કોરોના સંકટઃ ધો. ૧૨ સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા સ્થગિત

(જી.એન.એસ)ગાંધીનગર,રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે ફરી વખત પ્રતિબંધોનો દોર શરુ થયો છે. જેમાંથી એક વર્ષ બાદ શરુ થયેલું શૈક્ષણિક કાર્ય પણ બાકાત નથી. ગઇકાલે રાજ્ય સરકારે આઠ મહાનગરોની શાળા કોલેજોને ૧૦મી એપ્રિલ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદ આજે ફરી રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના આઠ મહાનગરોમાં આગામી સમયમાં શરુ થનારી ધોરણ ૧૨ સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાને સ્થગિત કરવામાં આવી છે. મહાનગરોમાં કોરોનાના વધી રહેલા ફેલાવાના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ૩૦ માર્ચથી ધો.૧૨ સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે કોરોનાને લીધે અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં આ પરીક્ષા સ્થગિત કરાઇ છે.ઉલ્લેખનીય છે કે ગઇકાલે સરકારે આ મહાનગરોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવાના આદેશ આપ્યા હતા. ત્યારે હવે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનવર, ગાંધીનગર અને જૂનાગઢ સહિતના ૮ મુખ્ય શહેરોમાં પ્રેક્ટિકલ પરીક્ષા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. જો કે રાજ્યના બાકીના તમામ શહેરો અને નગરોના કેન્દ્રોમાં રાબેતા મુજબ પરીક્ષા લેવાશે. જ્યાં સ્થગિત થઈ છે ત્યાંના વિદ્યાર્થીઓ માટે ફરી પરીક્ષાનું અયોજન થશે અને ફરી હૉલ ટિકિટ જાહેર કરવામાં આવશે.