સીએચસી – પીએચસી ઉપરાંત હવે પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે રસી આપવાનું શરૂ કરાતા જિલ્લામાં દૈનિક હજારો લોકોને અપાઈ રહ્યા છે રસીના ડોઝ

જિલ્લામાં રસીનો પુરતો જથ્થો ઉપલબ્ધ હોવા ઉપરાંત આરોગ્ય કર્મીઓ પણ છે તૈનાત ત્યારે હવે લોકો પણ સ્વયંભુ રીતે આગળ આવે તે જરૂરી : ડો. જે. ઓ. માઢક (સીડીએચઓ)

(બ્યુરો દ્વારા)ભુજ : વૈશ્વિક મહામારી કોરોનાને પરાસ્ત કરવા માટે દેશભરમાં મહા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યના અન્ય વિસ્તારોની સાથોસાથ કચ્છ જિલ્લામાં પણ આરોગ્ય તંત્ર સજ્જ બન્યું હોઈ રસીકરણ ઝુંબેશનો વ્યાપ સતત વિસ્તરતો જઈ રહ્યો છે ત્યારે કોરોના રસીકરણ માટે કચ્છમાં ગ્રામ્યકક્ષાએ આરોગ્ય ટીમોના ધાડેધાડા ઉતારી દેવાતા જિલ્લામાં દૈનિક હજારો લોકોને રસીના ડોઝ અપાઈ રહ્યા છે. આ બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. ઓ. માઢકે વિગતો આપતા જણાવ્યું કે, સમગ્ર દેશની સાથોસાથ કચ્છ જિલ્લામાં પણ ૧૬ જાન્યુઆરીથી રસીકરણ ઝુંબેશનો પ્રારંભ થયો હતો. પ્રથમ તબક્કે કોરોના વોરિયર્સને રસીના ડોઝ અપાયા બાદ ૧ માર્ચથી આ રસીકરણ ઝુંબેશનો વ્યાપ વિસ્તારી ૬૦ વર્ષ કે તેથી વધુની ઉમંરના તમામ વ્યક્તિઓ તેમજ ૪પ થી પ૯ વર્ષ સુધીના બિમાર વ્યક્તિઓને રસીકરણની કામગીરી હાથ ધરાઈ રહી છે. જિલ્લામાં સીએચસી – પીએચસી ઉપરાંત હવે પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે રસી આપવાનું શરૂ કરાતા જિલ્લામાં દૈનિક હજારો લોકોને રસીના ડોઝ અપાઈ રહ્યા છે. શ્રી માઢકે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં રસીનો પુરતો જથ્થો ઉપલબ્ધ હોવા ઉપરાંત આરોગ્ય કર્મીઓ પણ પુરતી સંખ્યામાં તૈનાત છે. જિલ્લા આરોગ્ય તંત્રના કર્મ્ચારીઓ ર૪ માંથી ૧૮ કલાક કામ કરવા સક્ષમ છે ત્વારેે હવે લોકો પણ સ્વયંભુ રીતે આગળ આવે તે જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, સરહદી ગામોના લોકોમાં રસીકરણ બાબતે જાગૃતતાનો અભાવ હોઈ ગઈકાલે કુરનમાં કચ્છ કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ રાત્રી સભા યોજી રસીકરણ બાબતે લોકોને
જાગૃત કર્યા હતા. સોમવારથી આ ગામોમાં રસીકરણનું સેશન શરૂ કરાશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.