કોરોના મહામારીમાં ઓક્સિજન-રેમડેસિવીર અંગે સરકાર સાઈલન્ટ, તંત્ર વાઈબ્રન્ટ અને કચ્છની જનતા લાઉડ મોડ પર

પ્રાણવાયુ ઉપલબ્ધ હોવાનો તંત્રનો દાવો હોવા છતાં લોકો પ્રાણવાયુ મેળવવા દોડધામ કરે છે : સરકાર તો મુકપ્રેક્ષક બની રહી, તંત્ર પણ તેના પંથે ચાલ્યું : જનતાના હાલચાલ જાણવા કોઈ તૈયાર નથી

લોકો દર્દથી કણસતા રહ્યા પણ જાડી ચામડી વાળા ચૂંટાયેલા નેતાઓ રિબિનો કાપી સંતોષ માની ઘર ભેગા થયા

ભુજ : કોરોનાની પ્રથમ લહેરમાં દૈનિક ર૦-૩૦ કેસો આ જિલ્લામાં નોધાયા હતા. બીજી લહેરમાં દરરોજ ર૦૦ જેટલા કેસો નોધાઈ રહ્યા છે. કુલ કેસનો આંક ૧૦ હજારને આંબી ગયો છે. લોકો પરેશાન બન્યા છે. પણ સરકારના હાથમાં હવે બાજી રહી નથી. કચ્છમાં હાલ કોરોના મહામારીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. પાનખરમાં વૃક્ષ પરથી જેમ પાન ખરે તેમ લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં સરકાર હાલમાં સાઈલેન્ટ થઈ ગઈ છે. દરેક વખતે સબ સલામતની આલબેલ પોકારે છે. જયારે જિલ્લામાં જેની જવાબદારી છે તે તંત્ર પરિસ્થિતિને પહોચી વળવા દોડમદોડ કરી રહ્યું છે. પણ લોકો સુધી આરોગ્ય સેવા પહોંચતી નથી. જેથી ઓક્સિજન અને સારવાર માટે દર્દથી કણસતા લોકો બૂમ બરાડા પાડી રહ્યા છે. પણ આ બધા માટે હવે જવાબદાર કોને ગણવાએ પણ એક ગંભીર સવાલ છે.કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીએ કાળોકેર વર્તાવ્યો છે. હાલમાં લોકોના મૃત્યુદરનો આંકડો ખુબ જ ડરાવનારો છે, એવામાં લોકો પોતાની જાતને નિઃસહાય માની રહ્યા છે. ત્યારે સરકાર હાલમાં જાણે સાઈલેન્ટ મોડ પર હોય તેમ ચુપકીદી સાધી રહી છે. તો તંત્ર હાલમાં દર્દીઓને કઈ રીતે બચાવવા અને દર્દીઓને કયાં સારવાર આપવી એની મથામણમાં દોડધામ કરી રહ્યું છે. બીજીતરફ લોકો પોતાના સગાસબંધીઓને સારવાર માટે બૂમરાડ પાડી રહ્યા છે. એકબાજુ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે બેડ નથી, જેમ તેમ કરી બેડ મળે તો ઓક્સિજન નથી, દવા અને ઈન્જેકશન પણ પુરતા પ્રમાણમાં મળતાં નથી. ખાનગી રાહે દવા કે ઈન્જેકશન લાવે તો ભાવ આસમાને છે. આજ પરિસ્થિતિ બેડ માટે છે. આર્થિક રીતે સક્ષમ લોકો ખાનગી હોસ્પિટલમાં મોંઘા ખર્ચ કરીને લાગવગ કરીને સારવાર મેળવે છે. તો ગરીબ અને મધ્યમવર્ગીય લોકો સારવાર માટે ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં લોકો ભગવાન ભરોસે હોવાનો અહેસાસ કરી રહ્યા છે.કચ્છમાં ગામે ગામે આવી પરિસ્થિતિ છે. લોકો પ્રાણવાયુ માટે દોડા દોડ કરે છે, પરંતુ સમયસર ઓક્સિજન મળતો નથી. જેની જવાબદારી છે, તેવા નેતાઓ બે -ચાર માસ્ક વિતરણ કરી ફોટો પડાવી લે છે. અથવા ડમી દર્દીઓ રાખી કોવિડ કેર સેન્ટર શરૂ કરી લેવાય છે, પરંતુ આરોગ્ય સેવા લોકોને નસીબ થઈ નથી. પરિણામે લોકોની હાલત ભાગ મીલખા ભાગ જેવી થઈ છે. કોઈને કહેવાય નહીં અને દર્દ સહેવાય નહીં.

