કોરોના વાઇરસમાં મ્યુટેશન હોય તો પણ રસી કાર્યક્ષમ

ભુજ મેડી. કોલેજના માઈક્રોબાયોલોજીના પ્રોફેસરે સંશોધનોને ટાંકીને કહ્યું કે, અધિકતમ મ્યુટેશન નિષ્પ્રભાવી

ભુજઃ : છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં પાછો વધારો જાેવા મળી રહ્યો છે. કોરોનાની એક લહેર પછી બીજી લહેર શરૂ થઈ છે અથવા તો થવાની છે. હકીકતમાં વાયરસ હંમેશા પોતાનું સ્વરૂપ બદલતા હોય છે. વૈજ્ઞાનિકો કોરોનાના ઉપર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે. પ્રકૃતિમાં રહેલા દરેક સજીવની જેમ જ વાયરસ પણ સતત અસ્તિત્વ ટકાવવા સંઘર્ષ કરે છે ત્યારે રાહતની વાત એ છે કે, સંશોધકોના માટે હાલ અપાતી રસી અસરકારક છે.
અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગના વડા અને પ્રો. ડો. હિતેશ આસુદાનીએ અત્યારે ભારત સહિત વિશ્વમાં કોરોના, સ્ટ્રેન, મ્યુટેશન અને રસી વિષે ચાલતા સુક્ષ્મ સશોધનને ટાંકીને કહ્યું કે,વાયરસના કેટલાક ભાગમાં મ્યુટેશન થયું હોય તો પણ વેક્સિન સામનો કરે છે. જાે કે, તેમણે ઉમેર્યું કે, સાવચેતી રાખવાની આવશ્યકતા છે.
તેમણે વધુમાં કહ્યું કે, નવા સંશોધન મુજબ નવું સ્ટ્રેન ઝડપથી ફેલાય છે. એ વાત સાચી પણ, નવા વેરીઅંટથી ગભરાવવાની જરૂર નથી કારણ કે, અધિકતમ મ્યુટેશન કોરોના વાઇરસની રોગ જનક ક્ષમતા વધારતા નથી. સાથે સાથે સંશોધનમાં એવું પણ માલૂમ પડ્યું છે અને આશા જાગી છે કે, વાયરસ નબળો પડી રહ્યો છે. ભલે, મ્યુટેશન એ વાઇરસમાં ચાલતી સતત પ્રક્રિયા હોય પણ અધિકતમ મ્યુટેશન બહુ પ્રભાવશાળી હોતા નથી. એટલે જ આપણી પાસે કોરોના વાઇરસ સામે લડવા સૌથી મોટું હથિયાર વેક્સિન છે. રસીકરણની ઝડપ પણ સરકારે વધારી છે. કોરોનાની લડાઈ સાથે મળીને જ જીતી શકાશે. પણ શરત એ છે કે, કોવિડના તમામ નિયમોનું પાલન કરવું પડશે. રસી લીધો હોય તો પણ માંસ્ક, સામાજિક અંતર, સેનેટાઈઝેશન પર લોકોએ ધ્યાન આપવું પડશે. જ્યાં સુધી કોરોનાને દેશવટો ન મળે. હજુ પણ ઘણા લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે. ખરેખર, દરેક નાગરિકે જવાબદાર બનીને વિચારવું જાેઈએ કે, કોરોનાની ચેઇન નિયમોનું પાલન કરીને જ તોડી શકાશે. માસ્ક પણ યોગ્ય રીતે જ પહેરવું જાેઈએ.