કોવિડની મહામારીનું સંકટ ટળે એ માટેની દુઆ અલ્લાહ પાસે મંગાઈ

કચ્છમાં ઈદ-ઉલ-ફિત્રની સાદાઈથી કરાઈ ઉજવણી : કોવિડની બીજી લહેરના કારણે મોટાભાગના લોકોએ ઘરમાં રહી નમાજ અદા કરી : મુફતિ-એ-કચ્છ તેમજ તેમના પુત્રની અણધારી વિદાયથી મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદ સાદાઈથી ઉજવી

ભુજ : રમઝાનના ૩૦ રોઝા પૂર્ણ થતાં આજે ઈદ-ઉલ-ફિત્રની સર્વત્ર ઉજવણી કરાઈ રહી છે, જો કે કોરોના મહામારીની બીજી ઘાતક લહેરના કારણે રમઝાન ઈદની હર્ષોલ્લાસ ભેર ઉજવણી શકય બની નથી. કચ્છના ગામે ગામ તેમજ શહેરોમાં મુસ્લિમ બિરાદરોએ ઘરમાં રહી ઈદની નમાઝ અદા કરી હતી. તેમજ કોરોનાનું સંકટ ટળે એ માટેની દુઆ ગુજારી હતી. ખાસ તો મુફતિ-એ- કચ્છ અને તેમના પુત્રની અણધારી વિદાયથી તેમના હકકમાં ખાસ દુઆ અને તેમના પરિવારજનોને સબ્રે જમીલ અતા કરે એવી દુઆ ગુજારાઈ હતી.પવિત્ર રમઝાન માસના ૩૦ રોઝા પૂર્ણ થતા ગુરૂવારે સાંજે ચંદ દેખાયો હતો, જે બાદ આજે સમગ્ર કચ્છ જિલ્લામાં રમઝાન ઈદની ઉજવણી કરાઈ છે. ખાસ તો કોવિડ ગાઈડલાઈનના કારણે આ વખતે ઘરે રહીને જ ઈદ નમાજ અદા કરવામાં આવી હતી. હાલમાં કોરોના મહામારી ચાલતી હોય ઈદની મુબારક બાદી સલામ આપી પાઠવાઈ હતી. ભુજમાં મુખ્ય ઈદગાહ હજારો બિરાદરો એકી સાથે ઈદ નમાજ અદા કરતા હોય છે, જો કે કોવિડના કારણે સતત બીજા વર્ષે ઈદના દિવસે ઈદગાહ સૂમસામ જોવા મળી હતી. લોકોએ ટેલિફોનિક માધ્યમથી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. સુન્ની ચાંદ કમિટી કચ્છના પ્રમુખ સૈયદ અહેમદશા બાવાએ કહ્યું કે, રમઝાન ઈદની નમાઝ સૌએ પોત પોતાના ઘરે અદા કરી છે. મસ્જિદમાં માત્ર બેથી ચાર લોકોએ જ ઈદ નમાઝ પઢી હતી. ખાસ તો કોરોનાનું સંકટ દુનિયા પરથી દૂર થાય તે માટે નમાઝમાં અલ્લાહ પાસે દુઆ મંગાઈ હોવાનું ઉમેર્યું હતું.