરીનો કિસ્સો પોલીસ ચોપડે દર્જ થયો છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસમાં ભાવિનભાઈ ઈશ્વરલાલ ઠક્કરે ફરિયાદ નોંધાવતા કહ્યું કે, ગત ૧૭/પના આદિપુરથી બન્ટી મગનાનીનો ફોન આવ્યો અને કહ્યું કે, તમે જે મહિન્દ્રા એક્સયુવી કાર વેંચવા મુકી છે તે મારી લેવી છે તેવું કહીં ફરિયાદીને લીલાશા નગરમાં વરૂનીશા કોમ્પ્લેક્સ પાસે બોલાવ્યા હતા. ફરિયાદી ત્યાં પહોંચતા કાર ગેરેજમાં દેખાડી આવું તમે બેસો તેવું કહીને આરોપી કાર લઈને નીકળી ગયો હતો. થોડીવારમાં ઓફિસ બેઠેલા માણસોએ ઓફિસ બંધ કરવી છે તેવું કહી ફરિયાદીને બહાર બેસાડ્યા હતા. અડધો કલાક ઊભાડ્યા બાદ આરોપી ન આવ્યો અને તેનો ફોન પણ સ્વિચઓફ આવ્યો આદિપુર સ્થિત તેના ઘરે પણ તાળુ જોવા મળ્યું, પરિણામે પોતે ઠગાઈનું શિકાર બન્યાનું જણાઈ આવતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

વરાડિયામાં જુગાર રમતા ૧૦ પકડાયા

ભુજ : અબડાસા તાલુકાના વરાડિયા ગામે કોઠારા પોલીસે જુગાર રમતા ૧૦ ખેલીઓને રોકડા રૂા.ર૩પ૩૦, ર૧ હજારના ૮ મોબાઈલ અને ૭૦ હજારની ૬ બાઈક મળી કુલ રૂા.૧.૧૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ કાર્યવાહીમાં ઉમર મંધરા, અબ્દુલ્લા સિધિક મંધરા, તાલબ અલીમામદ હાલેપોત્રા, પુંજાજી કાળુભા સોઢા, અનવર હસણ મોગલ, કાનજી સામજી આહિર, આમખ હસણ સરખી, અભુભખર સુલેમાન ગજણ, હુસેન જુસબ નોડે, જાકબ હારૂન સુમરાની ધરપકડ કરાઈ હતી.

વાંકીની વાડીમાંથી કેબલ ચોરનારા ભુજના બે શખ્સો ઝડપાયા

ભુજ : મુન્દ્રા તાલુકાના વાંકી ગામની સીમમાં આવેલ ખેંગાર સાગર ડેમની પાછળ મજાભાઈ કરશનભાઈ ચાવડા, શંભુભાઈ બુધાભાઈ ચાવડા અને જિજ્ઞેશભાઈ મણીલાલ ઘરોડની વાડીમાં આવેલ કૂવામાંથી અજાણ્યા શખ્સો મોટરમાં લગાવેલ ૧૬પ મીટર કેબલ વાયર કિંમત રૂા.૧૬,પ૦૦ની ચોરી કરી ગયા હતા. વાડી માલિકોને ઘટનાની જાણ થતા તેઓએ બે શખ્સોનો પીછો કરી ઝડપી લીધા હતા. જેઓએ પોતાના નામ અમીન કાસમ નોડે અને સુલતાન મીઠુ સના (રહે. ભુજ) હોવાનું જણાવતા બન્નેને મુન્દ્રા પોલીસને સોંપાયા હતા.

ભુજીયા રિંગરોડ પર યુવકને લૂંટનારા વધુ ચાર સાગરીતો ઝડપાયા

ભુજ : શહેરના ભુજીયા રિંગરોડ પર પોતાનું વાહન લઈને જતા ફરિયાદી મોહમ્મદ હનીફ લુહારને રસ્તામાં આંતરી અજાણ્યા શખ્સોએ ર૦ હજારના મોબાઈલ અને એક હજાર રોકડની લૂંટ ચલાવી હતી. જે કેસમાં પોલીસે રૂબિનાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જેની પુછતાછમાં આ કેસમાં ફરાર આરોપીઓ મેહૂલ ઉર્ફે લડુ હરેશ ઠાકુર, જાવેદ ઉર્ફે બુઢા મિયાણા, સમીર ઉર્ફે ઈલુ અબ્દુલ સમેજા અને રોઝાન ઉર્ફે ધભનીયા અબ્દુલ શકુર સમેજાની ધરપકડ કરી ધાડમાં ગયેલ ર૦ હજારનો મોબાઈલ અને રોકડા રૂા.૧ હજાર કબજે કરી ગુનાનો ભેદ ઉકેલી લેવાયો છે.