કોલોરાડોમાં સુપરમાર્કેટમાં બેફામ ગોળીબારઃ પોલીસ અધિકારી સહિત ૧૦નાં મોત

(જી.એન.એસ.)કોલોરાડો,અમેરિકાના કોલોરાડોના બોલ્ડરમાં સુપરમાર્કેટમાં એક શખ્સે અંધાધૂંધ ગોળીબાર કરતા પોલીસ અધિકારી સહિત ૧૦ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. પોલીસે એક સંદિગ્ધની ધરપકડ કરી લીધી છે. જો કે આ શખ્સે ગોળીબાર શા માટે કર્યો તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બોલ્ડર પોલીસે ટ્‌વીટ કરીને ગોળીબારની ઘટના અંગે પુષ્ટી કરી હતી.સોમવારે રાત્રે બનેલી આ ઘટનાથી અમેરિકાનું ગન કલ્ચર ફરી માથાનો દુઃખાવો બની ગયું છે. પોલીસે સુપરમાર્કેટમાંથી એક સંદિગ્ધ શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સને પગમાંથી લોહી નીકળી રહ્યું હતું અને તેણે ફક્ટ શોટ્‌ર્સ પહેરી હતી. પોલીસે ગોળીબારની ઘટના બાદ તેને હથકડી પહેરાવી ધરપકડ કરી લીધી છે. બોલ્ડર પોલીસના જણાવ્યા મુજબ આ ગોળીબારમાં મૃત્યુ પામનાર એક પોલીસ અધિકારી પણ છે. પોલીસ અધિકારીની ઓળખ એરિક ટેલી (૫૧) તરીકે થઈ છે. તે ૨૦૧૦થી બોલ્ડર પોલીસમાં સેવા આપી રહ્યા હતા. તે એક સાત વર્ષના બાળકના પિતા પણ છે. આ દુઃખદ છે કે એરિકે જ સૌપ્રથમ હુમલાખોર સામે બાથ ભીડી હતી અને તેનું કમનસીબે ગોળી વાગતા મોત થયું હતું.બોલ્ડર ડિસ્ટ્રિક્ટ એટર્ની માઈકલ ડોઘર્ટીના જણાવ્યા મુજબ, મૃતકોના પરિવારજનોની ઓળખ કરવામાં આવી રહી છે જેથી હજી સુધી નામ જાહેર કરવામાં નથી આવ્યા. હુમલાખોરે કિંગ્સ સુપર્સ સ્ટોરમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.ગોળીબારની ઘટનાને પગલે ઝડપથી પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી નાકાબંધી કરી દીધી હતી. સ્વોટ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ ત્રણ હેલીકોપ્ટર પણ પહોંચ્યા હતા. સ્ટોરના આગળની બારીનો કેટલોક ભાગ તૂટી ગયો હતો.૪ સુપરમાર્કેટમાંથી એક મહિલા તેના પુત્ર સાથે ખરીદી કરીને બહાર આવ્યા બાદ તેણે જણાવ્યું કે, ધડાકાનો અવાજ સાંભળવા મળ્યો હતો. પાર્કિંગમાં તેમજ સ્ટોર બહાર એક-એક શખ્સને ગોળી વાગતા તેમનું મોત થયું હતું. તેણે તેના દીકરાને નીચે ઝુકી જવા માટે જણાવ્યું હતું. સુપરમાર્કેટમાં ગોળીબાર થતાં અંદર નાસભાગ મચી ગઈ હતી. યુવાનો દ્વારા વૃદ્ધિ લોકોને ઝડપથી બહાર નિકળવામાં મદદ કરી રહ્યા હતા. અંદર ધાણીફૂટ ગોળીબાર થવા લાગ્યો હતો અને જોતજોતામાં ૧૦ લોકોનાં મોત થયા હતા.