કોરોના મહામારી અને મોંઘવારીની માયાજાળ વચ્ચે : ભડકે બળતા પેટ્રોલ – ડિઝલના ભાવ :  કચ્છીઓને ‘દાઝયા પર ડામ’ જેવી સ્થિતિ

લોકોનો નિસાસો… હવે ચાલતા જવામાં જ ફાયદો : સેન્ચુરી તરફ આગળ વધતા ઈંધણના ભાવ આમ આદમીને કરી રહ્યા છે દુઃખી : ભાવ વધારાએ મધ્યમ વર્ગના બજેટને ખોરવ્યું, સેવીંગ ખલ્લાસ.! : નાનો અને મધ્યમ વર્ગ હાલ મોઘવારીમાં પિસાઈ ગયો છે

ભુજ : એક તરફ કોરોના મહામારીના કારણે ઉભું થયેલું આર્થિક સંકટ તેવામાં જીવન જરૂરી વસ્તુઓમાં આસમાને ઉંચકાયેલા ભાવથી સામાન્ય માનવી બોજા તળે આવી ગયો છે તેવામાં દાઝયા પર ડામ સમાન પેટ્રોલ – ડિઝલના ભાવ સદીની નજીક પહોંચી જતા લોકો હવે નિસાસા નાખી રહ્યા છે. કારણ કે મોંઘવારીની મારમાં ઘરના બે છેડા ભેગા કરવા કે ઈંધણનો ખર્ચો કાઢવો. કોરોનામાં લોકોના ધંધા – રોજગાર પડી ભાંગ્યા છે તેવામાં અધુરામાં પુરૂં ઈંધણના ભાવ વધારાએ લોકોની કમર તોડી નાખી છે.

આ અંગેની વિગતો મુજબ કોરોનાના શરૂઆતના સમય ગાળામાં પેટ્રોલ – ડિઝલના ભાવ ૬૦ થી ૭૦ ની આસપાસ હતા. જાે કે, અનલોક સાથે ધંધા -રોજગાર ખુલ્યા તેમજ દરરોજ ભાવ વધારો થતો આવ્યો છે. જેના કારણે આજે પેટ્રોલ – ડિઝલના ભાવ ૯૦ થી ૯પની આસપાસ આંબી ગયા છે. એક તરફ ધંધા – રોજગાર પડી ભાંગવાનું સંકટ, બીજી તરફ જીવન જરૂરીયાતની વસ્તુઓમાં તોતીંગ ભાવ વધારો અને હવે તો ઘરે ઘરે વાહનો હોવાથી પેટ્રોલ ડિઝલ જીવન જરૂરી બની ગયું છે. આવા સમય ના છૂટકે પણ ૧૦૦ રૂપિયા દઈને પેટ્રોલ પુરાવું પડે છે. પરંતુ જે લોકોની કમર આર્થિક રીતે ભાંગી પડી છે તેઓને તકલીફ થઈ રહી છે. હવે તો મધ્યમ વર્ગના લોકો આર્થિક પાયમાલીથી ગળા સુધી આવી ગયા છે.

પેટ્રોલ – ડિઝલના ભાવ વધારાની વાત કરીએ તો ગરજ સરીને વૈદ્ય વેરીની જેમ ચૂંટણીઓ પુરી થવાની સાથે જ ઈંધણના ભાવો દિન પ્રતિદિન વધતા જ જઈ રહ્યા છે. પાછલા એકાદ મહિનામાં સરેરાશ ૪ થી પ રૂપિયા જેટલો ભાવ વધારો પ્રતિ લીટરે થયો છે. ડિઝલના ભાવ વધારાની અસર સીધે સીધી ટ્રાન્સપોર્ટેશન પર પડતી હોઈ શાકભાજી અને અન્ય વસ્તુઓના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે, જેનું ભારણ લોકો પર પડી રહ્યું છે. જેના કારણે લોકો જયારે પેટ્રોલ ડિઝલ ભરાવવા જાય ત્યારે નિસાસો નાખી કહી રહ્યા છે કે, હવે તો પગપાળા ચાલવાના દિવસો દૂર હોય તેમ નથી.

કચ્છમાં નિયંત્રણોના કારણે જાહેર પરિવહનનો અભાવ જાેવા મળે છે. સાતેય શહેરોમાં સિટી બસની કોઈ સુવિધા નથી તેવામાં પેટ્રોલના વધતા ભાવથી કોરોના સમયગાળામાં લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે, આ સમસ્યામાંથી કેવી રીતે બહાર નીકળવું? લોકોના મતે છેલ્લા બે-ત્રણ મહિનામાં પેટ્રોલની કિંમતમાં બમણાથી વધારે વધારો થયો છે. પેટ્રોલમાં ભાવ વધારો લોકોના ઘરનું બજેટ ખોરવી રહયું છે, જેના કારણે બચતનો અંત આવી ગયો છે.