કોરોના મહામારી સામે કચ્છી લેવા પટેલ સમાજનું મહાઅભિયાન : સંસ્થા દ્વારા ૭૫ બેડની આઈ.સી.યુ હોસ્પિટલ અને ત્રણ મેડીકલ ઓકિસજન પ્લાન્ટ કચ્છ માટે અર્પણ

હાલ કોરોના મહામારી સામે બાથ ભીડવા તેને મ્હાત આપવા રાજય સરકાર અને કચ્છનું વહીવટી તંત્ર તો તનતોડ મહેનત કરી જ રહયું છે ત્યારે અહીંની સ્થાનિક સામાજિક સંસ્થાઓ પણ વિશેષ તત્પરતા દાખવી, મહત્વની કામગીરી કરીને તંત્રના આ ભગીરથ કાર્યમાં સહયોગ આપી રહી છે. હાલ એવી જ અદ્વિતીય કામગીરી કરી રહયું છે કચ્છી લેવા પટેલ સમાજ જે અન્વયે દેશ-વિદેશમાંથી આવેલા ધનમાંથી ૭૫ બેડની આઈ.સી.યુ. કોરોના હોસ્પિટલ અને ત્રણ ઓકિસજન પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કચ્છી લેવા પટેલ સમાજની એમ.એમ.પી.જે. કોવીડ હોસ્પીટલે વર્તમાન ભવિષ્યમાં પડકારો સામે સજ્જ થવા મોટા નિર્ણય–તૈયારીઓ જાહેર કરી છે. જેમાં ૭૫ બેડની અદ્યતન આઈ.સી.યુ. હોસ્પીટલ અને ત્રણ મેડીકલ ઓક્સિજન પ્લાન્ટનો સમાવેશ થાય છે. જયાં ૫૦,૦૦૦ રેપીડ ટેસ્ટ અને દવાઓ તદન ની:શુલ્ક અપાશે. દેશ વિદેશથી આવેલા સહયોગ માત્ર ને માત્ર કોરોના સારવાર હેતુ માટે વાપરવામાં આવશે તેવો નિર્ધાર પણ વ્યક્ત કરાયો છે. મેડીકલ ડાયરેક્ટર, ડોક્ટર, નર્સીંગ, સફાઈકર્મી સહિતના વોરીયર્સની મહેનત રંગ લાવી છે. સમગ્ર ભારત સાથે સરહદી કચ્છ જીલ્લાએ પણ કોરોનાના કારણે ખુબ જ વિકટ સ્થિતિ જોઇ છે. આવી સ્થિતિમાંથી લોકોને બહાર લાવવા મદદરૂપ થવા કચ્છ જીલ્લામાં ‘સંજીવની’ ઓક્સિજનના ત્રણ મેડિકલ યુનિટ રૂપિયા ત્રણ કરોડના ખર્ચે ભુજની માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર (લેવા પટેલ હોસ્પિટલ) ને મણિનગર સ્વામીનારાયણ ટ્રસ્ટ સંસ્થા દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે જે આગામી એક માસ પછી ક્રમશ: શરૂ થશે આ યુનિટમાં સિલિન્ડર ભરી શકાશે અને હોસ્પિટલના આઈ.સી.યુ.ને પૂરતો ઓક્સિજન પૂરો પાડી શકાશે. જીલ્લામાં કોઈપણ ધાર્મિક સંસ્થાએ કોરોના રાહત માટે આટલું મહાયોગદાન આપ્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. આ સંદર્ભે મણિનગર સ્વામીનારાયણ ટ્રસ્ટ સંસ્થાના આચાર્ય સ્વામી પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજ, વરિષ્ઠ સંત પૂજ્ય ભગવદપ્રિયદાસજી, સંતશિરોમણી શ્રી મુનીભૂષણદાસજી સ્વામી, સ્વસિધ્ધચરણદાસજી, ધર્મવત્સલસ્વામી, સત્યપ્રકાશદાસજી સંતોના હસ્તે ત્રણ કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો. મહામારી સામે નિર્ણાયક લડત લડવા સૌને પ્રેરનાર કચ્છી લેવા પટેલ સમાજના અધ્યક્ષ ગોપાલભાઈ માવજીભાઇ ગોરસિયાએ જણાવ્યું કે અમે કચ્છના લોકોને કહેવા માંગીએ છીએ કે, આગામી સમયમાં અમે કોઈ કસર રાખવા માગતા નથી જેથી તાત્કાલિક ધોરણે ભુજમાં ૭૫ બેડની આઈ.સી.યુ. હોસ્પિટલનું નિર્માણ કરવું તે માટે ત્રણ ઓક્સિજન મેગા પ્લાન્ટ (મેડિકલ), ૫૦૦ સિલિન્ડર, વેન્ટિલેટર, બાયપેપ, જનરલ બેડ, ઓક્સિજન કન્સન્ટ્રેટર સહિતના ઉપકરણ પૂરતા પ્રમાણમાં વસાવવા જેનું કાર્ય પ્રગતિમાં છે. ઓક્સિજન પ્લાન્ટ માટે કચ્છની એક મોટી સેવાભાવી ધાર્મિક સંસ્થાએ આજે માતબર સાથ આપ્યો છે. ઉપરાંત તેમને સૌનો આભાર પણ વ્યકત કર્યો હતો. ટ્રસ્ટના પૂર્વાધ્યક્ષ અરજણભાઈ પીંડોરીયાએ જણાવ્યું હતુ કે, અમે ક્વોરોન્ટાઈન સેન્ટર નહિ, કોવીડ હોસ્પીટલ ચલાવીએ છીએ જે ખુબ જ કઠીન છે, તેવું કહેતા જણાવે છે કે, મુશ્કેલીના આ સમયમાં દેશ-વિદેશ વસતા તમામ કચ્છી પટેલોએ ‘એક સમાજ’ બની કાર્ય કર્યું છે. ચોવીસીના ગામે ગામના સમાજો, કાર્યકરો, સંગઠન-જાગૃતિ સમિતિઓ, રાજકીય–મહિલા સમિતિઓ અને કચ્છી લેવા પટેલ યુવક-યુવતી સંઘના તમામ કાર્યકરો, આર.એસ.એસ. સાથે સંકળાયેલા સમાજના યુવાનોએ રીતસર સેવાની બાજી લગાવી દીધી છે. એટલે આટલું મસમોટું અભિયાન ચાલી રહ્યું છે. આ કોઈ એકલ દોકલ વ્યક્તિનું કામ નથી, સહિયારી મહેનતનું પ્રતિફલન છે. તેમણે પણ સૌને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે આ મહાકાર્યના સંકલન કર્તા ગાદી સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જાદવજીભાઈ વેલજી વરસાણી, ટ્રસ્ટના મંત્રી કેશરાભાઈ પિંડોરીયા, સમાજ પ્રમુખ વેલજીભાઈ પીંડોરીયા, સમર્પિત વરિષ્ઠ સત્સંગી કિર્તિભાઈ વરસાણી, હરિવદનભાઈ જેસાણી, રવજી મુરજી, તથા ગામોગામના સિધ્ધાંત સજીવન મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, કારોબારી સમિતી સૌ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.