કચ્છમાં કોરોના વકરવા પાછળ જનતા અને સરકાર બંને જવાબદાર

ભુજ : કચ્છમાં કોરોનાની બીજી લહેરમાં દરોજ ર૦૦થી વધુ કેસો આવી રહ્યા છે. જિલ્લામાં મહામારીના ફેલાવા માટે લોકો તેમજ તંત્ર અને સરકાર જવાબદાર છે. લોકોએ નિયમ ન પાળ્યા અને સરકાર અને તંત્રએ પરિસ્થિતિ અંકુશમાં આવી હોવાનું માની લઈ આગોતરૂં આયોજન ન કર્યું જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. લોકોએ તહેવારો, લગ્ન, મરણ, સામાજિક, ધાર્મિક, જાહેર સ્થળોએ હાજરી આપી મહામારીને નજર અંદાજ કરી કોરોનાને આમંત્રણ આપ્યું છે. જેથી આજે ગામડાઓમાં હાલત બદથી બદતર થઈ ગઈ છે. સરકારે ચૂંટણીઓ યોજી લોકોને મોતના મુખમાં ધકેલવા અને સંક્રમણ વધારવા પાછળ મહત્વનો ભાગ ભજવ્યો. જો ચૂંટણી ન હોત તો પરિસ્થિતિ આટલી વિકટ ન બની હોત.

અંતે નિરાશાથી કંટાળેલા લોકો આત્મનિર્ભર બન્યા !

ભુજ : હોસ્પિટલમાં પથારી હોય કે પછી રેમડેસીવીર ઈન્જેકશન, ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની સારવારો અંગે ભલામણ કરવી પડે. હદ તો ત્યાં થઈ વેક્સિન લેવા માટે પણ ભલામણનો દોર ચલાવવો પડે કારણ કે સરકાર અને તંત્ર તમામ બાબતોમાં ટુંકુ પડતાં કોરોનાના કપરા સમયમાં નાછૂટકે લોકોને આત્મનિર્ભર બનવાની ફરજ પડી છે કેમ કે અનેક લોકો પોતાના સ્વજનોને બચાવવા ઓક્સિજનથી માંડી દવા બધા માટે જાતે જ વ્યવસ્થા કરવી પડે છે. માટે આ કપરા સમયમાં નાછૂટકે લોકો સાચા અર્થમાં આત્મનિર્ભર બન્યા છે.

કોરોનામાં અનેક સેવાભાવીઓ આગળ આવ્યા

ભુજ : જયારે કયાંથી મદદ મળતી નથી, ત્યારે સેવાભાવી યુવાનો સોશ્યિલ મીડિયા મારફતે, ગામના આગેવાનો વ્યવસ્થા ઉભી કરી તેમજ શહેરોમાં સેવાભાવી લોકો ગ્રુપ કે સંગઠન બનાવી દર્દથી કણસતા સ્વજનોની બનતી મદદ કરી કોરોના મહામારીમાં લોકો માટે મસીહા બની લોકોના દુઃખમાં રાહત આપી રહ્યા છે. આ સેવાભાવી વ્યક્તિઓ દ્વારા લોકોને નિઃશુલ્ક ભોજન, ઓક્સિજનના સિલિન્ડર, મશીન, બેડની વ્યવસ્થા કરી આપવી, આઈસોલેટ સેન્ટરમાં સુવિધા ઉભી કરવી, વોલિયન્ટરની સેવા સહિતના કામો કરી કપરા સમયમાં માનવતાની મહેક ફેલાવી રહ્યા છે.