કોરોના-બ્લેક ફંગસ વચ્ચે વાઇરલ ફિવરના કેસ વધવાની આશંકા

બેવડી ઋતુના કારણે તાવ કે શરદી જેવા સામાન્ય લક્ષણોવાળા દર્દીઓ વધવાનું જોખમ

અમદાવાદ,તા.૧૭ તૌકતે વાવાઝોડાને કારણે શરુ થયેલા કમોસમી વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચિંતા વધારી છે. કારણ કે કોરોનાની સાથે બેવડી ઋતુના કારણે વાઇરલ ફીવરના કેસો વધી શકે છે. તેમજ શરદી-ઉધરસ જેવા સામાન્ય લક્ષણવાળા દર્દીઓ વધવાનું જોખમ હોવાથી તંત્રે ખડેપગે રહેવું પડશે. કોરોનાની બીજી લહેર માંડ થોડીઘણી ઘટી રહી હતી. ત્યાં કમસોમી વરસાદને કારણે કોરોના ફરી ઉથલો મારી શકે, તેવી સંભાવના પણ રહેલી છે. તૌકતે વાવાઝોડાની પૂર્વ અસરના પગલે વાતાવરણમાં પલટો આવી ગયો છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ કોરોના વાઇરસનું સંક્રમણ અને બીજી તરફ બેવડી ઋતુના કારણે વાઇરલ ફિવરના કેસ વધી શકે છે જેની સીધી અસર એન્ટીજન અને આરટી-પીસીઆરના ટેસ્ટિંગ પર પડશે. જેનું ભારણ વધી શકે છે.અમદાવાદ સહિત તમામ જિલ્લાઓના સંભવિત વાવાઝોડાની અસરને પહોંચી વળવા માટે તમામ વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાતના કોઈપણ જિલ્લામાં જાનમાલને નુકસાન ન થાય તે માટે તમામ કલેક્ટરો બેઠકો બોલાવી વિવિધ કચેરીઓના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી રહ્યાં છે.બીજી તરફ સંભવિત વાવાઝોડાંના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ સહિતના જિલ્લા અને શહેરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને કેટલાંક ભાગોમાં કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે. અમદાવાદમાં કોરોના દૈનિક કેસો ૨૫૦૦થી વધુ નોંધાઈ રહ્યા છે તેવા સંજોગોમાં કમોસમી વરસાદથી વાઇરલ ફિવરના કેસો વધી શકે છે.બીજી બાજુ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આંખોના રોગ બ્લેક ફંગસનું જોખમ પણ વધી રહ્યું છે. એટલે મ્યુનિસપલ તંત્રની ચારે બાજુ દોડધામ વદી જશે. ગઇ કાલે ૨૪ કલાકમાં ચાર મહાનગરોમાં ૧૦૦થી વધુ કેસ જોવા મળ્યા. કોરોના સંક્રમિત ડાયાબિટિસ, કેન્સર અને કિડનીના દર્દીઓમાં આ બીમારી ફેલાવવાની આશંકા વધુ હોય છે.